અવસ્થાદ્રષ્ટિથી જુઓ તો કર્મનો સંબંધ છે અનેતે જાણવા લાયક છે. સર્વથા બંધ છે એ માન્યતા દ્રષ્ટિની વિપરીતતા છે. પર્યાયમાં સંબંધ છે, પરંતુ પર્યાયથી અધિક એવા ત્રિકાળી ધ્રુવ જ્ઞાયકભાવ ઉપર દ્રષ્ટિ દેતાં પર્યાયદ્રષ્ટિનો સંબંધ અસત્યાર્થ થઈ જાય છે. (એક ચોકડીનો અનંતાનુબંધીનો અભાવ થઈ જાય છે) થોડો સંબંધ છે એનો પણ ત્રિકાળીમાં તો અભાવ જ છે. દ્રષ્ટિમાં તો એકસાથે અભાવ થયો છે, થોડો સંબંધ પર્યાયમાં છે એ પછી વ્યવહારથી ગૌણપણે જાણવામાં આવે છે. સમ્યગ્દર્શન થતાં અનંતાનુબંધી કર્મનો અભાવ થઈ જાય છે. બીજા જે કર્મનો સંબંધ પર્યાયમાં છે તે વસ્તુના સ્વભાવની દ્રષ્ટિથી જોતાં જૂઠો છે. વસ્તુ જે ત્રિકાળ નિરાવરણ નિર્લેપ, જ્ઞાન-જ્ઞાન-જ્ઞાનનો પુંજ પડી છે એની દ્રષ્ટિ કરતાં પર્યાયભાવ ગૌણ થઈ અસત્યાર્થ થઈ જાય છે. દ્રવ્યસ્વભાવ સાથે કર્મનો સંબંધ કેવો?
ભાઈ! રત્નકરંડશ્રાવકાચારમાં સ્વામી સમંતભદ્રાચાર્યે એમ કહ્યું છે કે વસ્તુનું જ્ઞાન ન્યૂનતા, અધિકતા અને વિપરીતતા રહિત યથાર્થ હોય તે સત્ય છે, તે સમ્યગ્જ્ઞાન છે અને તે સમ્યગ્દર્શન સહિત હોય છે. ખાલી શાસ્ત્રનું ભણતર તે સમ્યગ્જ્ઞાન નથી.
ભગવાન આત્મા પૂર્ણ, પૂર્ણસ્વરૂપે અંદરમાં છે. અત્યારે જ છે, હમણાં અહીં અંદર પડયો છે. જેમ લીંડીપીપરમાં ૬૪ પહોરી-૬૪ પૈસા-૧૬ આના એટલે પૂર્ણ રૂપિયો-પૂર્ણ તીખાશ શક્તિરૂપે છે તે વ્યક્તરૂપે પૂર્ણ પ્રગટ થાય છે. પ્રાપ્તની પ્રાપ્તિ થાય છે. એવી રીતે ભગવાન આત્મા પૂર્ણસ્વરૂપ, મોક્ષસ્વરૂપ છે. શાસ્ત્રમાં આવે છે ને કે ‘તું છો મોક્ષસ્વરૂપ.’ એવા ત્રિકાળ સ્વભાવ ઉપર લક્ષ દેતાં વર્તમાન અવસ્થા ગૌણ થઈ જાય છે-અસત્યાર્થ થઈ જાય છે. ભલે થોડી અશુદ્ધતા હોય, પણ તે વસ્તુમાં નથી.
બીજો બોલઃ– વળી જેમ માટીને કમંડળ, ઘડો, ઝારી, રામપાત્ર આદિ પર્યાયોથી અનુભવ કરતાં અન્ય-અન્યપણું ભૂતાર્થ છે-સત્યાર્થ છે. માટીને અવસ્થાદ્રષ્ટિથી જુઓ તો ભિન્ન ભિન્ન આકારો જેમકે પ્યાલા, વાટકા, આદિ સત્ય છે. માટીને ભિન્ન ભિન્ન પર્યાયથી જોવી એ અશુદ્ધનય, વ્યવહારનય છે. એ મલિનપણું છે. પ્રવચનસારમાં ૪૭ નયના અધિકારમાં આવે છે કે માટીને પર્યાયથી જોવી એ અશુદ્ધનય છે. પરંતુ સર્વતઃ અસ્ખલિત એક માટીના સ્વભાવની સમીપ જઈને અનુભવ કરતાં અન્યપણું અભૂતાર્થ છે. એકલી માટી, માટી, માટી જોતાં ભિન્ન ભિન્ન અવસ્થાઓ એમાં નથી, અભૂતાર્થ છે-એટલે એમાં દેખાતી નથી. આ દ્રષ્ટાંત છે.
સિદ્ધાંતઃ–એવી રીતે નર-નારકાદિ પર્યાયથી અનુભવતાં-આ નારકી છે, આ મનુષ્ય છે, આ દેવ છે, આ એકેન્દ્રિય છે, આ પંચેન્દ્રિય છે, ઇત્યાદિ અવસ્થાથી