આ પ્રગટ થયેલા શુદ્ધાત્માનાં નામ છે. આ શુદ્ધ ચૈતન્ય ભગવાન નિત્ય ‘નિરંજન’ છે. સર્વજ્ઞ પરમેશ્વર પર્યાયમાં ‘નિરંજન’ છે. અંજન કહેતાં મેલ જેમાં નથી તે ‘નિરંજન’ કહેવાય છે. સર્વજ્ઞ વીતરાગ પર્યાયમાં ‘નિષ્કલંક’ છે, એમ ભગવાન આત્મા વસ્તુપણે ‘નિષ્કલંક’ છે. સર્વજ્ઞ ભગવાન પર્યાયપણે ક્ષય ન પામે એવી ‘અક્ષય’ ચીજ છે, તો આત્મા પોતે સ્વરૂપથી ‘અક્ષય’ છે. કુંદકુંદાચાર્યદેવે ત્રિકાળી દ્રવ્યના આશ્રયે પ્રગટેલો સમ્યક્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ જે મોક્ષનો માર્ગ, એને ચારિત્ર પાહુડમાં ‘અક્ષય અમેય’ કહ્યો છે. ક્ષય રહિત, મર્યાદા વિનાની ચીજ છે. સર્વજ્ઞપણું પ્રગટ થયું પછી કદીય એનો અભાવ થવાનો નથી એ અપેક્ષાએ તેઓ ‘અવ્યય’ છે. પર્યાય બીજે સમયે વ્યય થાય એ જુદી વાત છે. પણ એક વખત સર્વજ્ઞપણું પ્રગટ થયું પછી અલ્પજ્ઞ થઈ જાય એમ કદીય બનતું નથી. સર્વજ્ઞદશા એ વ્યય વિનાનો ઉત્પાદ છે-એમ પ્રવચનસારમાં આવે છે. ભગવાન આત્મા વસ્તુપણે ‘અવ્યય’ છે.
સર્વજ્ઞ વીતરાગ અરિહંતદેવ ‘શુદ્ધ’ છે, એ ઈષ્ટદેવ છે. ભગવાન આત્મા પરમાર્થે ‘શુદ્ધ’ છે, અને એ જ આત્માને ઈષ્ટ છે. પ્રવચનસારમાં કહ્યું છે કે ભગવાનને (અરિહંતને) પુણ્ય-પાપરૂપી અનિષ્ટનો નાશ થઈ ઈષ્ટપણું પ્રગટયું છે. ઈષ્ટ જે વસ્તુ-ભગવાન પૂર્ણાનંદ પ્રભુ એના આશ્રયે પર્યાયમાં ઈષ્ટપણું પ્રગટયું છે; અને અનિષ્ટ જે અજ્ઞાન અને રાગદ્વેષ-તેનો નાશ થયો છેે.
સર્વજ્ઞ પરમાત્મા પર્યાયમાં ‘બુદ્ધ’ છે. એક સમયમાં જ્ઞાનની પૂર્ણ દશા પ્રગટ થતાં પોતે અને આખું લોકાલોક જ્ઞાનમાં આવ્યું એવા ભગવાનને ‘બુદ્ધ’ કહે છે. આ ભગવાન આત્મા દ્રવ્યે ‘બુદ્ધ’ છે, જ્ઞાનસ્વરૂપ બુદ્ધની મૂર્તિ છે. સર્વજ્ઞ પરમેશ્વર ‘અવિનાશી’ છે, એમ આ આત્મા પણ ‘અવિનાશી’ છે. એક સમયમાં સર્વજ્ઞદશા જેમને પ્રગટ થઈ છે એવા ભગવાન ‘અનુપમ’ કહેતાં કોઈની સાથે ઉપમા ન આપી શકાય તેવા છે. ભગવાનને ઉપમાં કોની? એમ ઈષ્ટસ્વરૂપ શુદ્ધ આનંદનો નાથ ભગવાન આત્મા જે દ્રષ્ટિનો વિષય છે તે ત્રિકાળ ‘અનુપમ’ છે.
સર્વજ્ઞ વીતરાગ કોઈથી છેદાય નહિ એવા ‘અચ્છેદ્ય’ છે. એમ ભગવાન આત્મા પણ ‘અચ્છેદ્ય’ છે, છેદ-ખંડ થાય નહીં એવી ચીજ છે. ભગવાન સર્વજ્ઞ પર્યાયમાં ‘અભેદ્ય’ છે, એટલે કોઈથી ભેદાતા નથી. એમ ભગવાન આત્મા પણ ‘અભેદ્ય’ છે. જે પર્યાયથી ભેદાતો નથી એવો આત્મા અભેદ્ય છે. ગીતામાં પણ ‘અચ્છેદ્ય’ અને ‘અભેદ્ય’ એવા શબ્દો આવે છે એ વાત અહીં નથી. આ તો સર્વજ્ઞથી સિદ્ધ થયેલી વાત છે.