સમયસાર ગાથા ૨૨૦ થી ૨૨૩ ] [ ૩૯૯
હવે કહે છે-‘વળી જ્યારે તે જ શંખ પરદ્રવ્યને ભોગવતો અથવા નહિ ભોગવતો થકો, શ્વેતભાવને છોડીને સ્વયમેવ કૃષ્ણભાવે પરિણમે ત્યારે તેનો શ્વેતભાવ સ્વયંકૃત કૃષ્ણભાવ થાય (અર્થાત્ પોતાથી જ કરવામાં આવેલા કૃષ્ણભાવરૂપ થાય),...’
જુઓ, શું કહે છે? શંખ કાળી માટી, કીડા આદિનું ભક્ષણ કરે તોપણ તે વડે તે કાળો ન થઈ શકે, પણ પોતે જ્યારે ધોળામાંથી કાળારૂપે પરિણમન કરે છે ત્યારે કાળી માટી, કીડા આદિને ભોગવે કે ન ભોગવે, તે પોતાના કાળે પરિણમી જાય છે. ધોળામાંથી કાળારૂપે પરિણમન જે કાળે થવા યોગ્ય હોય તે કાળે શંખ સ્વયં તે-રૂપે પરિણમી જાય છે અને ત્યારે તેમાં બાહ્ય ચીજ અનુકૂળ નિમિત્ત હોય છે. ત્યાં બીજી ચીજ (નિમિત્ત) શંખનું પરિણમન કરાવી દે છે એમ નથી. શંખ તો પોતે પોતાને કારણે પરિણમે છે ત્યારે બહારની ચીજ નિમિત્તમાત્ર છે. ભાઈ આ તો જીવની ને પરમાણુની-બધાની સ્વતંત્રતાનો (સ્વતંત્ર પરિણમનનો) ઢંઢેરો છે. સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષામાં ‘कालाइलद्धिजुत्ता...’ ઇત્યાદિ ગાથામાં છ યે દ્રવ્યને કાળલબ્ધિ હોય છે એમ સ્વામી કાર્તિકેય કહે છે. પ્રત્યેક દ્રવ્યને સમયસમયની પર્યાયની લબ્ધિ અર્થાત્ પ્રાપ્તિનો કાળ હોય છે, અને તેનાથી તે સમયે સમયે પરિણમે છે. પ્રવચનસાર ગાથા ૧૦૨ માં તેની (પર્યાયની) જન્મક્ષણ હોવાની વાત છે. બન્ને એક જ વાત છે. તેથી, તે પર્યાયનો ઉત્પત્તિનો કાળ છે ત્યારે ઉત્પન્ન થાય છે.
આત્મામાં ઉત્પાદ-વ્યય-ધ્રુવત્વ નામની શક્તિ છે અને તેમાં અકાર્યકારણત્વ શક્તિનું રૂપ છે. તેથી આત્મામાં જે ઉત્પાદ થાય છે તે, તેમાં અકાર્યકારણત્વ શક્તિનું રૂપ હોવાથી, કોઈનું (અન્યનું) કારણ થાય નહિ અને કોઈનું (અન્યનું) કાર્યપણ થાય નહિ. જેમ આત્મામાં એક જ્ઞાનગુણ છે, અને તેમાં અકાર્ય-કારણત્વ શક્તિનું રૂપ છે; તેથી જ્ઞાનનું જે કાળે જે પરિણમન થાય છે તે કોઈનું (અન્યનું) કારણ નથી અને કોઈનું (અન્યનું) કાર્ય પણ નથી. આ પ્રમાણે દ્રવ્યમાં જે પરિણમન થાય છે તે કોઈ અન્યના કારણે નથી અને તે કોઈ અન્યનું કારણ થાય એમ પણ નથી.
જુઓ, અહીં ટીકામાં ‘स्वयमेव’ શબ્દ પડયો છે. પાઠમાં તે નથી. ‘સ્વયમેવ’ એટલે પોતાથી જ. પણ કોઈ ‘સ્વયમેવ’ એટલે પોતાથી જ એમ અર્થ કરવાને બદલે પોતારૂપ-જીવરૂપ, અજીવરૂપ-એમ અર્થ કરે છે. પરંતુ અહીં એમ અર્થ નથી. ‘સ્વયમેવ’ એટલે પોતાથી જ અર્થાત્ પોતાના કારણે જ તે તે પર્યાય-પરિણતિ થાય છે, પણ નિમિત્તને કારણે થાય છે એમ નહિ; તથા પ્રતિબંધક કારણને લઈને તે અટકે છે એમ પણ નહિ, અને પ્રતિબંધક કારણ ટળ્યું માટે તે પર્યાય થાય છે એમ પણ નહિ. અહા! આવી વાત છે! અહીં ‘સ્વયમેવ કૃષ્ણભાવે પરિણમે’-એના ઉપર વજન છે. અરે ભગવાન! આમાં પોતાની (મિથ્યા) દ્રષ્ટિએ શાસ્ત્રના અર્થ કરે તે ન ચાલે. શાસ્ત્ર જે કહેવા માગે છે તે અભિપ્રાયમાં પોતાની દ્રષ્ટિ લઈ જવી જોઈએ.