સમીપ જઈને એટલે કે એના સ્વભાવનું લક્ષ કરીને જોવામાં આવે તો જળથી સ્પર્શાવાપણું જૂઠું છે. કમલિનીપત્રને જળ સાથે બિલકુલ સ્પર્શ નથી. પાણીમાં ડૂબેલું ભલે હોય, છતાં તે કાળે પણ સ્વભાવથી જ કમલિનીપત્ર પાણીને સ્પર્શતું નથી. તેથી જળના સંબંધનું લક્ષ છોડી કમલિનીપત્રના સ્વભાવનું લક્ષ કરવામાં આવે તો તેનું જળથી સ્પર્શાવાપણું અભૂતાર્થ છે, જૂઠું છે.
આવો વીતરાગનો માર્ગ છે. દર્શનશુદ્ધિ વિના ગમે તેટલાં વ્રત, તપ, નિયમ પાળે, નગ્નદશા ધારણ કરે તોપણ આત્માના ધર્મનો કિંચિત્ લાભ થાય નહીં. સૌ પ્રથમ દર્શન-શુદ્ધિ પ્રગટ કરવી એ મુખ્ય છે. એ દર્શનશુદ્ધિ કેમ થાય એ કમલિનીના દ્રષ્ટાંતથી સમજાવે છે. અવસ્થાદ્રષ્ટિથી જુઓ તો કમલિની-પત્ર જળમાં ડૂબેલું છે જળને સ્પર્શ્યું છે. જળમાં ડૂબેલું છે તે કાળે પણ સ્વભાવને જોતાં એટલું (એટલો સંબંધ) પણ નથી. આ દ્રષ્ટાંત થયું.
હવે સિદ્ધાંતઃ-એવી રીતે અનાદિ કાળથી બંધાયેલા આત્માનો, પુદ્ગલકર્મથી બંધાવા-સ્પર્શાવારૂપ અવસ્થાથી અનુભવ કરતાં બદ્ધ-સ્પૃષ્ટપણું ભૂતાર્થ છે, સત્યાર્થ છે. નિમિત્ત-નૈમિત્તિક સંબંધરૂપ અવસ્થાથી જ્ઞાન કરવામાં આવે તો બદ્ધસ્પૃષ્ટપણું સત્ય છે, પર્યાયથી નથી એમ નહીં. આત્માની વર્તમાન પર્યાયમાં રાગનો અને કર્મનો સંબંધ વ્યવહારથી છે. ભગવાન આત્માને અનાદિ કર્મરૂપ અવસ્થાથી જુઓ તો ભિન્ન-ભિન્ન અવસ્થાઓ એમાં છે. તોપણ પુદ્ગલથી જરાય નહિ સ્પર્શાવાયોગ્ય એવા આત્મસ્વભાવની સમીપ જઈને અનુભવ કરતાં બદ્ધ-સ્પૃષ્ટપણું અભૂતાર્થ છે-અસત્યાર્થ છે. દ્રવ્ય-સ્વભાવની દ્રષ્ટિથી જોઈએ તો આત્મા પુદ્ગલથી કિંચિત્માત્ર સ્પર્શાયેલો નથી. અવસ્થાદ્રષ્ટિ છોડીને આત્માના એક ત્રિકાળી સ્વભાવનું લક્ષ કરતાં, પર્યાયની રુચિમાં સ્વભાવથી દૂર હતો તે સ્વભાવની સમીપ થયો. એ સ્વભાવની સમીપ થઈને અનુભવ કરતાં બદ્ધ-સ્પૃષ્ટપણું જૂઠું છે. આમાં ધર્મ શું આવ્યો? તો અવસ્થાદ્રષ્ટિ છોડીને ત્રિકાળી સ્વભાવની દ્રષ્ટિ કરી તેમાં એકાગ્ર થતાં ભૂતાર્થનો અનુભવ થાય છે અને તે સમ્યગ્દર્શન છે, ધર્મ છે.
આ ધર્મ છે, ભાઈ! બાકી દયા પાળો, વ્રત કરો, ઉપવાસ કરો ઇત્યાદિ ધૂળેય નથી. એ તો બધો રાગ છે.
પ્રશ્નઃ – ક્રિયાકાંડથી જ્ઞાનકાંડ થાય છે ને? પ્રચંડ કર્મકાંડ વડે અખંડ જ્ઞાનકાંડ થાય છે એવું જે શાસ્ત્રમાં (પ્રવચનસારમાં) આવે છે એ તો નિમિત્તનું વ્યવહારનયનું કથન છે.