સમયસાર ગાથા-૨૧૮-૨૧૯ ] [ ૩૮૯
શું કહ્યું એ? કે આત્મામાં એક ત્યાગઉપાદાનશૂન્યત્વ શક્તિ છે. અહાહા...! ભગવાન આત્મામાં એક એવો ગુણ છે-અનાદિ સત્નું સત્ત્વ એવું છે-કે પરમાણું પરસ્ત્રી ઇત્યાદિ પર પદાર્થને આત્માએ ગ્રહ્યા નથી તેમ જ તેને છોડતો પણ નથી. પરદ્રવ્યના ગ્રહણ-ત્યાગ રહિત જ તેનું સ્વરૂપ છે. હવે જેના ગ્રહણત્યાગથી રહિત પોતે છે તેને હું ત્યાગું તો ધર્મ થાય એમ માનવું તે અજ્ઞાન છે. નિશ્ચયથી તો રાગના ત્યાગનું કર્તાપણું પણ આત્માને નથી એમ વાત છે. વીતરાગસ્વરૂપ ભગવાન પોતે છે એમ જેને અંતર્દ્રષ્ટિ થઈ છે તેને રાગનો ત્યાગ થયો એમ કહેવું તે નામમાત્ર છે; કારણ કે પોતે (શુદ્ધ દ્રવ્ય) રાગરૂપે થયો જ નથી તો રાગનો ત્યાગ કર્યો એ કયાંથી આવ્યું? ૩૪ મી ગાથામાં આવે છે કે ધર્માત્માએ રાગનો ત્યાગ કર્યો છે તે નામમાત્ર કથન છે. હવે આમ છે ત્યાં પરનો ત્યાગ કર્યો માટે ધર્માત્મા થઈ ગયો એ કયાં રહ્યું? એમ માનવું એ તો અજ્ઞાન છે. લ્યો, આવી વાતુ છે! અહીં કહે છે-કોઈ (ધર્મીજીવ) પરના ઘણા સંયોગમાં છે માટે તે અજ્ઞાની છે એમ (માનવું) પ્રભુ! રહેવા દે. એમ વસ્તુનું સ્વરૂપ નથી. ભાઈ! શ્લોક બહુ આકરો છે. પણ સ્વચ્છંદી માટે આ વાત નથી. (આ તો જ્ઞાની-ધર્મીની વાત છે.)
કોઈને વળી થાય કે અમે ગમે તે પરદ્રવ્યને ભોગવીએ તો તેમાં શું (હાનિ છે)? સમાધાનઃ– અરે ભાઈ! તું પરદ્રવ્યને ભોગવે છે જ ક્યાં? પરદ્રવ્યને જ્યાં તું અડતોય નથી ત્યાં તેને ભોગવવાનો પ્રશ્ન જ કયાં છે? તથાપિ સ્વચ્છંદે ભોગવવાની તને જે ચેષ્ટા છે તે અજ્ઞાન છે, અને તે મોટું નુકશાન છે. સમજાણું કાંઈ...? અહીં તો એમ કહેવું છે કે-પૂર્વના પુણ્યને લીધે સમકિતીને ઝાઝા સંયોગ છે તો ભલે હો, તે પરદ્રવ્યરૂપ સંયોગને લીધે તેના જ્ઞાન-શ્રદ્ધાનને કાંઈ હાનિ થશે એમ છે નહિ. પરદ્રવ્યને કારણે મને લાભ-હાનિ છે એમ સમકિતી શંકા કરે નહિ એમ અહીં વાત છે.
જુઓ, સ્વદ્રવ્યને ભૂલીને પરદ્રવ્ય સાથે વા પરભાવ સાથે એકપણું કરે તે અપરાધ છે અને તે અપરાધ પોતાનો પોતાથી છે, કોઈ પરદ્રવ્ય તેને પરાણે અપરાધ કરાવે છે એમ નથી. અને જ્ઞાનીની દ્રષ્ટિ શુદ્ધ ચૈતન્યદ્રવ્ય-સ્વદ્રવ્ય પર રહેલી છે. તથાપિ પૂર્વના પુણ્યના કારણે પરદ્રવ્યના સંજોગો હોય તો તે સંજોગો મને સમકિતમાં નુકશાન કરશે એવી શંકા કરવી છોડી દે એમ અહીં કહે છે, કારણ કે નિજ સ્વરૂપથી પૂર્ણ એવું સ્વદ્રવ્ય સદાય પરદ્રવ્યથી ભિન્ન જ છે. આવી વાત છે. પ્રભુ! તારી પ્રભુતાનો પાર નથી. આવે છે ને કે-
પ્રભુ મેરે! તૂ સબ બાતે હૈ પૂરા, પરકી આશ કહા કરૈ પ્રીતમ... અહા! પરકી આશ કહા કરૈ વહાલા... કઈ બાતે તૂ અધૂરા... પ્રભુ મરે! સબ બાતે તૂ પૂરા.