સમયસાર ગાથા ૨૨૦ થી ૨૨૩ ] [ ૪૦પ
‘જેમ શંખ કે જે શ્વેત છે તે પરના ભક્ષણથી કાળો થતો નથી પરંતુ જ્યારે પોતે જ કાલિમારૂપે પરિણમે ત્યારે કાળો થાય છે,...’
અહા! અહીં કોઈનો રંગ ધોળો હોય ને તે ગમે તે કાળું ખાય તો તેથી શું તેનો ધોળો રંગ ચાલ્યો જાય છે? ના. અને કોઈ કાળો માણસ હોય-શરીરની ચામડી કાળી હોય તે એકલું માખણ ખાય તો તેથી શું એનો કાળો રંગ ઉતરી જાય છે? ના. અરે ભાઈ! પોતે દિશા પલટીને દશા પલટે નહિ ત્યાં બધાં થોથાં છે. પરની દિશામાં જે દશા છે એ તો મિથ્યાદશા છે, અને તે પોતાની કરેલી છે, કોઈ કર્મને લઈને છે એમ નથી.
અહા! જૈનમાં કર્મનું લાકડું ઘણું છે. કર્મને લઈને આમ (બંધન) થાય એમ અજ્ઞાની માને છે પણ એમ છે નહિ. અરે ભાઈ! દુઃખ પણ તેં તારા કારણે ઊભું કર્યું છે. કષાય અને મિથ્યાત્વની એકતાબુદ્ધિ એ જ મહા દુઃખ છે; દુઃખનો મૂળ સ્રોત જ મિથ્યાત્વ ને કષાય છે. બાકી જેણે આનંદમૂર્તિ પ્રભુ આત્માની દ્રષ્ટિ કરી છે, દિશા ફેરવીને અંતર દશા પ્રગટ કરી છે તે, નિર્ધન હો કે નરકમાં હો, સુખી છે. સાતમે નારકે પણ સમકિતી સુખી છે. જોકે અહીંથી જાય ત્યારે મિથ્યાત્વ લઈને જાય છે અને ત્યાંથી નીકળે ત્યારે મિથ્યાત્વ લઈને નીકળે છે, પણ વચ્ચેના ગાળામાં સમ્યક્ અનુભવ પામે છે તો તે સુખી છે.
અહીં કહે છે-શ્વેત શંખ પરના ભક્ષણથી કાળો થતો નથી, પરંતુ પોતે કાળાપણે પરિણમે છે ત્યારે કાળો થાય છે. જુઓ, કેટલી સ્વતંત્રતા! હવે કહે છે-‘તેવી રીતે જ્ઞાની પરના ઉપભોગથી અજ્ઞાની થતો નથી પરંતુ જ્યારે પોતે જ અજ્ઞાનરૂપે પરિણમે ત્યારે અજ્ઞાની થાય છે અને ત્યારે બંધ કરે છે.’ જ્ઞાનીનો ભોગ નિર્જરાનો હેતુ જે કહ્યો છે તે આ અપેક્ષાએ છે. બાકી ભોગમાં તો રાગ છે અને એ તો દુઃખ છે, પાપ છે. પણ ત્યાં દ્રષ્ટિની પ્રધાનતામાં સ્વભાવની મુખ્યતાનું જોર દેવા, જ્ઞાનીને, દ્રષ્ટિમાં ભગવાન આત્મા અંદર બિરાજે છે તેને, બંધ નથી એમ કહ્યું છે. આવી વાત છે.
હવે આનું કળશરૂપ કાવ્ય કહે છેઃ-
‘ज्ञानिन्’ હે જ્ઞાની! ‘जातु किञ्चित् कर्म कर्तुम् उचितम् न’ તારે કદી કાંઈ પણ કર્મ કરવું યોગ્ય નથી.
શું કહે છે? કે રાગ કરવો એ તારે યોગ્ય નથી. અહાહા...! પરવસ્તુમાં મીઠાશ આવવી એ તને હોય નહિ-એમ કહે છે.