૩૯૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭
નાથ! તું કઈ વાતે અધૂરો છે કે આમ પરની સામે જોયા કરે છે? પર મને લાભ કરશે વા પર મને નુકશાન કરશે-એવી આશંકા છોડી દે. ભગવાન! તું સબ (સર્વ) ભાવે પૂરો છે ને નાથ! જ્ઞાને પૂરો, વીર્યે પૂરો, આનંદે પૂરો, વીતરાગતાએ પૂરો, શાંતિએ પૂરો, પ્રભુતાએ પૂરો, સ્વચ્છતાએ પૂરો-એમ અનંતગુણે તું પૂરો છે, ને નાથ! તો આવા પ્રભુ સ્વરૂપનો સંગ કર્યો ને હવે આ બહારનો પરદ્રવ્યનો સંગ (સંયોગ) મને નુકશાન કરશે એવી આશંકા રહેવા દે પ્રભુ! રાગના સંગ વિના અસંગ શુદ્ધ ચૈતન્યમહાપ્રભુનો સંગ કર્યો તો હવે આ જરી રાગ આવ્યો ને સંયોગ ઘણા આવી પડયા એટલે મને નુકશાન છે એમ (વિચારવું) રહેવા દે, કેમકે તું તો એ સર્વનો જાણનાર છો.
અહાહા...! ભગવાન આત્મા પોતાનું અને પરનું માપ કરે છે (જ્ઞાન કરે છે) પણ પર મારાં છે એવું કયાં છે એમાં? ‘પ્રમાણ’ કહ્યું છે ને? તો પ્રમાણ કરનારો કહો કે માપ કરનારો કહો-એક જ છે. પ્ર+માણ = વિશેષે માપ કરનાર. ભગવાન આત્માની જ્ઞાનપર્યાય માપ આપે છે. અહાહા...! પોતાનું અને પરનું સ્વરૂપ કેવું છે તેનું તે માપ આપે છે પણ પર મારાં છે એવું જ્ઞાન-પ્રમાણમાં કયાં છે? નથી. પરદ્રવ્યનો સંયોગ થયો તેનું પ્રમાણ જ્ઞાન કરે છે પણ તે સંયોગ લાભ-નુકશાન કરે એવું એમાં કયાં છે? માટે મને અરે! આવા ઝાઝા સંયોગ!-એમ એનાથી મને નુકશાન છે એવી આશંકાથી રહિત થઈ જા-એમ કહે છે. ક્રોડો અપ્સરાઓ છે માટે મને બંધનું કારણ છે એમ રહેવા દે, એમ છે નહિ; અને અમે સ્ત્રીનો ત્યાગ કર્યો છે, અમે બાલબ્રહ્મચારી છીએ માટે અમને ધર્મ થયો છે એમ પણ રહેવા દે, એમ છે નહિ. અહો! આ તો ગજબની શૈલી છે! વીતરાગદેવની આ વાત બાપુ! બેસવી મહા કઠણ છે અને જેને બેસી ગઈ એ તો માનો ન્યાલ થઈ ગયો! સમજાણું કાંઈ...?
હવે કહે છે-‘આ રીતે અહીં જીવને પરદ્રવ્યથી પોતાનું બૂરું થતું માનવાની શંકા મટાડી છે; ભોગ ભોગવવાની પ્રેરણા કરી સ્વચ્છંદી કર્યો છે એમ જ સમજવું. સ્વેચ્છાચારી થવું એ તો અજ્ઞાનભાવ છે એમ આગળ કહેશે.’
શું કહે છે? કે આત્મા શુદ્ધ એક જ્ઞાયકભાવ ચૈતન્ય મહાપ્રભુ છે. તે જેના સ્વસંવેદનમાં આવ્યો, અનુભવમાં આવ્યો તેને કહે છે-ભાઈ! સંયોગો ગમે તે હો, તેઓ તને નુકશાન કરશે વા તેમનાથી તારું અહિત થશે એવી શંકા ન કર. આ પ્રમાણે પરદ્રવ્યથી પોતાનું બૂરું થતું માનવાની શંકા અહીં મટાડી છે, પરંતુ પરનો સંયોગ કર ને સ્વચ્છંદે તેને ભોગવ, એથી તને કાંઈ દોષ નથી-એમ સ્વચ્છંદી થવાની પ્રેરણા કરી નથી. ભાઈ! દ્રષ્ટિ જો સ્વદ્રવ્યથી ખસી ગઈ ને પરદ્રવ્યથી એકપણાને પામી તો તો નુકશાન જ છે, પછી ભલે પરદ્રવ્યના સંયોગ હો કે ન હો. બાકી દ્રષ્ટિ જેની એક જ્ઞાયકભાવ પર સ્થિર છે તેને સંયોગના ઢગલા હોય તોય શું? કેમકે તે એકેય