સમયસાર ગાથા-૨૨૮ ] [ ૪પ૧
સમાધાનઃ– ધૂળેય સાધન નથી સાંભળને. એ તો અંતરમાં પોતે સ્વરૂપનું સાધન પ્રગટ કર્યું છે તો જે રાગ છે તેને આરોપ આપીને સાધન કહેવામાં આવે છે. તે કાંઈ ખરેખરું સાધન છે એમ નથી. જુઓ, સમ્યક્ત્વીને વ્યવહાર સમ્યક્ત્વમાં નિશ્ચય સમ્યક્ત્વ ગર્ભિત છે, નિરંતર ગમનરૂપ (પરિણમનરૂપ) છે. (જુઓ રહસ્યપૂર્ણ ચિટ્ઠી). પણ એ વ્યવહાર સમકિત શું છે? એ તો રાગ છે, ચારિત્રગુણની ઉલટી પર્યાય છે. છતાં તેને વ્યવહાર સમકિત કહેવું એ તો બાપા! આરોપથી કથન કરવાની શૈલી છે. તેમ જે સત્યાર્થ સાધન નથી તેને સાધન કહેવું તે આરોપ દઈને કથન કરવાની શૈલી છે. હવે આટલે પહોંચે નહિ, યથાર્થ સમજે નહિ એટલે લોકો બહારથી વિવાદ ઊભા કરે છે. પણ શું થાય ભાઈ? અહા! આવાં ટાણાં આવ્યાં ને યથાર્થ સમજણ ન કરે તો કયારે કરીશ ભાઈ? કયાં જઇશ પ્રભુ! તું? જવાનું તો વસ્તુમાં પોતામાં છે. ત્યાં જા ને નાથ! રાગમાં ને બહારમાં જવાથી તને શું લાભ છે?
ભાઈ! તું અનંતકાળથી આકુળતાની ચક્કીમાં પીસાઈ રહ્યો છે. અહા! આ શુભભાવ એ પણ આકુળતા છે, દુઃખ છે હોં. હવે તે દુઃખ આત્માના આનંદનું કારણ કેમ થાય? પણ વ્રતાદિને મોક્ષમાર્ગ કહ્યો છે ને? ભાઈ! એ તો જેને અંતરમાં નિર્મળરત્નત્રયરૂપ નિશ્ચય મોક્ષમાર્ગ પ્રગટયો છે તેને જે વ્રતાદિનો રાગ છે તેને વ્યવહારથી મોક્ષમાર્ગ (વ્યવહાર મોક્ષમાર્ગ) કહ્યો છે. પણ એ તો આરોપ દઈને ઉપચાર વડે કથન કરવાની શૈલી છે. મોક્ષમાર્ગ પ્રકાશકમાં પંડિત-પ્રવર શ્રી ટોડરમલજીએ આનો સ્પષ્ટ ખુલાસો કર્યો છે ને નિશ્ચય-વ્યવહારનું સર્વત્ર આ લક્ષણ જાણવું એમ ત્યાં (સાતમા અધિકારમાં) કહ્યું છે. અહા! ટોડરમલજીએ પણ કામ કર્યું છે ને! કોઈ અજ્ઞાનીઓ પંડિતાઈના મદમાં આવીને તેમને માનતા નથી અને આવી શુદ્ધ અધ્યાત્મની વાત કરનારાઓની ઠેકડી ઉડાડે છે, પણ ભાઈ! એથી તને કાંઈ લાભ નથી બાપા!
અહીં કહે છે-‘વસ્તુસ્થિતિના બળથી’... , એ શું કહ્યું સમજાણું? કે આનંદસ્વરૂપ ભગવાન આત્માની પર્યાયમાં આનંદનું થવું એટલે કે આનંદની ભાવના અને આનંદનું વેદન-બધું એક સાથે એક સમયમાં ભેગું છે. આ વસ્તુસ્થિતિ છે. આ તો અમૃતચંદ્રાચાર્ય બાપા! એક શબ્દ, એક પદ લો તો તેમાં કેટકેટલું ભર્યું છે? ઓહો! ભગવાન કુંદકુંદાચાર્યે પંચમ આરામાં તીર્થંકર જેવું કામ કર્યું છે અને શ્રી અમૃતચંદ્રદેવે પંચમ આરામાં ગણધર જેવું કામ કર્યું છે. અહા! વસ્તુને સૂર્યની જેમ આમ સ્પષ્ટ દેખાય એ રીતે મૂકી છે, બાપુ! તું આવો શુદ્ધ જ્ઞાતા-દ્રષ્ટાસ્વભાવી છે ને નાથ! તું દેખનારને દેખ ને! અહા! દેખાય છે જે બીજી ચીજ એ તો તારામાં આવતી નથી. દેખનારો જેને દેખે છે તે ચીજ તો દેખવાની પર્યાયમાં આવતી નથી. પણ જ્યારે પર્યાય દેખનારને દેખે છે ત્યારે પર્યાયમાં દેખનારનાં જ્ઞાન-શ્રદ્ધાન પ્રગટ થાય છે, ત્યારે અભેદ વેદ્ય-વેદકપણું પ્રગટ થાય છે અને તે ધર્મ છે. લ્યો, આવી વાત!