સમયસાર ગાથા ૨૨૪ થી ૨૨૭ ] [ ૪૩૭ તેટલું દુઃખ છે, તોપણ અંતરમાં જે આત્માનું ભાન છે અને અનંતાનુબંધીનો અભાવ છે તેટલું આનંદનું વેદન તેને છે. અહા! આવું અટપટું ‘બાહિર નારકી દુઃખ ભોગૈ અંતર સુખરસ ગટાગટી.’ સમજાણું કાંઈ...?
સમ્યગ્દ્રષ્ટિ શુભાશુભકર્મના ઉદયથી ભિન્ન પડી ગયો છે; તે હવે ઉદયને અડે કેમ? તે ઉદય સાથે એકમેક થતો જ નથી; એ તો નિરંતર જ્ઞાનરૂપે જ પરિણમે છે. શુભના ઉદયને કારણે ચાહે તો ચક્રવર્તીની સંપદા મળી જાય તોપણ તેમાં તે ભરમાતો નથી, લલચાતો નથી, હરખાતો નથી અને અશુભ ઉદયને કારણે નરકના જેવા પીડાકારી સંયોગના ગંજ હોય તોપણ તેમાં તે ખેદ પામતો નથી. આખું જગત જ્યાં ચલિત થઈ જાય એવા સંજોગમાં પણ સમકિતી જ્ઞાનરૂપે જ પરિણમે છે, જ્ઞાનભાવમાં અચલિતપણે સ્થિર રહે છે. અહો! સમ્યગ્દર્શનનો આવો કોઈ અચિંત્ય અલૌકિક મહિમા છે! બાપુ! સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવું એ વસ્તુ છે. બાકી (વ્રત, તપ, આદિ) તો કાંઈ નથી.
હવે કહે છે-‘તેને એમ શંકા નથી થતી કે આ વજ્રપાતથી મારો નાશ થઈ જશે; પર્યાયનો વિનાશ થાય તો ઠીક જ છે કારણ કે તેનો તો વિનાશિક સ્વભાવ જ છે.’
અહાહા...! વસ્તુ આત્મા અનાદિ અનંત અકૃત્રિમ ત્રિકાળી ધ્રુવ તત્ત્વ છે. તેનો વળી નાશ કેવો? અને તેનો નાશ કોણ કરે? કોઈ પણ સંજોગમાં હું નાશ પામું નહિ એમ સમકિતી નિઃશંક છે. તથા આ પર્યાય છે, દેહાદિ સંયોગ છે એ તો સ્વભાવથી જ નાશવંત છે અને તેનો નાશ થાય તો તેથી મને શું? હું ત્રિકાળ શુદ્ધ અવિનાશી જ્ઞાયકતત્ત્વ છું. લ્યો, એકકોર જડ શરીર વિનાશિક ને એકકોર જ્ઞાનશરીર પોતે ત્રિકાળ અવિનાશી-એમ સમકિતી નિઃશંક છે. આવી વાત છે.