૪૧૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭ હું ભોગવું એવો ભાવ હોતો નથી. કાંઈક અસ્થિરતાનો ભાવ હોય છે એ જુદી વાત છે પણ તેને વિષયરસની ભાવના હોતી નથી. જુઓ, શાંતિનાથ, કુંથુનાથ, અરનાથ તીર્થંકર હતા, ચક્રવર્તી હતા ને કામદેવ પણ હતા. ૯૬ હજાર સ્ત્રીઓનો ને અપાર વૈભવનો યોગ હતો પણ તેમાં તેઓને રસ ન હોતો. જ્યારે અજ્ઞાનીને તો અંદર રાગનો રસ પડયો હોય છે. અહીં કહે છે-જો ભોગવવાના રસપણે પરિણમીશ તો અવશ્ય અપરાધ થશે અને અવશ્ય બંધાઈશ. બાપુ! ધર્મ કોઈ અલૌકિક ચીજ છે! એણે અનંતકાળમાં ધર્મ પ્રગટ કર્યો નથી. જો એક ક્ષણમાત્ર પણ અંદર સ્વરૂપને સ્પર્શીને ધર્મ પ્રગટ કરે તો જન્મ-મરણનો નાશ થઈ જાય એવી એ ચીજ છે.
અહાહા...! કહે છે-‘જો અજ્ઞાનરૂપે પરિણમીશ તો તું ચોક્કસ પોતાના અપરાધથી...’ પાછી ભાષા શું છે જોઈ? કે ‘પોતાના અપરાધથી’ બંધને પામીશ. એમ કે ભોગની સામગ્રીથી બંધને પામીશ એમ નહિ, કેમકે સામગ્રી તો પર છે; પણ પોતાના અપરાધથી બંધને પામીશ. એમ કે શુદ્ધ ચૈતન્યરસને ભૂલીને તું વિષયરસમાં-રાગના રસમાં જોડાઈશ તો તે તારો અપરાધ છે અને તે પોતાના અપરાધથી તું બંધને જરૂર પામીશ. અહા! આ તો અધ્યાત્મની વાત! બાપુ! આ તો વીતરાગનાં-કેવળીનાં પેટ છે! અરેરે! આની સમજણ હમણાં નહિ કરે તો કયાં જઈશ પ્રભુ! ભવ સમુદ્રમાં કયાંય ખોવાઈ જઈશ).
‘જ્ઞાનીને કર્મ તો કરવું જ ઉચિત નથી.’ કર્મ શબ્દે ક્રિયા-પુણ્ય ને પાપની ક્રિયા જ્ઞાનીને કરવી ઉચિત નથી. દયા, દાન, વ્રત આદિ પુણ્યની ક્રિયા ને હિંસા, જૂઠ, ચોરી, વિષયવાસના આદિ પાપની ક્રિયા-એમ સર્વ કર્મ જ્ઞાનીએ કરવું ઉચિત નથી. ભોગના રસના પરિણામ કરવા જ્ઞાનીને ઉચિત નથી.
‘જો પરદ્રવ્ય જાણીને પણ તેને ભોગવે તો એ યોગ્ય નથી. પરદ્રવ્યના ભોગવનારને તો જગતમાં ચોર કહેવામાં આવે છે, અન્યાયી કહેવામાં આવે છે.’
શું કહ્યું એ? કે ભગવાન આત્માના આનંદ સિવાય જે પરવસ્તુ-શરીર, મન, વાણી, ધનાદિ સામગ્રી ને પુણ્ય-પાપના ભાવ છે તેને હું ભોગવું છું એમ જો માને છે તો તું ચોર છો, લુંટારું છો. અહા! વાત તો એવી છે બાપા! ભગવાન આત્માને તું લૂંટી નાખે છે પ્રભુ! ભોગના રાગના રસમાં તું તારા નિર્મળ આનંદને ખોઈ બેસે છે. અહા! પરદ્રવ્યમાંથી આનંદ મેળવવા જતાં તું તારા આનંદસ્વરૂપનો જ ઘાત કરે છે. અહા! તું આ પરદ્રવ્ય છે એમ જાણીને તેને ભોગવવાના ભાવ કરે છે તો તું ચોર છો, અન્યાયી છો; પણ ધર્મી તો રહ્યો નહિ, અધર્મી જ ઠર્યો.