૪૦૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭
હવે આવું સમજવું એના કરતાં વ્રત લઈએ ને તપશ્ચર્યા કરીએ તો? ભાઈ! અજ્ઞાનભાવે અનંતકાળ વ્રતમાં કાઢે તોય શું? ને ક્રોડો જન્મ તપશ્ચર્યા તપે તોય શું? વિના આત્મજ્ઞાન સંસાર ઊભો જ રહે છે.
અહાહા...! કહે છે-‘સ્વયમેવ અજ્ઞાનરૂપે પરિણમે ત્યારે તેનું જ્ઞાન સ્વયંકૃત અજ્ઞાન થાય.’ જુઓ બેયમાં ‘સ્વયમેવ’ ને ‘સ્વયંકૃત’ આવ્યું છે. પહેલાં શંખના દ્રષ્ટાંતમાં આવ્યું કે-શંખ ધોળામાંથી સ્વયમેવ કાળું થયું છે અને તે કાળાપણું સ્વયંકૃત છે, નિમિત્તથી કરાયેલું નથી. હવે આ સિદ્ધાંતમાં કહે છે કે-જ્ઞાન સ્વયમેવ અજ્ઞાન થયું છે અને જ્ઞાનનું અજ્ઞાન સ્વયંકૃત છે, નિમિત્તથી-કર્મથી કરાયેલું છે એમ નથી. અહા! કેટલી ચોખ્ખી વાત છે! પણ અજ્ઞાની તો હું પરનું કરી દઉં એમ માને છે. એ તો પેલું આવે છે ને કે-
‘હું કરું હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે.’ ગાડાની નીચે કુતરું ચાલતું હોય ને ગાડાનું ઠાઠું તેને અડે એટલે તે એમ માને કે મારાથી ગાડું ચાલે છે, ગાડાનો ભાર હું ઉપાડું છું તેમ અજ્ઞાની દુકાનના થડે બેસીને માને કે હું આ બધું ધ્યાન રાખું છું, દુકાન હું ચલાવું છું. ભાઈ! એમ માનનારા અજ્ઞાની પણ કૂતરા જેવા જ છે, કાંઈ ફરક નથી.
પણ આ બધું કામ અમે કરીએ તો છીએ? ભાઈ! એ બધાં જડનાં કામ કોણ કરે? શું આત્મા કરે? આત્મા તો જડને અડતોય નથી. ભાઈ! એ બધાં જડનાં કામ તો એના પોતાના કારણે થાય છે; આત્મા એ કરી શકતો જ નથી. સમજાણું કાંઈ...?
અહીં કહે છે-‘જ્ઞાનને છોડીને સ્વયમેવ અજ્ઞાનરૂપે પરિણમે...’ જુઓ, પેલામાં (ગાથા ૧૨૧ થી ૧૨પ માં) પણ ‘સ્વયં’ આવે છે ને કે-જો ‘સ્વયં’ પરિણમવાની શક્તિ ન હોય તો પર વડે કેમ પરિણમાવી શકાય? અને જો ‘સ્વયં’ પરિણમવાની શક્તિ છે તો પરની શી જરૂર છે? અહા! આવું તો સ્પષ્ટ છે બાપુ! અહા! જગતમાં અનંત દ્રવ્ય ભગવાને કહ્યાં છે તે અનંત કયારે માન્યાં કહેવાય? કે અનંત દ્રવ્ય પૈકી પ્રત્યેક દ્રવ્ય સ્વતંત્ર પરની સહાય વિના સ્વયં પરિણમે છે એમ માનવામાં આવે તો અનંત અનંતપણે રહે અને તો અનંત દ્રવ્ય સાચાં માન્યાં કહેવાય. અહાહા...! અનંતદ્રવ્યો પ્રત્યેક સ્વયંકૃત હોય તો જ અનંત દ્રવ્યો ભિન્નપણે રહે; જો પરથી કાંઈ થાય છે એમ માનવામાં આવે તો અનંત ભિન્ન ભિન્ન રહે નહિ; બધાં એક બીજામાં ભળી જાય અને તો અનંતપણું ખલાસ થઈ જાય.
ભાઈ! આ તો પોતામાં પરની પર્યાય કાંઈ કરી શકે નહિ એમ કહે છે. અહાહા...!