૪૦૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭ પૂર્વ સુધી ભરતને ભોગ રહ્યો, પણ તેમાં તેને એકપણાની આસક્તિ ક્યાં હતી? ન હતી. તો કહે છે-જ્ઞાનીને એનું બંધન નથી. પરંતુ જ્યારે જે અસ્થિરતાનો રાગ છે. તેનો વિચાર કરીએ તો જ્ઞાનીને કિંચિત્ અલ્પ રાગ છે અને તેનું અલ્પ બંધન પણ છે પણ તેની અહીં (સ્વભાવની દ્રષ્ટિમાં) ગણતરી નથી. અહા! ભરતને તે અલ્પ દોષ હતો પણ જ્યાં અંદરમાં ધ્યાનમાં ઉતરી ગયા ત્યાં અંતઃમુહૂર્તમાં કેવળજ્ઞાન લીધું. અહા! છ લાખ પૂર્વ પર્યંતના ભોગની આસક્તિના દોષને અંતર્મુહૂર્તમાં ફડાક દઈને ટાળી દીધો. દોર હાથમાં હતો ને! શુદ્ધ ચૈતન્યમૂર્તિ ચિદાનંદ ભગવાન આત્માનો દોર હાથમાં હતો તો જે અલ્પ દોષ હતો તેને અંતર્મુહૂર્તમાં ટાળી દઈને કેવળજ્ઞાન લીધું. આ તો જ્ઞાનીને દોષ કેટલો અલ્પ હતો (હોય છે) એ કહેવું છે. અહીં તે અલ્પદોષને કાઢી નાખ્યો છે, ગૌણ કર્યો છે. અહીં તો અજ્ઞાનીને જ બંધ છે એમ સિદ્ધ કરવું છે.
જુઓ, શ્રેણીક રાજાએ સાતમી નરકનું આયુષ્ય બાંધ્યું હતું. પરંતુ અહા! જ્યાં સમ્યગ્દર્શન પામ્યા ત્યાં એકદમ ૩૩ સાગરોપમની જે સ્થિતિ હતી તે ૮૪ હજાર વર્ષની થઈ ગઈ. અહીં તો આ કહેવું છે કે પરને લઈને બંધ નથી પણ પરમાં જે એકપણાની આસક્તિ છે તેનું બંધન છે. જ્ઞાનીને પરમાં આસક્તિ નથી તેથી બંધ નથી. તથા કિંચિત્ બંધ છે તે પણ કેવો ને કેટલો? જુઓને! અંતર્મુહૂર્તમાં ૩૩ સાગરની સ્થિતિ હતી તે ૮૪ હજાર વર્ષની થઈ ગઈ.
ભાઈ! જેની એક ક્ષણ પણ સહી ન જાય એવી પીડા ને એવું વેદન પહેલી નરકે છે. એ વેદનામાં ૮૪ હજાર વર્ષ સુધી શ્રેણીક રાજા રહેશે, પણ તેઓને આત્માના સુખ આગળ તેનું લક્ષ નથી. ભજનમાં આવે છે ને કે-
અહા! નરકના દુઃખ ભોગવે છતાં અંતરમાં તો સુખની ગટાગટી છે, સુખના ઘૂંટડા પીવે છે.
પણ ત્યાં (નરકમાં) સુખના કયાં સંજોગ છે? ભાઈ! અંદરમાં રાગથી ભિન્ન પડીને આત્માનો જેણે અનુભવ કર્યો છે તેને નરકમાં પણ આનંદની ગટાગટી છે અને અહીં (મિથ્યાદ્રષ્ટિ કોઈ) અબજોપતિ હોય તોપણ તેને દુઃખની ગટાગટી છે. અહા! નરકમાં બળતા મડદા જેવાં શરીર હોય છે અને જન્મે ત્યારથી જ સોળ રોગ હોય છે તોપણ અંદર સચ્ચિદાનંદમય પોતાના ભગવાનનું ભાન થયું છે ને! તેથી નરકમાં પણ જ્ઞાનીને સુખ છે. અહા! ભ્રમણા ને અનંતાનુબંધી કષાય ટળ્યાં છે તેટલું ત્યાં જ્ઞાનીને સુખ છે, કારણ કે જીવને કષાયનું જ દુઃખ છે, સંજોગનું નહિ. તેથી અનંતાનુબંધી કષાય ટળ્યો છે તેનું ત્યાં સુખ છે.