વર્તમાનમાં જોતાં અન્ય-અન્ય ગતિરૂપ અવસ્થાઓ છે. અંદરમાં આત્માની મનુષ્યપણાની, નારકીપણાની આદિ યોગ્યતારૂપ પર્યાય છે. બહારમાં મનુષ્ય કે નારકીનો દેહ દેખાય છે એની વાત નથી. એ તો જડ માટી છે, એ કાંઈ મનુષ્યાદિ પર્યાય નથી. વર્તમાન અવસ્થાથી જોવામાં આવે તો ગતિ આદિના ભિન્ન-ભિન્ન- અન્ય-અન્ય ભાવ સત્યાર્થ છે પણ એમાં અખંડ આત્મા ન આવ્યો. ખંડ-અંશ-પર્યાય આવી. તેથી તે વ્યવહારનય છે.
વ્યવહારનયથી નરક, મનુષ્ય, દેવ, તિર્યંચપણું ઇત્યાદિ પર્યાયમાં છે, તોપણ સર્વતઃ અસ્ખલિત એટલે સર્વ પર્યાયભેદોમાં જરાય ભેદપણે નહિ થવારૂપ એવા ચૈતન્યાકાર આત્મસ્વભાવને જોતાં નરક, મનુષ્ય કે પંચેન્દ્રિયાદિની જે યોગ્યતાઓ પર્યાયમાં છે તે સર્વ યોગ્યતાઓ અભૂતાર્થ છે. તે અન્ય-અન્ય પર્યાયોથી જ્ઞાયકભાવ ભેદરૂપ થતો નથી. પર્યાયમાં ત્રિકાળી આવતો જ નથી.
માટીનાં વાસણ કહેવાં એ વ્યવહાર છે. માટી માટીરૂપ છે એ નિશ્ચય છે. એકરૂપ માટી, માટીને જુઓ તો એ ભેદરૂપ અવસ્થાને સ્પર્શતી નથી. ભગવાન આત્માને કર્મના સંબંધમાં નારકી, પશુ, એકેન્દ્રિયાદિ ભિન્ન-ભિન્ન ગતિ છે એ વ્યવહાર છે. અવસ્થાની દ્રષ્ટિથી જોતાં એ સત્ય છે, તોપણ ચૈતન્યાકાર એક ધ્રુવ જ્ઞાયકભાવની દ્રષ્ટિ કરતાં એ પર્યાયભેદો કાંઈ નથી. ત્રિકાળીભાવ ભેદોને સ્પર્શતો નથી. એકરૂપ સ્વભાવમાં ભેદો કાંઈ નથી.
ભાઈ! આ તો વીતરાગ માર્ગ! અનંતકાળમાં અનંતવાર દ્રવ્યલિંગી નગ્ન દિગંબર મુનિ થઈને નવમી ગ્રૈવેયક ગયો પણ આત્મજ્ઞાન વિના લેશપણ સુખ પામ્યો નહીં. અહીં કહે છે ભગવાન આત્મા-જ્ઞાયકભાવ-એક ચૈતન્યરસસ્વભાવ કદીય ભેદરૂપ થયો જ નથી. જેમ સૂર્યનો પ્રકાશ અંધકારરૂપે થતો નથી તેમ ભગવાન જ્ઞાન- પ્રકાશપુંજ કદીય પુણ્ય-પાપ જે અંધકાર અને અચેતનરૂપ છે તે રૂપે થતો નથી. એથી વિશેષ વાત અહીં કહે છે કે જ્ઞાયક-જ્ઞાયક-જ્ઞાયક એક ચૈતન્યાકાર સ્વરૂપ આત્મા ગતિ આદિ કોઈ પર્યાયોથી કિંચિત્માત્ર ભેદરૂપ થતો નથી.
અહીં એમ કહે છે કે ત્રિલોકીનાથ ભગવાન સત્ વસ્તુ એ માઝા (મર્યાદા-હદ) ન મૂકે. એ ભેદમાં કે પર્યાયમાં આવે નહીં. અનાદિની એક સમયની પર્યાય ઉપર દ્રષ્ટિ છે ત્યાંસુધી આત્મભગવાન દૂર છે. પર્યાયદ્રષ્ટિ છોડી ત્રિકાળીમાં જુએ તો આત્મસ્વભાવ સમીપ થઈ જાય અને ત્યારે પર્યાયભેદ અસત્યાર્થ થઈ જાય છે. અભેદની દ્રષ્ટિમાં ભેદ દેખાતો નથી એનું નામ સમ્યગ્દર્શન છે. અહો! આ પંચમ આરામાં ભગવાન કુંદકુંદાચાર્યદેવે તીર્થંકર જેવાં અને અમૃતચંદ્રાચાર્યદેવે ગણધર જેવાં કામ કર્યાં છે.