૪૦૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭
આ વાત અત્યારે ચાલતી નહોતી એટલે કેટલાક લોકો ‘આ એકાન્ત છે એકાન્ત છે, આ નિયતિવાદ થઈ જાય છે’-એમ રાડો પાડે છે, પણ બાપુ! આ સમ્યક્ નિયતિ છે. નિયતિવાદમાં-મિથ્યા નિયતિમાં તો એકલું થવા કાળે થાય-એમ હોય છે, તેમાં સ્વભાવ, પુરુષાર્થ, નિમિત્ત (નિમિત્તનો અભાવ) ઇત્યાદિ હોતાં નથી. જ્યારે અહીં (સમ્યક્ નિયતિમાં) તો જે સમયે જે દ્રવ્યની જે પર્યાય થવા યોગ્ય હોય તે તે સમયે થાય જ અને તેમાં તે કાળે વીર્યશક્તિનું પણ પરિણમન છે, સ્વભાવનું પણ પરિણમન છે અને તેનામાં અભાવ નામની એક શક્તિ છે તેથી નિમિત્તના અભાવરૂપ તેનું પરિણમન પણ હોય છે.
અહા! કર્મનો અભાવ થયો માટે આત્મામાં કેવળજ્ઞાન થાય છે એમ નથી; પણ પોતામાં અભાવ નામની શક્તિ છે તેથી તે (નિમિત્તના) અભાવપણે પરિણમે છે. આવી વાત છે! આત્મામાં એક ભાવ નામની શક્તિ છે. તેનું કાર્ય શું? કે દ્રવ્યની પર્યાય જે કાળે થવાની હોય તે થાય જ. આ ભાવગુણનું કાર્ય છે, પણ નિમિત્તનું કાર્ય નથી, તથા સંયોગી ચીજ મળી માટે કાર્ય થયું છે એમ નથી. અહાહા...! ભાવ નામનો ગુણ છે અને તે ગુણનો ધરનાર ભગવાન આત્મા ભાવવાન છે. તે ભાવવાન ઉપર જ્યાં દ્રષ્ટિ ગઈ ત્યાં ભાવગુણને લઈને તેનામાં નિર્મળ પર્યાય થાય જ છે; મલિનની અહીં વાત જ નથી. આવી વાત! ભાઈ! હઠ છોડી મધ્યસ્થ થઈને સમજે તો સમજાય એવું છે. આ કાંઈ કલ્પિત વાત નથી. આ તો અનંતા તીર્થંકરોએ દિવ્યધ્વનિમાં પોકારેલી વાત છે. અહા! પણ વીતરાગદેવને સમજવા મહા કઠણ છે!
અરે ભાઈ! આવો મનુષ્યદેહ મળ્યો, વીતરાગની વાણી સાંભળવા મળી ને આ ટાણે જો નિર્ણય નહિ કરે તો કે દિ કરીશ? ભાઈ! આ નિર્ણય કરવામાં સમ્યદર્શન છે. જે કાળે જે થવા યોગ્ય હોય તે થાય અને નિમિત્ત એમાં કાંઈ કરે નહિ એવી સ્વતંત્રતાનો નિર્ણય કરવા જાય ત્યાં ફટ દ્રષ્ટિ પર્યાયથી ને પરથી ખસી એક જ્ઞાયકભાવ ઉપર જાય છે અને તેનું નામ સમ્યગ્દર્શન છે. જેમ, સર્વજ્ઞ ભગવાને જોયું છે તેવું પર્યાયમાં થાય-એવો નિર્ણય કરનારની દ્રષ્ટિ એક જ્ઞાયકભાવ ઉપર જાય છે તેમ ત્રિકાળ ધ્રુવ સર્વજ્ઞસ્વભાવી એક જ્ઞાયકભાવ પ્રભુ આત્માને કારણ બનાવે ત્યારે પર્યાય તેના સ્વકાળે ક્રમબદ્ધ થાય છે એવો નિર્ણય યથાર્થ થાય છે. ભાઈ! આ ‘માસ્ટર કી’ (Master Key) છે, બધે લગાડી દેવી. અહા! આ ત્રણલોકના નાથની રીત છે. અહા! આવો નિર્ણય કર્યા વિના કોઈ વ્રતાદિ પાળે પણ એથી શું વળે!
અહીં કહે છે-‘શંખ... શ્વેતભાવને છોડીને સ્વયમેવ કૃષ્ણભાવે પરિણમે ત્યારે તેનો શ્વેતભાવ સ્વયંકૃત કૃષ્ણભાવ થાય.’ જોયું? ‘સ્વયમેવ’ ને ‘સ્વયંકૃત’ એમ બે શબ્દો છે, સંસ્કૃતમાં પણ બે છે. છે? છે કે નહિ? પહેલાં શબ્દ છે ‘સ્વયમેવ’, એટલે કે પોતાથી જ-એક વાત. અને પછી શબ્દ છે ‘સ્વયંકૃત’, એટલે કે પોતાથી