૪૦૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭
અને આત્માનો સ્વાદ તને આવ્યો છે તો હે જ્ઞાની! પરવસ્તુ, રાગ ને શરીરાદિ સામગ્રી કદી મારી નથી એમ તો તું માને છે અને છતાં વળી તું કહે છે કે હું તેને ભોગવું છું તો એ કયાંથી લાવ્યો? મૂઢ છો કે શું? શુદ્ધ સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન આત્મા જ હું છું અને આ રાગ-પુણ્ય-પાપના પરિણામ, શરીર અને આ બધી કર્મની સામગ્રી પર છે, મારાથી ભિન્ન છે એમ તો તું યથાર્થ માને છે અને વળી તેને હું ભોગવું છું એમ ભોગવવાનો રસ લે છે તો સ્વચ્છંદી છો કે શું? અહા! વિષય ભોગવવામાં જો તને રસ છે તો અમે કહીએ છીએ કે તું દુર્ભુક્ત છો. ખોટી રીતે જ ભોગવનાર છો. ધર્મી નામ ધરાવે અને કર્મના નિમિત્તથી મળેલી સામગ્રીમાં-પરદ્રવ્યમાં ભોગવવાનો રસ પણ ધરાવે તો તું ધર્મી છે જ નહિ.
શું કહે છે? કે તને જો પરને ભોગવવામાં રસ પડતો હોય અને તું તને ધર્મી માનતો હોય તો તું મૂઢ સ્વચ્છંદી છો, ધર્મી છો જ નહિ. કહ્યું ને કે તું ખોટી રીતે જ ભોગવનાર છો અર્થાત્ અજ્ઞાની જ છો. વિશેષ કહે છે કે-
‘हन्त’ ‘જે તારું નથી તેને તું ભોગવે છે એ મહાખેદ છે!’
શું કહે છે? કે શરીર, સ્ત્રી-પુત્ર-પરિવાર, પૈસા, મહેલ-મકાન ઇત્યાદિ પર છે, તારામાં નથી છતાં તેને તું ભોગવે છે એ મહાખેદ છે. આમ કહીને ધર્માત્માને ‘પરને હું ભોગવું-એમ પરમાં કદીય સુખબુદ્ધિ હોતી નથી એમ કહે છે. ધર્મી હોવાની આ અનિવાર્ય શરત છે.
અરેરે! જિંદગી એમ ને એમ ચાલી જાય છે. કેટલાકને તો ૬૦-૭૦ વર્ષ થઈ ગયાં. ભાઈ! જેટલો સમય જાય છે તેટલી મરણની સમીપતા થતી જાય છે કેમકે આયુની મુદત તો નિશ્ચિત જ છે; જે સમયે દેહ છૂટવાનો છે તે તો નિશ્ચિત જ છે. હવે એમાં આ આત્મા શું ને પર શું એનું ભાન ન કર્યું તો બધા ઢોર જેવા જ અવતાર છે પછી ભલે તે કરોડપતિ હો કે અબજોપતિ હો.
અહીં આમાં ન્યાય શું આપ્યો છે? કે પ્રભુ! તું જ્ઞાની છો એમ તને થયું છે અને જ્ઞાનાનંદસ્વભાવી ભગવાન આત્માનું તને ભાન થયું છે તથા પોતાના ચિત્સ્વરૂપ આત્મા સિવાય પરવસ્તુ મારી નથી એવો તને નિર્ણય પણ થયો છે છતાં પણ હું પરવસ્તુને ભોગવું-એમ ભોગવવાનો તને રસ છે તો તું મૂઢ જ છો, દુર્ભુક્ત છો, મિથ્યા ભોક્તા છો અર્થાત્ અજ્ઞાની છો. અહીં ધર્મભાવના (રુચિ) ને પરની ભોક્તાપણાની ભાવના એ બે સાથે હોઈ શકતાં નથી, રહી શકતાં નથી એમ કહે છે.
વળી કહે છે-‘यदि उपभोगतः बन्धः न स्यात्’ જો તું કહે કે-‘પરદ્રવ્યના ભોગથી બંધ થતો નથી એમ સિદ્ધાંતમાં કહ્યું છે માટે ભોગવું છે.’ ‘तत् किं कामचारः अस्ति’ તો શું તને ભોગવવાની ઇચ્છા છે?