અને અન્યના સંયોગ રહિત એટલે કર્મ અને કર્મના નિમિત્તે જે વિકાર, દુઃખ થાય છે એનાથી રહિત એમ પાંચ ભાવોથી રહિત દેખે છે. પાંચ ભાવોથી રહિત એમ કહ્યું ને? એનો અર્થ જ એમ થયો કે એવા પાંચ ભાવો છે. પણ એનાથી રહિત જે આત્માને દેખે છે એને હે શિષ્ય! તું શુદ્ધનય જાણ. કુંદકુંદાચાર્ય શિષ્યને આદેશ કરી કહે છે કે આ અબદ્ધસ્પૃષ્ટ આદિ જે પાંચ ભાવો સહિત જે એકરૂપ શુદ્ધવસ્તુ તે શુદ્ધના અનુભવને તું શુદ્ધનય જાણ. આ પાંચ ભાવો સમજાવવામાં ક્રમ પડે છે, અનુભવમાં ક્રમ નથી. વસ્તુનું સ્વરૂપ અર્થાત્ જિનશાસનનો આત્મા આવો કહેવામાં આવે છે. * ગાથા–૧૪ ટીકા ઉપરનું પ્રવચન *
નિશ્ચયથી આ જ્ઞાયકભાવસ્વરૂપ આત્મા અબદ્ધસ્પૃષ્ટ છે. અબદ્ધ કહેતાં રાગ અને કર્મના બંધથી રહિત છે. તથા અસ્પૃષ્ટ કહેતાં જે વિસ્રસા પરમાણુઓ (કર્મ બંધાવાને યોગ્ય પરમાણુઓ જે એક-ક્ષેત્રાવગાહી છે) તેના સ્પર્શથી રહિત છે. વળી તે અનન્ય છે. અનેરી અનેરી જે નર-નારકાદિ પર્યાયો તેથી રહિત છે. વળી તે નિયત છે. જ્ઞાન અને બીજા અનંત ગુણોની પર્યાયોમાં હીનાધિકપણું થાય છે એ અનિયત છે. એનાથી રહિત ભગવાન આત્મા નિયત છે. જ્ઞાન, દર્શન, આનંદ આદિ ગુણોના જે વિશેષો-ભેદો એ દ્રવ્ય સામાન્યમાં નથી તેથી અવિશેષ છે. તથા કર્મના નિમિત્તથી જે વિકારી શુભાશુભભાવો પર્યાયમાં ઉત્પન્ન થાય છે એનાથી ભગવાન આત્મા અસંયુક્ત છે, સંબંધ રહિત છે.
આવા અબદ્ધસ્પૃષ્ટ, અનન્ય, નિયત, અવિશેષ અને અસંયુક્ત આત્માની જે અનુભૂતિ તે શુદ્ધનય છે. જોયું? આત્માની અનુભૂતિ તે શુદ્ધનય છે. સામાન્ય, એક ધ્રુવ ચૈતન્યસ્વરૂપને અનુસરીને શાંતિ અને આનંદનો જે અનુભવ થયો એ શુદ્ધનય છે. એક ત્રિકાળીનું લક્ષ કરતાં પર્યાયમાં જે દ્રવ્ય ત્રિકાળી જણાયું તે શુદ્ધનય છે. અને એ અનુભૂતિ આત્મા જ છે. આત્માનું પરિણામ હોવાથી અનુભૂતિ એ આત્મા જ છે. આત્માના આનંદનું વેદન આવ્યું એ આત્મા જ છે. શુદ્ધનય કહો, આત્માનુભૂતિ કહો કે આત્મા કહો એ બધું એક જ છે, જુદાં નથી. અભેદથી અનુભૂતિ અને અનુભૂતિનો વિષય આત્મા એક કહ્યાં છે. આ રીતે આત્મા એક જ પ્રકાશમાન છે, રાગાદિ અનાત્મા પ્રકાશમાન થતા નથી.
એક બાજુ ગાથા ૩૮ માં એમ કહ્યું કે ખરેખર તો પર્યાય વિનાનો જે ત્રિકાળી એક જ્ઞાયકભાવ તેને આત્મા કહીએ. આત્મા એક ત્રિકાળી જ્ઞાયકભાવ છે એમ અનેક સ્થળે આવે છે. પણ એની અનુભૂતિ જ્ઞાનમાં થઈ ત્યારે ખ્યાલમાં આવ્યું કે આત્મા ત્રિકાળી