૪૧૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭ ને આબરૂ મેળવે કે લોકો તને બહુ આવડતવાળો ચતુર કહે પણ આ અવસરમાં આ ન સમજ્યો તો તારા જેવો મૂરખ કોઈ નહિ હોય, કેમકે અહીંથી છૂટીને તું કયાંય સંસારસમુદ્રમાં ખોવાઈ જઈશ.
આ નિર્જરા અધિકાર ચાલે છે. નિર્જરા કોને થાય એની આમાં વ્યાખ્યા છે. કહે છે-‘કર્મ તો કર્તાને જબરદસ્તીથી પોતાના ફળ સાથે જોડતું નથી.’
કર્મ શબ્દે અહીં ક્રિયા અર્થ છે. કર્મના ઉદયથી મળેલી જે સામગ્રી છે તે સામગ્રીમાં જે ક્રિયા થાય છે તે ક્રિયા જબરદસ્તીથી કર્તાને પોતાના ફળ સાથે જોડતી નથી, અર્થાત્ તે ક્રિયામાં પ્રેમ કરવો કે ન કરવો તે કાંઈ ક્રિયા કહેતી નથી. સૂક્ષ્મ વાત છે ભાઈ! કર્મ કહેતાં ક્રિયા જબરદસ્તીથી કર્તાને પોતાના ફળ સાથે જોડતી નથી.
‘પરંતુ જે કર્મને કરતો થકો તેના ફળની ઇચ્છા કરે તે જ તેનું ફળ પામે છે.’ શું કહે છે? કે ક્રિયાને કરતો થકો જે તેના ફળની વાંછા કરે તે જ તેનું ફળ-ભોગ સામગ્રી ને ભોગપરિણામ-પામે છે.
‘માટે જે જ્ઞાનરૂપે વર્તે છે અને રાગ વિના કર્મ કરે છે એવો મુનિ કર્મથી બંધાતો નથી કારણ કે તેને કર્મના ફળની ઇચ્છા નથી.’
અહાહા...! ધર્મી તો, ‘હું જ્ઞાન ને આનંદસ્વરૂપ છું’-એવા સ્વરૂપના અનુભવમાં રહેવાવાળો છે. તેને ક્રિયામાં રસ નથી, પ્રેમ નથી. તેથી તેને ભવિષ્યમાં ફળ મળે તેવા ભાવ નથી.
શું કહે છે? કે ધર્મી સમકિતી જીવ જાણવા-દેખવાવાળો ને આનંદમાં રહેવાવાળો છે. તે પોતાના જ્ઞાનસ્વભાવમાં વર્તે છે પણ રાગની-સામગ્રીની ક્રિયામાં તેનું વર્તવું છે નહિ. તે રાગ વિના કર્મ કરે છે એટલે શું? એટલે કે તેને ક્રિયાકાંડમાં રસ નથી. શરીરની ને રાગની જે ક્રિયા થાય છે તેમાં તેને રસ નથી. માટે રાગ વિના જે ક્રિયા કરે છે એવો મુનિ કર્મથી બંધાતો નથી.
ચિદાનંદઘન પ્રભુ આત્માની જેને દ્રષ્ટિ થઈ છે અને અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવ્યો છે તેને એક આનંદની ભાવના છે. તેને રાગની ક્રિયા થાય છે પણ તેની ભાવના નથી. ‘આ (-રાગ) ઠીક છે’ અને ‘એનું ફળ મળો’-એવી ભાવના જ્ઞાનીને હોતી નથી. ઝીણી વાત છે ભાઈ! જ્ઞાનીને કર્મના ફળની ઇચ્છા નથી. અહા! એને જે ક્રિયા થાય છે તેનું ફળ (સ્વર્ગાદિ) મને હો એવી ઇચ્છા નથી. અહીં તો નિર્જરા બતાવવી છે ને!