Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2319 of 4199

 

૪૦૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭

તો વ્યવહાર કરવો યોગ્ય નથી એમ ને? અરે ભાઈ! ખરેખર વ્યવહારને જ્ઞાની કરે છે કયાં? જ્ઞાનીને વ્યવહારનું કર્તૃત્વ છે જ નહિ. વ્યવહાર તો એને હોય છે. નિશ્ચયરત્નત્રયની સાથે વ્યવહારરત્નત્રય એને હોય છે. પણ જેટલો વ્યવહાર છે એ તો બંધ છે, બંધનું કારણ છે, માટે જ્ઞાનીને વ્યવહારનો રસ નથી. અહા! જેને અતીન્દ્રિય આનંદના રસનો સ્વાદ આવ્યો તેને રાગના રસમાં કેમ રસ આવે? ન આવે. અહીં તો વિશેષે ભોગની વાત લેવી છે. તેથી કહે છે-હે જ્ઞાની! તારે કદી કાંઈ પણ કર્મ કરવું યોગ્ય નથી અર્થાત્ પરવસ્તુમાં મીઠાશ છે એવા ભોગના ભાવ તને હોય તે યોગ્ય નથી. આમ કહીને એને સ્વચ્છંદીપણું છોડાવ્યું છે. ગમે તેવા ભોગ થાય તોય અમારે શું? જો એમ સ્વચ્છંદે પરિણમે તો કહે છે-ભાઈ! મરી જઈશ; જ્ઞાનીને તો પરદ્રવ્યને ભોગવવામાં રસ હોય નહિ-એમ કહેવું છે.

અહાહા...! આત્મા શુદ્ધ જ્ઞાનાનંદસ્વભાવી વસ્તુ છે. આવા આત્માનો જેને અનુભવ થયો છે, અહાહા... દેહ, મન, વાણીથી ભિન્ન અને દયા, દાન, વ્રત, ભક્તિ આદિ જે પુણ્યભાવ એનાથી જુદો ને હિંસાદિ પાપના ભાવથી જુદો ભગવાન આત્મા અંદર પોતે છે એવો અંતરમાં સ્વરૂપસન્મુખતા વડે જેને અનુભવ થયો છે તે જ્ઞાની છે. આવા જ્ઞાનીને પૂર્વકર્મના ઉદયથી સામગ્રી અનેક પ્રકારે મળે તોય તે સામગ્રીને હું ભોગવું એમ રુચિ હોતી નથી. કિંચિત્ અસ્થિરતાનો ભાવ હોય એ જુદી વાત છે, પણ જ્ઞાનીને ભોગ ભોગવવામાં રુચિ હોતી નથી. અહાહા...! વિષયસુખની તેને ભાવના હોતી નથી.

‘હે જ્ઞાની! તારે કદી કાંઈ પણ કર્મ કરવું યોગ્ય નથી.’ હવે આ તો શબ્દ થયા. એનો અર્થ શું? એમ કે રાગ કરવા જેવો છે એવું તારે હોય નહિ. વિષય-ભોગ કરવા જેવા છે, ઇન્દ્રિયના વિષયોમાં સુખ છે એવી પરમાં સુખબુદ્ધિ તને હોય નહિ. અહાહા...! જેને અંદરમાં આખું આનંદનું નિધાન પ્રભુ આત્મા નજરે પડયો તેને ઇન્દ્રિયના વિષયોમાં સુખ છે એમ કેમ ભાસે? ન જ ભાસે.

અતીન્દ્રિય આનંદની ખાણ-ખજાનો પ્રભુ આત્મા છે. આવા આત્માના આનંદનો જેને સ્વાદ આવ્યો છે તે જ્ઞાની છે. ભારે વ્યાખ્યા ભાઈ! તો કહે છે-હે જ્ઞાની! જો તને આત્માના આનંદનો સ્વાદ છે તો...

પ્રશ્નઃ– આત્માના આનંદનો સ્વાદ એ વળી શું? આ પાંચ-પચાસ કરોડ પૈસા મળે વા રૂપાળી સ્ત્રીનો દેહ હોય તેના ભોગનો સ્વાદ તો આવે છે, પણ આ આત્માનો સ્વાદ કેવો?

સમાધાનઃ– અરે ભાઈ! આ શરીર તો જડ માટી-ધૂળ છે, ને પૈસા પણ જડ, માટી-ધૂળ છે. શું એનો સ્વાદ આત્માને આવે? જડનો સ્વાદ તો કદી આત્માને હોય જ નહિ; પરંતુ એમાં ‘આ ઠીક છે’ એવો જે અજ્ઞાનીને રાગનો રસ ઉત્પન્ન થાય