સમયસાર ગાથા-૨૨૯ ] [ ૪૮પ આવ્યો તેને એ સ્વીકારવામાં મિથ્યાત્વાદિ બધાયનો ત્યાગ થઈ જાય છે. સમજાણું કાંઈ...?
અહા! વસ્તુ આત્મા અનંત ગુણનો પિંડ પ્રભુ પૂરણ સત્ છે; અને તે શાશ્વત છે. અહા! આવા શાશ્વત્ સત્ની સ્વીકારવાળી દ્રષ્ટિ થતાં મિથ્યાત્વનો અભાવ થઈ જાય છે, શંકા-ભય આદિનો અભાવ થઈ જાય છે. અહા! જ્યાં પોતાના ત્રિકાળી મુક્તસ્વરૂપને પ્રતીતિમાં લીધું ત્યાં ‘મને કર્મબંધ છે’-એવી શંકાનો અભાવ થઈ જાય છે તેથી જ્ઞાની નિઃશંક છે. અને નિઃશંકપણે વર્તતા તેને કદાચિત્ પૂર્વ કર્મનો ઉદય હોય તોપણ તે ખરી જાય છે, નિર્જરી જાય છે. અહા! નિજાનંદસ્વરૂપમાં લીન એવા જ્ઞાનીને ઇન્દ્રનાં ઇન્દ્રાસન પણ થોથાં છે અર્થાત્ કાંઈ નથી. તેથી કહે છે-જ્ઞાનીને બંધ નથી, નિર્જરા જ છે.
અરે ભાઈ! દુનિયા આખી ભૂલી જા ને! અને પર્યાયને પણ ભૂલી જા ને! તારે એ બધાથી શું કામ છે? પર્યાય ભલે દ્રવ્યને સ્વીકારે છે, પણ હું પર્યાયમાં છું-એમ ભૂલી જા. અહા! આ દેહ તો નાશવંત છે; એનો તો ક્ષણમાં નાશ થઈ જાય બાપા! જેમ પાણીના પરપોટા ફૂટતાં વાર લાગે નહિ તેમ આ દેહાદિ પરપોટાને ફૂટતાં શું વાર? અવિનાશી તો અંદર ત્રણલોકનો નાથ આનંદરસકંદ પ્રભુ આત્મા છે. તેને પોતાના ભાવમાં ભાસિત કરવો તે સમ્યગ્દર્શન છે અને તે પ્રથમ દરજ્જાનો ધર્મ છે. બાકી આ સ્ત્રી-પુત્ર પરિવાર ને બાગબંગલા એ તો બધાં સ્મશાનનાં હાડકાંના ફોસ્ફરસની ચમક જેવાં છે, જોતજોતામાં વિલય પામી જશે. સમજાણું કાંઈ...?
‘સમ્યગ્દ્રષ્ટિને જે કર્મનો ઉદય આવે છે તેનો તે, સ્વામિત્વના અભાવને લીધે, કર્તા થતો નથી.’
અહા! શું કહે છે? કે સ્વરૂપનો જે સ્વામી થયો છે તે સમ્યગ્દ્રષ્ટિને કર્મના ઉદયના સ્વામીપણાનો અભાવ છે અને તેથી તે કર્તા થતો નથી. જોયું? જે રાગાદિ થાય છે તેનો તે રચનારો-કરનારો થતો નથી, પણ તેનો જાણનારો રહે છે. પોતે જ્ઞાયકસ્વરૂપ છે ને? તેથી સ્વ ને પરના પ્રકાશક જ્ઞાનમાં તે જાણનારો રહે છે. હવે કહે છે-
‘માટે ભયપ્રકૃતિનો ઉદય આવતાં છતાં પણ સમ્યગ્દ્રષ્ટિ જીવ નિઃશંક રહે છે, સ્વરૂપથી ચ્યુત થતો નથી.’
અહા! સમ્યગ્દ્રષ્ટિ જીવ ભયપ્રકૃતિના ઉદયમાં પોતાના જ્ઞાનાનંદસ્વરૂપથી ચ્યુત થતો નથી. અસ્થિરતાનો કિંચિત્ ભય આવે તો તેનો તે જાણનાર રહે છે.