સમયસાર ગાથા ૨૨૪ થી ૨૨૭ ] [ ૪૨૯ છે તેની હદ શી? અંદર ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ સ્વપરપ્રકાશક સામર્થ્યસહિત અપરિમિત સ્વભાવવાળી વસ્તુ છે. અહાહા...! પોતાના સ્વભાવનું સામર્થ્ય જ એવું છે કે તે સ્વ-પરને સંપૂર્ણ જાણે. વળી તે પર છે માટે પરને જાણે એમેય નહિ, પોતાના સામર્થ્યથી જ તે સર્વને જાણે છે.
પ્રશ્નઃ– પરમ જ્ઞાનમાં સ્થિત છે એવા ધર્મીને રાગ તો છે? દેખાય તો છે કે તે રાગ કરે છે?
સમાધાનઃ– ભાઈ! તે કરે છે કે નથી કરતો અર્થાત્ તે જાણનાર જ છે તેની તને (-અજ્ઞાનીને) શી ખબર પડે? જ્ઞાનીને ક્રિયા છે છતાં તે એનો કર્તા નથી-એમ અમે જાણીએ છીએ, કેમકે આત્મા બધું જાણે છે. શું ન જાણે ભગવાન?
પ્રશ્નઃ– શ્રીમદ્ રાજચંદ્રે કહ્યું છે કે-‘મારે એક ભવે મોક્ષ જવું છે,’ તો આવું પંચમ આરાના ગૃહસ્થાશ્રમી શું જાણી શકે?
સમાધાનઃ– ન જાણી શકે એ પ્રશ્ન જ નથી. અહીં તો ભગવાન આત્મા બધું જાણે એમ વાત છે. મતિજ્ઞાન વડે ઉપયોગ લાગુ પડી ગયો તો એટલું બધું જાણે કે કેવળજ્ઞાન કયારે થશે એ પણ જાણી લે છે. માટે શ્રીમદે કહ્યું છે તે બરાબર છે. આવી વાત છે; લ્યો, ડંકા ઘડિયાળમાં પડે છે. (એમ કે ઘડિયાળ પણ વાતની સાક્ષી પૂરે છે).
‘જ્ઞાનીને પરવશે કર્મ આવી પડે છે તોપણ જ્ઞાની જ્ઞાનથી ચલાયમાન થતો નથી.’ અહાહા...! શુદ્ધ જ્ઞાન ને આનંદસ્વરૂપ પ્રભુ આત્માનું જેને અંતરમુખાકાર અનુભવન અને વેદન થયું છે તે જ્ઞાની છે. અહીં કહે છે-આવા જ્ઞાનીને પરવશે અર્થાત્ પુરુષાર્થની કમજોરીના કારણે કર્મ આવી પડે છે. શું કહ્યું? જ્ઞાનીને કર્મની ઇચ્છા નથી, રુચિ નથી. તથાપિ નબળાઈને કારણે તેને કર્મ કહેતાં રાગની ક્રિયા થઈ આવે છે; દયા, દાન, વ્રત આદિ રાગની ક્રિયા થઈ જાય છે. અહાહા...! તોપણ જ્ઞાની જ્ઞાનથી ચલાયમાન થતો નથી; પોતાના શુદ્ધ જ્ઞાનાનંદસ્વરૂપથી તે ભ્રષ્ટ થતો નથી. બહુ ઝીણી વાત ભગવાન!
આ નિર્જરા અધિકાર છે ને? તો કહે છે-‘આ જ્ઞાન ને આનંદસ્વરૂપ આત્મા તે હું’-એમ જેને અંતરમાં દ્રઢ શ્રદ્ધાન થયું તેને કોઈ રાગાદિની ક્રિયા થઈ જાય તો પણ તે પોતાના સ્વરૂપથી ચલાયમાન થતો નથી. એટલે શું? કે તે પોતાના જ્ઞાનના અનુભવથી ચ્યુત થઈને રાગમાં એકરૂપ થતો નથી, રાગથી એકતા પામતો નથી. જ્ઞાનથી એકતા થઈ છે તે હવે રાગથી એકતા કરતો નથી. એને નિર્જરા થાય છે; જે રાગ આવે તે નિર્જરી જાય છે. સમજાણું કાંઈ...?