૩૮૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭
પૂર્ણાનંદનો નાથ પ્રભુ આત્મા અનંતગુણધામ સુખધામ છે. ‘સ્વયંજ્યોતિ સુખધામ’ એમ આત્મસિદ્ધિમાં આવે છે ને? શુદ્ધ ચૈતન્યજ્યોત સુખધામ પ્રભુ આત્મા છે. અહાહા...! તે આનંદનું સ્થાન છે જેમાંથી આનંદ જ પાકે. તો જેને આનંદ પાકયો છે તેવા જીવને પરના નાના-મોટા સંયોગને કારણે પરિણામ પલટીને અપરાધરૂપ-બંધરૂપ થઈ જાય એવી શંકા ન કરવી એમ કહે છે. સંયોગ આવ્યો માટે મને બંધ થશે એમ શંકા ન કરવી. ઝીણી વાત છે પ્રભુ! આ તો વીતરાગદેવ વસ્તુનો સ્વભાવ વર્ણવે છે. કહે છે- ભગવાન! તારો સ્વભાવ તો શુદ્ધ છે ને? સ્વભાવનું તને ભાન થયું ને હવે કોઈ સંયોગો દેખાય છે તો તેનાથી અપરાધ થઈ ગયો એમ શંકા ન કરવી. ભાઈ! આ સિદ્ધાંત કાંઈ સ્વચ્છંદી થવા માટે નથી, પણ તેને પરના કારણે દોષ થાય છે એવી શંકાથી પર થવા માટેની વાત છે. આવો ભગવાન વીતરાગનો ઉપદેશ છે!
હવે કહે છે-જો એવી શંકા કરીશ તો ‘પરદ્રવ્ય વડે આત્માનું બૂરું થાય છે’ -એવું માનવાનો પ્રસંગ આવે છે.”
શું કહે છે? કે પરદ્રવ્યનો સંયોગ છે માટે મને નુકશાન છે એમ શંકા કરીશ તો પરદ્રવ્ય વડે આત્માનું બૂરું થાય છે એમ માનવાનો પ્રસંગ આવે છે. પણ ધર્મીને એવી શંકા હોતી નથી. ચક્રવર્તીને એક એક મિનિટની અબજોની પેદાશ હોય છે, મોટા નવનિધાન હોય છે છતાં તેને લઈને મને અપરાધ થશે-બંધ થશે એવી શંકા એને હોતી નથી. ભાઈ! ધર્મી બહારના ઘણા સંયોગોમાં દેખાય માટે તે અપરાધી છે એમ માપ ન કર. તથા કોઈને સંયોગો મટી ગયા-નગ્ન થયો માટે તે ધર્મી થયો એમ પણ માપ ન કર. નગ્ન મુનિ થયો, રાજપાટ છોડયાં, હજારો રાણીઓ છોડી માટે તે ધર્મી એમ માપવાનું રહેવા દે ભાઈ! સંયોગો ઘટયા તે તેના કારણે ઘટયા છે; તે ઘટયા છે માટે ત્યાં ધર્મ છે એમ છે નહિ. શુદ્ધ ચૈતન્યસ્વભાવ પર દ્રષ્ટિ ન હોય તેને સંયોગો ઘટયા હોય તોપણ તે મિથ્યાદ્રષ્ટિ છે તથા અનેક સંયોગો વચ્ચે હોય તોપણ જેની દ્રષ્ટિ શુદ્ધ આત્મદ્રવ્ય-સ્વદ્રવ્ય પર છે તે નિરપરાધ ધર્માત્મા છે. આવી સ્વદ્રવ્ય-પરદ્રવ્યની ભિન્નતાની સૂક્ષ્મ વાત છે.
‘ભોગવ’નો અર્થ એ છે કે પૂર્વના પુણ્યના કારણે સમકિતીને સંયોગ ઘણા હો, પણ એથી તેને નુકશાન છે વા તે સંયોગ અપરાધ છે એમ નથી. અહા! આવો મારગ સમજવો પડશે ભાઈ! બહારથી માપ કાઢીશ કે આને આ છોડયું ને તે છોડયું તો માપ ખોટાં પડશે, કેમકે ખરેખર વસ્તુમાં પરદ્રવ્યનાં ગ્રહણ-ત્યાગ છે જ નહિ. સૂક્ષ્મ વાત છે ભાઈ! પરનો ત્યાગ કરવો ને પરને ગ્રહણ કરવું એ વસ્તુમાં -આત્મામાં છે જ નહિ. જ્યાં આમ છે ત્યાં પરનો ત્યાગ થયો માટે ત્યાગી થયો એમ માને એ તો અજ્ઞાન છે.