સમયસાર ગાથા-૨૧૮-૨૧૯ ] [ ૩૭૯ સર્વ રાગના અભાવસ્વભાવપણું છે, અલિપ્તસ્વભાવપણું છે. જુઓને! શું કહે છે? કે સર્વ પરદ્રવ્ય પ્રત્યે કરવામાં આવતો જે રાગ તેના ત્યાગરૂપ સ્વભાવવાળો હોવાથી જ્ઞાની કર્મથી લેપાતો નથી, બંધાતો નથી. અસ્થિરતાનો થોડો રાગ જોકે જ્ઞાનીને છે અને તેટલો તેને થોડો બંધ પણ છે, પણ તેને અહીં ગણતરીમાં લીધો નથી. અહીં તો જ્ઞાનીની દ્રષ્ટિ રાગ પર નથી, દ્રષ્ટિ શુદ્ધ એક જ્ઞાયકભાવ પર છે તો કહ્યું કે કર્મમધ્યે હોવા છતાં પણ જ્ઞાની કર્મથી લેપાતો નથી. આવી વાત!
સોનાનું દ્રષ્ટાંત આપ્યું ને? કે લાખ મણ ચીકણા કાદવની મધ્યમાં સોનું રહ્યું હોય-પડયું-હોય-તોપણ લિપ્ત થતું નથી, તેને કાટ લાગતો નથી. કેમ? કેમકે કાદવના ત્યાગસ્વભાવરૂપ સોનું છે, અર્થાત્ કાદવથી અલિપ્ત રહેવાનો સોનાનો સ્વભાવ છે. તેમ જ્ઞાની ક્રિયારૂપ રાગની મધ્યમાં અને કર્મના ઉદયની સામગ્રીના મધ્યમાં પડયો હોય તોપણ લિપ્ત થતો નથી કેમકે તેનાથી અલિપ્ત રહેવાનો રાગના ત્યાગરૂપ તેનો સ્વભાવ છે. અહાહા...! ક્રિયાનો રાગ ને કર્મના ઉદયની સામગ્રી-એ બધું કાદવ છે; આ વ્યવહારરત્નત્રયનો રાગ પણ કાદવ (-મલિન) છે ભાઈ! લોકોને આકરું લાગે પણ આ સત્ય છે. આવે છે ને કે-
ધર્મી-સમ્યગ્દ્રષ્ટિ પુરુષો ચક્રવર્તીની સંપદા ને ઇન્દ્રના ભોગોને અર્થાત્ પુણ્ય ને પુણ્યના ફળને કાગડાની વિષ્ટા સમાન ગણે છે. આ માણસની વિષ્ટ તો ખાતરમાંય કામ આવે પણ આ તો ખાતરમાંથી જાય. મતલબ કે ધર્માત્માને રાગ અને રાગના ફળમાં કિંચિત્ પણ રસ નથી, રુચિ નથી. સમજાણું કાંઈ...?
આ બધા પૈસાવાળા ને આબરૂવાળા ધૂળના પતિ પુણ્યરૂપી ઝેરનાં ફળ ભોગવવામાં પડેલા છે. પાંચ-પચાસ કરોડ પૈસા થાય એટલે ઓહોહો... જાણે અમે શુંય થઈ ગયા એમ માને પણ ભાઈ! એમાં ધૂળેય નથી સાંભળને. એ તો બધાં પુણ્યનાં- ઝેરનાં ફળ છે બાપા! એમાં કયાં ભગવાન આત્મા છે?
હા, જ્ઞાની તો એમ જ કહે ને? અરે ભાઈ! વસ્તુનું સ્વરૂપ જ આવું છે અને જેવું છે તેવું જ્ઞાની કહે છે. બહારની ચીજ-પૈસા આદિ-તો જડની છે અને અંદરમાં (ભોગવવાનો) રાગ આવે છે તે વિકાર છે; તે કાંઈ આત્માનો સ્વભાવ નથી. ભગવાન આત્માનો તો રાગના ત્યાગરૂપ જ્ઞાનાનંદ સ્વભાવ છે અને સ્વભાવ પર જેની દ્રષ્ટિ છે તેવો જ્ઞાની પણ રાગના અભાવ-સ્વભાવે પરિણમે છે, તે રાગના રસથી રહિતપણે પરિણમે છે. આનું નામ ધર્મ છે. પણ આ શેઠિયાઓને પૈસા કમાવા આડે આ સમજવાની નવરાશ કયાં છે?