Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 236 of 4199

 

ભાગ-૧ ] ૨૨૯

આત્મા જ છે. ભાઈ! આ તો જિનેન્દ્રનો માર્ગ એટલે આત્માનો માર્ગ. આત્મા જિનસ્વરૂપ જ છે. કહ્યું છે ને કે- ‘જિન સોહી હૈ આત્મા,

અન્ય સોહી હૈ કર્મ;
એ હી વચન સે સમજ લે, જિનપ્રવચનકા મર્મ.’

શિષ્યે એટલું તો લક્ષમાં લીધું કે અબદ્ધ-સ્પૃષ્ટ એવા ભૂતાર્થને આત્મા કહે છે. તથા એવા આત્માની અનુભૂતિને ધર્મ કહે છે. હવે શિષ્ય પૂછે કે એવા આત્માની અનુભૂતિ કેમ થાય? એવો આત્મા તો અમારા દેખવામાં આવતો નથી તો અનુભવ કેમ થાય? અમારી નજરમાં તો બદ્ધસ્પૃષ્ટત્વાદિ ભાવો આવે છે તો એનો અનુભવ કેમ થાય? એનું સમાધાનઃ– શિષ્યના પ્રશ્નને સમજીને ગુરુ સમાધાન કરે છે કે બદ્ધસ્પૃષ્ટત્વાદિ ભાવો અભૂતાર્થ હોવાથી અનુભૂતિ થઈ શકે છે. બદ્ધસ્પૃષ્ટત્વાદિ ભાવો ત્રિકાળ રહેવાવાળી ચીજ નથી, બદલી જાય છે, તેથી અભૂતાર્થ છે. એ કારણે એનાથી ભિન્ન અનુભૂતિ થઈ શકે છે. કર્મનો સંબંધ અને રાગાદિનો સંબંધ જે છે એ કાયમ રહેવાવાળી ચીજ નથી, અભૂતાર્થ છે. માટે ભૂતાર્થનો આશ્રય કરવાથી અભૂતાર્થનો નાશ થઈ જાય છે. પ્રશ્નઃ– જે છે એને અભૂતાર્થ-અસત્યાર્થ કેમ કહ્યા? વર્તમાન પર્યાય તરીકે સત્ય છે, પણ ત્રિકાળ ધ્રુવમાં એ નથી. તથા બદલી જાય છે તેથી કાયમ રહેવાવાળા નથી માટે ગૌણ કરીને વ્યવહાર કહીને અસત્યાર્થ કહ્યા છે. ભૂતાર્થ ત્રિકાળી ચીજ ભગવાન આત્માનો આશ્રય કરતાં એ અભૂતાર્થ છે એટલે એનો નાશ થઈ જાય છે. વ્યવહારે વ્યવહાર છે, પરંતુ ભૂતાર્થનું લક્ષ થતાં એ છૂટી જાય છે એ અપેક્ષાથી અભૂતાર્થ કહેવામાં આવે છે. બદ્ધસ્પૃષ્ટત્વાદિ ભાવો અભૂતાર્થ હોવાથી અનુભૂતિ થઈ શકે છે એ વાતને હવે દ્રષ્ટાંતથી પ્રગટ કરે છેઃ- જેવી રીતે કમલિનીનું પત્ર જળમાં ડૂબેલું હોય તેનો જળથી સ્પર્શાવારૂપ અવસ્થાથી અનુભવ કરતાં જળથી સ્પર્શાવાપણું ભૂતાર્થ છે-સત્યાર્થ છે. અવસ્થાદ્રષ્ટિથી જોઈએ તો પાણીમાં ડૂબેલું કમલિનીનું પત્ર પાણી સાથે વ્યવહારથી સંબંધમાં છે એ સત્ય છે. પાણીના સંબંધમાં કમલિનીનું પત્ર છે જ નહીં એમ નથી. જળમાં ડૂબેલું છે એવી અવસ્થાથી જોતાં જળ અને કમલિની-પત્રનો સંબંધ ભૂતાર્થ છે, તોપણ જળથી જરાય નહિ સ્પર્શાવાયોગ્ય એવા કમલિની-પત્રના સ્વભાવની સમીપ જઈને અનુભવ કરતાં જળથી સ્પર્શાવાપણું અભૂતાર્થ છે-અસત્યાર્થ છે. કમલિનીના પત્રની રૂંવાટી જ એવી સુંવાળી હોય છે કે પાણી તેને અડતું-સ્પર્શતું જ નથી. કમલિની-પત્રના સ્વભાવની