૪૩૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭
શું કહે છે? ભગવાન આત્મા સદા જ્ઞાતા-દ્રષ્ટાસ્વભાવી એક અતીન્દ્રિય આનંદનો કંદ પ્રભુ છે. અહાહા...! એકલા જ્ઞાનનું-આનંદનું-સુખનું-અમૃતનું દળ પ્રભુ આત્મા છે. આવા અતીન્દ્રિય આનંદના-સુખના દળનું જેને આસ્વાદન-વેદન થયું છે તેને કદાચિત્ કોઈ રાગ આવી જાય છે તોપણ તે જ્ઞાનથી ચલાયમાન થતો નથી. એટલે શું? કે તે જ્ઞાનની એકાગ્રતા છોડીને રાગમાં એકાગ્ર થતો નથી, રાગમાં એકત્વ કરતો નથી. આવો વીતરાગનો મારગ! શું? કે જ્ઞાની જ્ઞાનમય પરિણમનને છોડીને રાગમય થઈ જતો નથી. હવે કહે છે-
‘માટે જ્ઞાનથી અચલાયમાન તે જ્ઞાની કર્મ કરે છે કે નથી કરતો તે કોણ જાણે? જ્ઞાનીની વાત જ્ઞાની જ જાણે. જ્ઞાનીના પરિણામ જાણવાનું સામર્થ્ય અજ્ઞાનીનું નથી.’
જ્ઞાનીને રાગ તો થાય છે, પણ સ્વરૂપમાં જેની દ્રષ્ટિ એકાગ્ર છે તે રાગ કરે છે કે નથી કરતો એની તને (-અજ્ઞાનીને) શી ખબર પડે? જ્ઞાનીની વાત જ્ઞાની જ જાણે. જ્ઞાની જ્ઞાતા જ છે એમ જ્ઞાની યથાર્થ જાણે છે, અજ્ઞાનીને એની ખબર પડતી નથી. જ્ઞાનીના પરિણામ જાણવાનું સામર્થ્ય અજ્ઞાનીનું નથી. જ્ઞાનીને રાગ થઈ આવ્યો છે પણ તેમાં એના પરિણામ લૂખા છે, જ્ઞાની તો જ્ઞાતા-દ્રષ્ટાપણે વર્તે છે એવું યથાર્થ જાણવાનું અજ્ઞાનીનું સામર્થ્ય નથી. કેમ? કેમકે અજ્ઞાનીને રાગમાં ને ભોગમાં મીઠાશ છે. અજ્ઞાની જીવ ભોગની સામગ્રીને બહારથી ભોગવતો ન દેખાય છતાં અંદર રાગની મીઠાશમાં-રુચિમાં પડયો છે. બહારથી તે ભોગવતો નથી છતાં ભોક્તા છે; પહેલાં (ગાથા ૧૯૭ માં) આવી ગયું ને કે અસેવક છતાં સેવક છે. હવે એને જ્ઞાનીના પરિણામની શી ખબર પડે? જ્ઞાનીના પરિણામને સમજવાનું એનું સામર્થ્ય જ નથી.
પ્રશ્નઃ– કયા ગુણસ્થાનથી રાગ નથી? ઉત્તરઃ– ચોથાથી રાગની એકતા નથી તો રાગ નથી. એ તો નીચે ભાવાર્થમાં છે કે ચોથે ગુણસ્થાનથી માંડીને બધાય જ્ઞાની છે. બાપુ! સમ્યગ્દર્શન એટલે? અહાહા...! એનો સ્પર્શ થતાં જીવની રાગમાં ને ભોગમાં રુચિ ઉડી જાય છે, સુખબુદ્ધિ ઉડી જાય છે. એ તો જામનગરવાળાનો દાખલો નહોતો આપ્યો? (જુઓ કલશ ૧પ૧નો ભાવાર્થ). તેમ જ્ઞાનીને આત્માના આનંદના સ્વાદ આગળ રાગનો-ભોગનો સ્વાદ ઝેર જેવો ભાસે છે. જે કિંચિત્ અસ્થિરતાનો રાગ છે તેનો સ્વાદ તેને ઝેર જેવો લાગે છે. એને નિર્જરા થાય છે એમ અહીં કહે છે. અજ્ઞાની તો ઉપવાસ કરીને બેસી જાય ને માને કે તપશ્ચર્યા થઈ ગઈ ને નિર્જરા થઈ ગઈ, પણ બાપુ! તું બીજા પંથે છે ભગવાન! રાગની ક્રિયાથી કાંઈ નિર્જરા ન થાય ભાઈ! (એનાથી તો બંધ જ થાય).
કહે છે-‘અવિરત સમ્યગ્દ્રષ્ટિથી માંડીને ઉપરના બધાય જ્ઞાની જ સમજવા.