Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2329 of 4199

 

૪૧૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭ રાગમાં મીઠાશ આવે છે; તેને રાગમાં રસ છે અને તે કારણે રાગનું ફળ, અત્યારે જેમ સંયોગી ભોગ મળ્‌યો છે તેમ, ભવિષ્યમાં મળશે. પણ જ્ઞાનીને તો કર્મની નિર્જરા થઈ ગઈ છે અને તેથી તેને ભોગ મળશે નહિ.

જુઓ! ‘જ્ઞાનરૂપે વર્તે છે’-એમ કહ્યું છે ને? એટલે શું? કે જ્ઞાનાનંદસ્વભાવી ભગવાન આત્મા છે, તેમાં જ એકત્વ કરીને સમ્યગ્દ્રષ્ટિ વર્તે છે, એમાં જ એકપણું કરીને તે રહે છે. વળી તે રાગ વિના કર્મ કરે છે. એટલે કે તેને જે દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિ જે રાગના વિકલ્પ આવે છે તે વિકલ્પમાં એને રસ નથી, એ વિકલ્પમાં તે એકમેક નથી. અહા! શુદ્ધ ચૈતન્યસ્વરૂપમાં એકપણું પામેલા જ્ઞાનીને રાગની ક્રિયામાં રસ નથી; અને જે રાગ આવે છે તેમાં રસ નથી માટે બંધ નથી. અહીં આ અપેક્ષાએ વાત છે કે-રાગમાં રસ નથી માટે બંધન નથી. બાકી જેટલો રાગ થાય છે તેટલો બંધ થાય છે; પણ એને અહીં ગૌણ કરીને કહે છે કે-રાગમાં-ક્રિયામાં રસ નથી માટે બંધ નથી, પણ નિર્જરા થાય છે. આવો વીતરાગનો મારગ સમજવોય કઠણ છે! વીતરાગનો મારગ બહુ દુર્લભ ભાઈ!

અહા! સર્વજ્ઞ વીતરાગ પરમેશ્વરે જે આ આત્મા જોયો છે તે ચિન્માત્ર અતીન્દ્રિય વીતરાગી આનંદનો કંદ પ્રભુ છે. તેમાં રાગ નથી, પુણ્ય-પાપ નથી. જે રાગ છે, પુણ્ય- પાપના ભાવ છે તે આસ્રવ તત્ત્વ છે, ને ભગવાન આત્મા શુદ્ધ જ્ઞાયક તત્ત્વ છે. તથા આ શરીર, કર્મ આદિ છે તે અજીવ તત્ત્વ છે. આ રીતે એક જ્ઞાયકભાવસ્વરૂપ પ્રભુ આત્મા રાગથી-પુણ્યપાપથી ને શરીરાદિથી ભિન્ન છે. અહાહા...! આવું જેને સ્વરૂપના આશ્રયે ભેદજ્ઞાન પ્રગટ થયું છે તે ધર્માત્મા છે, સમકિતી છે. અહીં કહે છે-જેને સ્વરૂપનો- જ્ઞાનાનંદસ્વભાવનો આશ્રય વર્તે છે તેને રાગમાં રસ નથી. જેમ એક મ્યાનમાં બે તલવાર રહે નહિ તેમ જેને ભગવાન આનંદના નાથનો પ્રેમ છે તેને રાગનો પ્રેમ નથી; અને જેને રાગનો પ્રેમ છે તેને આત્માનો પ્રેમ નથી. લ્યો, આવો મારગ! તેથી કહે છે-જ્ઞાનીને કર્મફળની-ક્રિયાના ફળની ઇચ્છા છે નહિ તેથી તેને બંધન થતું નથી, નિર્જરા જ થાય છે.

[પ્રવચન નં. ૨૯૪ થી ૨૯૭ (ચાલુ) * દિનાંક ૧૬-૧-૭૭ થી ૨૦-૧-૭૭]