સમયસાર ગાથા-૨૧૮-૨૧૯ ] [ ૩૯૧ પરચીજ એની કયાં છે? એક હોય કે ક્રોડો હોય-એ બધી સંખ્યા તો બહારની છે. બહારની સંખ્યાથી આત્માને શું લાભ-હાનિ છે? કાંઈ લાભ-હાનિ નથી.
ભાઈ! કોઈ નગ્ન દિગંબર મુનિ થયો હોય એને ભલે સંયોગ કાંઈ ન હોય પણ અંદરમાં પોતાના ચિદાનંદ ભગવાન આત્માને છોડી પોતાને રાગવાળો માન્યો છે વા રાગથી પોતાને લાભ થવો માન્યો છે તો તે મિથ્યાદ્રષ્ટિ છે અને ૯૬ કરોડ પાયદળ ઇત્યાદિ વૈભવની વચમાં ભરત ચક્રવર્તી પડયો હોય ને રોજ સેંકડો રાજકન્યા પરણતો હોય તોપણ તે ધર્માત્મા છે. કેમ? કેમકે એની દ્રષ્ટિ શુદ્ધ ચૈતન્યમય સ્વદ્રવ્ય પર છે. બહારનો વૈભવ તો પરદ્રવ્ય છે. એ કયાં સ્વદ્રવ્યને અડે છે? દ્રષ્ટિમાં તો એને એ સર્વનો ત્યાગ થઈ ગયો છે. દ્રષ્ટિમાં તો જ્યાં સર્વ રાગનોય ત્યાગ છે ત્યાં પરવસ્તુનું તો પૂછવું જ શું? પરવસ્તુનો તો સ્વભાવમાં ત્યાગ જ છે. તેથી કહે છે કે પરવસ્તુથી પોતાને નુકશાન થશે એવી શંકા ન કરવી. પણ તેથી કરીને પરવસ્તુથી મને નુકશાન નથી એમ વિચારીને સ્વચ્છંદી થઈ ભોગ ભોગવવામાં લીન ન રહેવું, કેમકે સ્વેચ્છાચારી થવું એ તો અજ્ઞાનભાવ છે એમ આગળ કહેશે. સ્વચ્છંદી થઈને પરને ને રાગને પોતાના માનવા એ તો મિથ્યાત્વ છે, મહા અપરાધ છે. સમજાણું કાંઈ...?