સમયસાર ગાથા-૨૧૮-૨૧૯ ] [ ૩૮૭ લોકોને લાગે કે આ મહા ત્યાગી છે એવી નગ્ન મુનિદશા હોય, પણ જો અંતરમાં રાગથી એકતાબુદ્ધિ હોય તો તે અજ્ઞાની મિથ્યાદ્રષ્ટિ છે, ત્યાગી નથી; ધર્મનો ત્યાગી છે. આવી સૂક્ષ્મ વાત ભાઈ!
બહારના સંયોગ ઝાઝા છે માટે અજ્ઞાની ને બહારના સંયોગ નથી માટે જ્ઞાની એવી માન્યતા યથાર્થ નથી. એ જ અહીં કહે છે કે-‘તને પરના અપરાધથી બંધ થતો નથી તેથી તું ઉપભોગને ભોગવ’ મતલબ કે પરદ્રવ્યના સંયોગમાં તું ભલે હો, પણ તેનાથી તને બંધન છે એમ નથી. ભોગવવાનો અર્થ આ છે કે સંયોગમાં તું હો તો હો, એનાથી તને બંધન નથી. અત્યારે તો લોકો કોઈ બહારના સંયોગ ઘટાડે એટલે ત્યાગી થઈ ગયો એમ માને છે પણ ભાઈ! સંયોગ વડે જ્ઞાની-અજ્ઞાનીનું માપ નીકળતું નથી. આ સત્યનો પોકાર છે.
ભગવાન શ્રી કુંદકુંદાચાર્ય ને અમૃતચંદ્રાચાર્ય પોકાર કરે છે કે-ભગવાન! તું સ્વદ્રવ્ય છો ને! સ્વદ્રવ્યની દ્રષ્ટિનું તને પરિણમન થયું અને તને પરદ્રવ્યના ઘણા સંયોગ છે તો તે સંયોગને કારણે તને નુકશાન છે એમ નથી. લોકો ભલે કહે કે-આટલો બધો પરિગ્રહ! આટલી બધી સ્ત્રીઓ! આટલા બધા પુત્રો! ચક્રવર્તીને તો ૩૨ હજાર પુત્રીઓ, ૬૪ હજાર પુત્રો ને ૯૬ હજાર સ્ત્રીનો સંયોગ છે. પણ તે સંયોગ બંધનું કારણ છે એમ નથી. ભાઈ! પરદ્રવ્ય કાંઈ બંધનું કારણ નથી; હા, સ્વદ્રવ્યમાં પરને કે રાગને પોતાનો માન્યો હોય તો, ભલે ને કાંઈ પણ સંયોગ ન હોય તોપણ, મિથ્યાત્વનો અપરાધ ઊભો થાય છે.
ભાઈ! શરીરનો થોડો આકાર હોય ત્યાં આત્માના પ્રદેશનો આકાર પણ થોડો હોય છે. પરંતુ તેથી તેને નુકશાન છે કે લાભ છે એમ નથી. કેવળી સમુદ્ઘાત કરે ત્યારે લોકના આકાર જેટલો આકાર થઈ જાય છે, ભગવાનના પ્રદેશનો આકાર ત્યારે લોકાકાશ જેટલો થઈ જાય છે. પણ આકાર મોટો થયો માટે તેને નુકશાન છે અને સાત હાથનો આકાર ધ્યાનમાં-કેવળજ્ઞાનમાં હોય તો તેને લાભ છે એમ નથી. હવે પોતાના નાના-મોટા આકારથી પણ જ્યાં લાભ-નુકશાન નથી ત્યાં પરદ્રવ્યથી લાભ-નુકશાન કયાંથી હોય? ભાઈ! જૈનદર્શનનું તત્ત્વ કોઈ અલૌકિક છે! વીતરાગ પરમેશ્વર-જિનેશ્વરનો માર્ગ ખૂબ ગંભીર છે.
કહે છે-‘ઉપભોગ ભોગવવાથી મને બંધ થશે એવી શંકા ન કર.’ શું કહ્યું? કે ઝાઝા સંયોગમાં-શરીર, પૈસા, સ્ત્રી-કુટુંબ-ઇત્યાદિમાં આવ્યો માટે તેને લઈને મને બંધ થશે એવી શંકા ન કર. લ્યો, ‘ભોગવ’નો આ અર્થ છે કે-સંયોગો ઘણા હો પણ એનાથી નુકશાન નથી, બંધ નથી. સંયોગ તો પરચીજ છે; તે સ્વદ્રવ્યમાં કયાં છે કે તે લાભ-નુકશાન કરે? ભાઈ! તારી દ્રષ્ટિ જો રાગને પુણ્યના પરિણામથી એકત્વ પામે તો તને નુકશાન તારાથી છે, પણ પરદ્રવ્યથી નથી.