જ્ઞાયક છે; આ અનુભૂતિને શુદ્ધનય કહ્યો છે. ગાથા ૬ માં એમ કહ્યું કે-જ્ઞાયકભાવ છે તે શુભાશુભભાવના સ્વભાવરૂપે થતો નથી. શુભાશુભભાવ અચેતન છે, અને જ્ઞાયક છે તે ચેતન-જ્ઞાનરસરૂપ છે, તે કદીય અચેતનરૂપ થતો નથી તેથી તે પ્રમત્ત પણ નથી અને અપ્રમત્ત પણ નથી. પ્રમત્ત-અપ્રમત્ત જે સંયોગજનિત પર્યાયો છે તેથી જ્ઞાયક ભિન્ન છે. પહેલા ગુણસ્થાનથી છઠ્ઠા ગુણસ્થાન સુધી પ્રમત્ત અને સાતમાથી ચૌદમા ગુણસ્થાન સુધી અપ્રમત્ત ગુણસ્થાનો છે. બન્નેમાંથી કોઈ જ્ઞાયકમાં નથી. આ દ્રવ્યદ્રષ્ટિનો વિષય છે. પણ અહીં તો જે જ્ઞાનની પર્યાયમાં આત્માની-જ્ઞાયકની અનુભૂતિ થઈ કે આત્મા આવો અબદ્ધસ્પૃષ્ટ છે તેને શુદ્ધનય કહ્યો છે. આ અનુભૂતિ આત્મા જ છે. રાગાદિ તે આત્મા નથી. વળી ગાથા ૬ માં આવે છે કે-તે જ (જ્ઞાયક) અન્યદ્રવ્યોના ભાવોથી ભિન્નપણે ઉપાસવામાં આવતો ‘શુદ્ધ’ કહેવાય છે. એટલે પરદ્રવ્યોનું લક્ષછોડી એક નિજ જ્ઞાયકનું લક્ષ કરતાં જે શુદ્ધતા પ્રગટ થાય તે શુદ્ધતામાં આ ‘શુદ્ધ’ છે એવું ભાન થાય છે. એવું ભાન થયા વિના, જાણ્યા વિના ‘શુદ્ધ’ છે એમ કેવી રીતે કહેવાય? ત્રિકાળી શુદ્ધ છે એને જાણ્યા વિના ત્રિકાળી શુદ્ધ કયાંથી આવ્યો? આ ત્રિકાળી શુદ્ધને જાણનારી જે પર્યાય (જ્ઞાનની) તેને શુદ્ધનય કહે છે. આસ્રવ અધિકારમાં આવે છે કે શુદ્ધનયની પૂર્ણતા કેવળજ્ઞાન થતાં થાય છે. એટલે કે પૂર્ણ કેવળજ્ઞાન જ્યારે પ્રગટ થાય ત્યારે શુદ્ધનયનો આશ્રય કરવાનો રહેતો નથી તે અપેક્ષાએ શુદ્ધનયની પૂર્ણતા થઈ ગઈ એમ કહેવામાં આવ્યું છે. ત્યારે અહીં તો જ્ઞાયકને વિષય કરનારી પર્યાયને અનુભૂતિ અથવા શુદ્ધનય કહે છે અને તે આત્માના જ પરિણામ છે તેથી અનુભૂતિ આત્મા જ છે એમ કહ્યું છે. એક બાજુ કહે કે અનુભૂતિના પરિણામ આત્માથી ભિન્ન નથી અને વળી બીજે ઠેકાણે એમ કહે કે કેવળજ્ઞાનની પર્યાય પણ આત્માથી ભિન્ન છે, બહિઃતત્ત્વ છે. અંતઃતત્ત્વ એક આત્મા જ્ઞાયક છે. અપેક્ષા શું છે તે બરાબર જાણવું જોઈએ. કેવળજ્ઞાનને બહિઃતત્ત્વ કહ્યું ત્યાં તો કેવળજ્ઞાન પર્યાય છે અને તેના આશ્રયે ધર્મ થતો નથી-પર્યાયમાંથી નવી પર્યાય ન આવે પણ એક જ્ઞાયકભાવના આશ્રયે જ ધર્મ પ્રગટ થાય છે એ વાત બતાવી છે. અહાહા...! શુદ્ધનયનો વિષય તો દ્રવ્ય એકલું જ છે. પણ દ્રવ્યનું લક્ષ કરવાથી પરિણતિ શુદ્ધ પ્રગટ થઈ જાય છે ત્યારે પ્રમાણજ્ઞાન થઈ જાય છે. ત્યાં કોઈ પ્રશ્ન કરે કે નિશ્ચયનય તો એકલા ત્રિકાળીને જાણે છે અને પ્રમાણ તો ત્રિકાળી અને પર્યાય બન્નેને એક કાળમાં જાણે છે તો શુદ્ધ કોણ? (પૂજ્ય કોણ?) નિશ્ચયનય કે પ્રમાણ? ઉત્તરઃ