સમયસાર ગાથા ૨૨૪ થી ૨૨૭ ] [ ૪૨૧
શું કહે છે? કે જો કોઈ પુરુષ ફળની ઇચ્છાથી-જમીન, પૈસા, ધન-ધાન્ય આદિ મેળવવાની ભાવનાથી-રાજાની સેવા કરે છે તો તે રાજા તેને ફળ કહેતાં ધનાદિ સામગ્રી આપે છે. તેવી રીતે ફળને અર્થે જો કોઈ જીવ કર્મને સેવે છે અર્થાત્ ક્રિયા કરે છે તો તે ક્રિયા તેને ફળ આપે છે. શું કહ્યું? કે કોઈ પુરુષ મને આવા ભોગો પ્રાપ્ત હો એવી વાંછા જો ક્રિયા કરે છે તો તેને તે ક્રિયાના ફળમાં બંધ થઈને ભોગો -સંયોગો પ્રાપ્ત થાય છે.
હવે કહે છે-‘વળી જેમ તે જ પુરુષ ફળ અર્થે રાજાને નથી સેવતો તો તે રાજા તેને ફળ નથી આપતો, તેમ સમ્યગ્દ્રષ્ટિ ફળ અર્થે કર્મને નથી સેવતો તો (અર્થાત્ તેથી) તે કર્મ તેને ફળ નથી આપતું-એમ તાત્પર્ય છે.’
શું કહે છે? કે જેમ તે જ પુરુષ ફળ અર્થે રાજાને નથી સેવતો તો તે રાજા તેને ફળ નથી આપતો. આ દ્રષ્ટાંત થયું. તેવી રીતે સમ્યગ્દ્રષ્ટિ કે જેની દ્રષ્ટિ સ્વસન્મુખ થયેલી છે ને જે શુદ્ધ આનંદરસનો રસિયો છે તે ફળ અર્થે કર્મને સેવતો નથી અર્થાત્ ક્રિયા કરતો નથી તો તે ક્રિયા તેને ફળ આપતી નથી. ઝીણી વાત ભાઈ! જ્ઞાનીને જે ક્રિયા હોય છે તે ફળની વાંછારહિતપણે હોય છે અને તેથી તે ક્રિયા ભવિષ્યમાં ભોગમાં એકપણાના રંજિત પરિણામ થાય તેવું ફળ દેતી નથી. અહાહા...! ક્રિયામાં રાગનો રંગ ચઢી જાય એવું જ્ઞાનીને હોતું નથી. જેને આત્માના આનંદનો રંગ (અમલ) ચઢયો છે તેને વર્તમાન ક્રિયામાં રાગનો રંગ નથી; અને તો તેના ફળમાં તેને રંજિત પરિણામ થતા નથી. રાગનો રસ નથી હોતો ને? રાગમાં એકત્વ નથી તેથી જ્ઞાનીને રાગનું ફળ જે બંધ તે થતો નથી.
સમ્યગ્દ્રષ્ટિ ફળને માટે કર્મની સેવા નથી કરતો. રાગની ક્રિયા વડે મને કોઈ સાનુકૂળ ભોગાદિ ફળ મળે અને તે હું ભોગવું એવા રંજિત પરિણામની જ્ઞાનીને ઇચ્છા હોતી નથી. અહા! ‘ભરતજી ઘરમેં વૈરાગી’-એમ આવે છે ને? ૯૬ હજાર સ્ત્રીઓ, ૯૬ કરોડ પાયદળ અને ૯૬ કરોડ ગામ હોવા છતાં એ સર્વ પરચીજમાં એમને રસ નથી; પોતાનો રસ તો શુદ્ધ ચૈતન્યસત્તામાં જ છે. ‘ઘરમાં વૈરાગી’ લ્યો, ગજબ વાત છે ને! ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ છે. સત્ નામ શાશ્વત, ચિદ્+આનંદ નામ જ્ઞાન ને આનંદનો ખજાનો પ્રભુ આત્મા છે. આવા ભગવાન આત્માનો જેને રસ આવ્યો છે તેને ચક્રવર્તીપદ કે ઇન્દ્રપદમાં રસ આવતો નથી. આવો મારગ છે!
‘અહીં એક આશય તો આ પ્રમાણે છેઃ- અજ્ઞાની વિષયસુખ અર્થે અર્થાત્ રંજિત પરિણામ અર્થે ઉદયાગત કર્મને સેવે છે તેથી તે કર્મ તેને (વર્તમાનમાં) રંજિત પરિણામ આપે છે.’