સમયસાર ગાથા-૨૨૮ ] [ ૪૬૯ હોય છે. જુઓ, શ્રેણીક રાજા હાલ પહેલી નરકમાં છે. તેઓ ક્ષાયિક સમકિતી છે; ભવિષ્યમાં-આવતી ચોવીસીમાં-તીર્થંકર થવાના છે. પણ અત્યારે પહેલી નરકમાં છે, ને જેટલો (જે અલ્પ) રાગ છે એટલું દુઃખનું વેદન પણ છે, પણ અંતરમાં અનંતાનુબંધીના અભાવને કારણે અતીન્દ્રિય આનંદની ગટાગટી છે. ઝીણી વાત છે ભાઈ! અનંતકાળમાં એણે સમ્યગ્દર્શન એક ક્ષણ પણ પ્રગટ નથી કર્યું અને તેથી પંચમહાવ્રતાદિ પાળીને નવમી ગ્રીવકમાં ઉપજ્યો તોપણ દુઃખી જ રહ્યો છે.
અહા! અનાદિથી જીવને પુણ્ય-પાપના-શુભાશુભ રાગના-વિકલ્પનું વેદન છે. તે દુઃખનું વેદન છે, મિથ્યા વેદન છે. એને આ શરીરનું કે બહારના સંયોગરૂપ પદાર્થનું વેદન છે એમ નથી કેમકે શરીરાદિ પદાર્થો તો જડ છે, પર છે. તેને તો જીવ અડેય નહિ તે કેવી રીતે ભોગવે? તો કેવી રીતે છે? તો કહે છે-અજ્ઞાની મૂઢ જીવ તે શરીરાદિ પદાર્થને જોઈને ‘આ ઠીક છે, આ અઠીક છે’-એમ રાગદ્વેષ ઉત્પન્ન કરે છે અને તે રાગદ્વેષને તે ભોગવે છે, વેદે છે. એ રાગદ્વેષનું વેદન દુઃખનું વેદન છે ભાઈ! જ્યારે સમ્યગ્દ્રષ્ટિએ ગુલાંટ મારી છે. ગુલાંટ-ગુલાંટ સમજ્યા? એણે પલટો માર્યો છે. અહા! પહેલાં નવમી ગ્રીવક અનંતવાર ગયો હતો પણ એ તો ત્યાં રાગનું-કષાયનું વેદન હતું; એ મિથ્યા દુઃખનું વેદન હતું. પણ હવે એણે પલટો માર્યો છે. હવે રાગથી હઠીને દ્રષ્ટિ ભિન્ન એક સહજ જ્ઞાનસ્વભાવ પર સ્થાપી છે. સમ્યગ્દ્રષ્ટિની દ્રષ્ટિ સહજ એક જ્ઞાનસ્વભાવ પર રહેલી છે. તેથી તે નિરંતર જ્ઞાન ને આનંદને વેદે છે. આવી જન્મ-મરણથી રહિત થવાની રીત બહુ જુદી છે ભાઈ!
અહા! અનંતકાળથી જીવ ૮૪ના અવતાર કરી કરીને દુઃખી છે. એક એક યોનિને અનંત અનંત વાર સ્પર્શ કરીને તે જન્મ્યો ને મર્યો છે. એના દુઃખનું શું કહેવું? ભાઈ! આ પૈસાવાળા-કરોડપતિ ને અબજોપતિ બધા દુઃખી છે. ભિખારી છે ને! પૈસામાં-ધૂળમાં સુખ માને છે તે બધા જ દુઃખી છે. દરિદ્રી દીનતાથી દુઃખી છે ને પૈસાવાળા પૈસાના અભિમાનથી દુઃખી છે; બેય દુઃખી જ છે, કેમકે બન્નેય બહારમાંથી સુખ ઇચ્છે છે. જ્યારે જગતમાં એક સમ્યગ્દ્રષ્ટિ જીવ જ સુખી છે કેમકે તે નિત્ય આનંદસ્વરૂપ-સુખસ્વરૂપ ભગવાન આત્માને નિરંતર અનુભવે છે. સમયસાર નાટકમાં આવે છે ને કે-
અંતરકી લચ્છીસૌં અજાચી લચ્છપતિ હૈ;
દાસ ભગવંત કે ઉદાસ રહૈં જગતસૌં,
સુખિયા સદૈવ ઐસે જીવ સમકિતી હૈં.
બાકી રાગમાં ને પૈસામાં સુખ માનવાવાળા જગતમાં બધા જ દુઃખનું વેદન કરે છે.