Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 23 of 4199

 

૧૬ [ સમયસાર પ્રવચન

પ્રવચનસાર ગાથા ૧૦૬માં આવે છે કે સત્તા અને દ્રવ્યને એટલે કે ગુણ અને ગુણીને વિભક્ત પ્રદેશત્વનો અભાવ છે. બન્નેના પ્રદેશો એક છે એમ હોવા છતાં સત્તા અને દ્રવ્યને અન્યત્વ છે, એટલે અતદ્ભાવ છે. અહીં એક-બીજામાં અભાવરૂપ છે માટે અન્યત્વ છે એમ નથી. દ્રવ્ય, ગુણ કે પર્યાય વચ્ચે અતદ્ભાવરૂપ અન્યત્વ છે. જે દ્રવ્ય છે તે ગુણ નથી, ગુણ છે તે દ્રવ્ય કે પર્યાય નથી અને પર્યાય છે તે દ્રવ્ય કે ગુણ નથી. આ પ્રમાણે અતદ્ભાવરૂપ અન્યત્વ છે.

અરેરે! અનાદિથી જન્મ-મરણ કરીને ભાઈ તું દુઃખી છે. સંસારમાં ગરીબ થઈને ભટકતો-રાંકો થઈને રખડે છે. પોતાની બાદશાહી શક્તિની ખબર નથી. પોતે બાદશાહ? હા, ભાઈ! ભગવાન્ પૂર્ણાનંદનો નાથ બાદશાહ છે. તે બાદશાહનો જે સ્વીકાર કરે તેને સ્વતંત્ર અતીન્દ્રિય સુખસ્વરૂપ પર્યાય પ્રગટે છે.

હવે ભાવાર્થ કહે છે.

ભાવાર્થઃ– અહીં મંગળ અર્થે શુદ્ધાત્માને નમસ્કાર કર્યા છે. કોઈ એમ પ્રશ્ન કરે કે કોઈ બીજા ઈષ્ટદેવનું નામ લઈને નમસ્કાર કેમ ન કર્યા છે?

તેનું સમાધાનઃ– વાસ્તવિકપણે ઈષ્ટદેવનું સામાન્ય સ્વરૂપ સર્વકર્મથી રહિત, સર્વજ્ઞ, વીતરાગ, શુદ્ધઆત્મા જ છે. પ્રગટેલાની આ વાત છે. તેથી અધ્યાત્મ શાસ્ત્રમાં સમયસાર કહેવાથી ઈષ્ટદેવ આવી ગયા. એક જ નામ લેવાથી મતવાદીઓ મતપક્ષનો વિવાદ કરે છે. તે સર્વનું નિરાકરણ સમયસારનાં વિશેષણો વર્ણવીને કર્યું છે. અન્યવાદીઓ પોતાના ઈષ્ટદેવનું નામ લે છે, તેમાં ઈષ્ટ શબ્દનો અર્થ ઘટતો નથી, બાધાઓ આવે છે; અને સ્યાદ્વાદી જૈનોને તો સર્વજ્ઞ, વીતરાગ, શુદ્ધ આત્મા જ ઈષ્ટ છે. તે બધાં નામો એને લાગુ પડે છે, પછી ભલે તે ઈષ્ટદેવને પરમાત્મા કહો, પરમજ્યોતિ કહો, પરમેશ્વર કહો, પરમ બ્રહ્મ કહો, પરમ શિવ કહો. આ શિવ જે અન્યમતીઓ કહે છે તે નહિ. સર્વજ્ઞ વીતરાગ કેવળજ્ઞાની પરમાત્માઓને શિવ પણ કહેવામાં આવે છે. તેમને નિરુપદ્રવ દશા પ્રગટી માટે શિવ કહેવાય છે. પરમ આનંદનો નાથ પર્યાયમાં પ્રગટયો તેને ‘પર બ્રહ્મ’ કહેવાય છે. આત્મા વસ્તુપણે ‘પર બ્રહ્મ’ છે; સર્વજ્ઞ અરિહંત એ પર્યાયમાં ‘પરમાત્મા’ છે, આત્મા પર્યાય વિનાનો એકલો ‘પરમાત્મા સ્વરૂપ’ જ છે. સર્વજ્ઞ પરમેશ્વર પ્રગટ ‘પરમ જ્યોતિ’ છે, આત્મા ત્રિકાળ ‘પરમચૈતન્યજ્યોતિ’ છે. શ્રીમદે કહ્યું છે ને કેઃ-

“શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન, સ્વયંજ્યોતિ સુખધામ,
બીજું કહીએ કેટલું, કર
વિચાર તો પામ.”

પર્યાયમાં એનો આદર, વિચાર-જ્ઞાન કરે તો પામે એવી આ આત્માની વાત છે.