સમયસાર ગાથા ૨૨૦ થી ૨૨૩ ] [ ૪૧પ
૧. કર્મનું ઝરવું ૨. અશુદ્ધતાનો નાશ થવો ૩. શુદ્ધતાની ઉત્પત્તિની વૃદ્ધિ થવી. આ ત્રણ પ્રકારે જ્ઞાનીને નિર્જરા છે, કેમકે જ્ઞાનીને કર્મના ફળની ઇચ્છા નથી. અહા! સમકિતીને શુદ્ધ એક આનંદસ્વરૂપની જ રુચિ છે. તેને રાગની ક્રિયા થઈ આવે છે પણ એની એને રુચિ નથી. ‘કામ કરવું પણ અનાસક્તિથી કરવું’ -એમ જે અજ્ઞાની કહે છે એ આ વાત નથી હોં, એ તો પરનાં કામ કરવાનું માને છે, જ્યારે વાસ્તવમાં આત્મા પરનું કાંઈ કરી શકતો જ નથી. આ તો અંતરમાં પુરુષાર્થ ઉગ્ર નથી તો રાગ થઈ આવે છે છતાં જ્ઞાનીને રાગમાં (ક્રિયામાં) રસ નથી એમ વાત છે, અને તેથી ભવિષ્યમાં ક્રિયાનું ફળ મળે એવું છે નહિ. ફળની ઇચ્છા-રહિતપણે થતી ક્રિયાની જ્ઞાનીને નિર્જરા જ થઈ જાય છે-એમ કહે છે.
જ્ઞાનીનો ભોગ નિર્જરાનો હેતુ છે એમ જે કહ્યું છે તેનો અર્થ આ છે. બાકી ભોગ તો રાગ છે. પરંતુ જ્ઞાનીની દ્રષ્ટિનું જોર સ્વભાવ ઉપર છે, રાગ ઉપર તેની દ્રષ્ટિ છે નહિ. જ્ઞાનીનો તો રાગના ત્યાગસ્વભાવરૂપ સ્વભાવ છે. છે ને કળશમાં કે ‘तत्–फल– परित्याग–एक–शीलः’ અર્થાત્ ધર્માત્માને-સમ્યગ્દ્રષ્ટિને રાગનો ત્યાગ છે અને તેથી (તેના) ફળનો પણ ત્યાગ છે; આવો રાગના ત્યાગસ્વભાવરૂપ જ્ઞાનીનો સ્વભાવ છે. તેથી રાગની ક્રિયામાં રસ નહિ હોવાથી જ્ઞાનીને બંધન થતું નથી, ફળ પ્રાપ્ત થતું નથી પણ રાગ આવ્યો છે તે ખરી જાય છે, ઝરી જાય છે. ઝીણી વાત પ્રભુ!
શું કહે છે? કે જ્ઞાની ‘એક શીલઃ’ એક સ્વભાવવાળો છે. વજન અહીં છે કે- ધર્મીને એક જ્ઞાયકસ્વભાવ-જ્ઞાનાનંદસ્વભાવ એક સ્વભાવભાવ છે. અહાહા...! તેની દ્રષ્ટિનો વિષય એક સ્વભાવભાવ છે. અહા! ઝીણી વાત છે પ્રભુ! સમ્યગ્દર્શન અને તેનું ધ્યેય જે એક સ્વભાવભાવ-એક જ્ઞાયકભાવ તેની વાત બહુ ઝીણી છે. પૂર્ણાનંદસ્વરૂપ ભગવાન આત્મા જ સમ્યગ્દ્રષ્ટિનું ધ્યેય છે. તે કારણે તેની દ્રષ્ટિ એક સ્વભાવભાવ પર જ છે. તેથી તેને ક્રિયાનો રાગ આવ્યો છે પણ તેમાં રસ નથી. અહાહા...! એક આનંદસ્વભાવમાં લીન એવા જ્ઞાનીને જે ક્રિયા આવી પડે છે તેમાં રસ નથી અને તેથી તેને બંધન પણ નથી અને ભવિષ્યમાં તેનું ફળ પણ તેને પ્રાપ્ત થતું નથી. આવી ઝીણી વાત છે!
કહે છે-નિમિત્તથી, રાગથી ને એક સમયની પર્યાયથી હઠીને જેણે શુદ્ધ એક જ્ઞાયકભાવરૂપ સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન આત્મામાં દ્રષ્ટિ અને રુચિ લગાવી છે તેને બીજે કયાંય રુચિ રહેતી નથી. તેને ભોગનો વિકલ્પ આવે છે પરંતુ તે વિકલ્પમાં રસ નથી. તેને એ વિકલ્પ ઝેર જેવા ભાસે છે. તેથી તેને બંધન થતું નથી. અજ્ઞાનીને