Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2314 of 4199

 

સમયસાર ગાથા ૨૨૦ થી ૨૨૩ ] [ ૪૦૧ કરાયેલો; અર્થાત્ શંખ પોતાથી જ કૃષ્ણભાવે પરિણમે ત્યારે તેનો શ્વેતભાવ પોતાથી કરાયેલા કૃષ્ણભાવને પ્રાપ્ત થાય છે. શું કહ્યું? કે શંખ છે તે જ્યારે પોતે પોતાથી જ કાળો થાય અને સ્વયંકૃત એટલે પોતાથી કાળો કરાયેલો હોય ત્યારે તે કાળો થાય છે, પરંતુ તે પરથી કાળો કરેલો કે પરથી કાળો કરાયેલો નથી. સ્વયમેવ એટલે પોતાથી જ અને સ્વયંકૃત એટલે પોતાથી કરાયેલો; નિમિત્ત કે પરકૃત છે એમ નહિ.

પણ પૂર્વના પુણ્યનો યોગ હોય તો પૈસા મળે છે ને? ભાઈ! તે (પૈસાના) પરમાણુની પર્યાય તે કાળે તે રીતે થવાની હતી તો તે રીતે થઈ છે; તે કાંઈ એના પુણ્યના કારણે થઈ છે એમ નથી. પુણ્યના રજકણો તો એનાથી ભિન્ન ચીજ છે, તે એને (પૈસાના પરમાણુને) અડતાય નથી. ઝીણી વાત છે ભાઈ! વળી પૈસા થાય છે તે પૈસાના-ધૂળના છે, એમાં જીવને શું છે? અહા! દર્શનશુદ્ધિ વિના બધું થોથેથોથાં છે.

હવે કહે છે-‘તેવી રીતે જ્યારે તે જ જ્ઞાની, પરદ્રવ્યને ભોગવતો અથવા નહિ ભોગવતો થકો, જ્ઞાનને છોડીને સ્વયમેવ અજ્ઞાનરૂપે પરિણમે ત્યારે તેનું જ્ઞાન સ્વયંકૃત અજ્ઞાન થાય.’

જુઓ, પોતે સ્વયમેવ અજ્ઞાનરૂપે પરિણમે છે અર્થાત્ વિષય-ભોગમાં રસ-રુચિ કરીને સ્વયં અજ્ઞાનભાવે પરિણમે છે એમ કહે છે. વિષયભોગમાં રસ છે, મીઠાશ છે-એવો જે અજ્ઞાનભાવ છે તેને અજ્ઞાની પોતાથી જ કરે છે; પણ મોહનીય કર્મનો ઉદય તેને અજ્ઞાન કરાવે છે એમ નથી. અહા! કેટલું સ્પષ્ટ છે!

પ્રશ્નઃ– દર્શનમોહનો ઉદય આવ્યો ત્યારે મોહ થયો ને? ક્રોધ પછી માન થાય ને ક્રોધ ન થાય એનું કારણ ત્યાં માનકર્મનો ઉદય છે ને?

સમાધાનઃ– ભાઈ! અહીં તો કહે છે કે ઉદય-નિમિત્ત જીવના ભાવને કરી શકતો નથી. કર્મનો ઉદય નિમિત્ત હો, પણ તે જીવના ભાવને કરે છે એમ નથી; જીવ સ્વયં પોતે પોતાથી જ અજ્ઞાનભાવને કરે છે.

જુઓ, અહીં કહે છે-‘જ્ઞાની પરદ્રવ્યને ભોગવતો...’ ભોગવતો એટલે શું? એટલે કે અંદર એનો રાગ કરતો; પરદ્રવ્ય તો કયાં ભોગવાય છે? પણ પરદ્રવ્યના (ભોગના) કાળે રાગ હોય છે તેથી ભોગવે છે એમ કહેવાય છે. ‘જ્ઞાની પરદ્રવ્યને ભોગવતો અર્થાત્ નહિ ભોગવતો થકો’-અર્થાત્ ન પણ ભોગવે તોપણ ‘જ્ઞાનને છોડીને’ -એટલે કે પોતાના જ્ઞાતા-દ્રષ્ટા સ્વભાવને છોડીને સ્વયમેવ અજ્ઞાનરૂપે પરિણમે છે. અહા! વિષયમાં, આબરૂમાં મઝા છે-એમ અજ્ઞાનરૂપે તે સ્વયમેવ પરિણમે છે.