સમયસાર ગાથા-૨૨૮ ] [ ૪૬પ મરીને નરકે જાય છે. પોતાના શુદ્ધ ચૈતન્યપ્રાણની ઓળખાણ કર્યા વિના અજ્ઞાની જીવ મરણના ભય વડે નિરંતર પીડાય છે, જ્યારે નિજ શાશ્વત ચૈતન્યપ્રાણ વડે પોતાનું જીવન શાશ્વત છે એમ જાણતા જ્ઞાનીને મરણનો ભય નથી.
જુઓ, આયુષ્ય છૂટે છે માટે દેહ છૂટે છે એમ નથી. એ તો દેહમાં રહેવાની યોગ્યતા જ જીવની પોતાની પોતાને કારણે એટલી હોય છે. તે કાંઈ આયુષ્યને કારણે છે એમ નથી, કેમકે આયુ તો નિમિત્ત પરવસ્તુ છે. હવે તે યોગ્યતા પણ પોતાના સ્વરૂપભૂત નથી. પોતામાં તો પોતાના જ્ઞાન, દર્શન, આનંદ પ્રાણ છે. અહા! આવી જેને અંતર-દ્રષ્ટિ થઈ છે તેને સમ્યગ્દ્રષ્ટિ કહે છે, ધર્મી કહે છે અને તેને મરણનો ભય હોતો નથી. જ્યારે બીજા (અજ્ઞાની) તો બિચારા હાય-હાય કરીને રાડ નાખી જાય છે.
અરે ભાઈ! આ ઇન્દ્રિયાદિ પ્રાણ તારા કયાં છે? એ તો જડ પુદ્ગલના છે. છતાં તેને પોતાના માનનારનું જ્યારે મરણ થાય છે ત્યારે ‘અરે! હું મરી ગયો,’ મારા પ્રાણ છૂટી ગયા એમ અજ્ઞાની ભય પામીને દુઃખી થાય છે. જ્યારે જડ પ્રાણ જ મારા નથી, તેના છૂટવાથી હું મરણ પામતો નથી, હું તો જ્ઞાનાનંદસ્વરૂપે ત્રિકાળ શાશ્વત ધ્રુવ અનાદિ અનંત વસ્તુ છું-એવું જાણતા જ્ઞાનીને મરણનો ભય કયાંથી હોય? ન હોય.
‘सः स्वयं सततं निश्शंकः सहजं ज्ञानं सदा विन्दति’ તે તો પોતે નિરંતર નિઃશંક વર્તતો થકો સહજ જ્ઞાનને સદા અનુભવે છે.
‘સ્વયં’ શબ્દ આમાં આવ્યો છે. કોઈ અજ્ઞાની ‘સ્વયં’ એટલે પોતારૂપ-જીવ જીવરૂપ-એમ અર્થ કરે છે. પણ ભાઈ! ‘સ્વયં’ એટલે પોતે પોતાથી-એમ અર્થ થાય છે. અહીં કહે છે-જ્ઞાની પોતે નિરંતર નિઃશંક વર્તતો થકો સહજ જ્ઞાનસ્વરૂપ આત્માને સદા અનુભવે છે.
‘ઇન્દ્રિયાદિ પ્રાણો નાશ પામે તેને લોકો મરણ કહે છે. પરંતુ આત્માને પરમાર્થે ઇન્દ્રિયાદિ પ્રાણ નથી, તેને તો જ્ઞાનપ્રાણ છે. જ્ઞાન અવિનાશી છે-તેનો નાશ થતો નથી; તેથી આત્માને મરણ નથી. જ્ઞાની આમ જાણતો હોવાથી તેને મરણનો ભય નથી; તે તો નિઃશંક વર્તતો થકો પોતાના જ્ઞાનસ્વરૂપને નિરંતર અનુભવે છે. આ ભાવાર્થ કહ્યો.