Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 22 of 4199

 

ભાગ-૧ ] ૧પ

હવે મોક્ષરૂપ અસ્તિની વાત કરે છે, પૂર્ણતાની વાત કરે છે. ‘સર્વભાવાન્તર- ચ્છિેદ’- પોતાના ભાવથી અનેરા સર્વ જીવ-અજીવ (ચરાચર), ગતિ કરનાર અને ગતિસ્થ (સ્થિત રહેનાર) સર્વ પદાર્થોને સર્વક્ષેત્ર, સર્વકાળ અને સર્વ વિશેષો સહિત એક જ સમયમાં જાણનારો છે. આ પર્યાયના પૂર્ણ સામર્થ્યની વાત છે. પોતાના ભાવને તો સ્વાનુભૂતિથી જાણે, પણ ભાવાન્તર કહેતાં બીજાના ભાવોને પણ સંપૂર્ણ જાણનાર છે. પોતાથી અનેરા બધા ભાવો એટલે કે સર્વક્ષેત્રસંબંધી અને સર્વકાળસંબંધી બધા જીવ-અજીવ પદાર્થોને સર્વ વિશેષો સહિત-એટલે કે એકેક દ્રવ્યના બધા ગુણો અને પર્યાયો સહિત-એક જ સમયે જાણનાર છે. આમ, આત્મા સર્વજ્ઞ સ્વભાવી છે એમ સિદ્ધ કર્યું.

સર્વજ્ઞ એક જ સમયે બધું જાણનાર-દેખનાર છે. સર્વજ્ઞ પહેલા સમયે જાણે અને બીજા સમયે દેખે એમ માનનારા સાદિ-અનંત કેવળજ્ઞાન-કેવળદર્શનમાં અને સાદિ-અનંત કાળમાં બે ભાગલા પાડી નાખે છે. આ આખી દ્રષ્ટિ તત્ત્વવિરુદ્ધ છે, કલ્પનામય છે. (પરમાત્મા એક જ સમયે બધું દેખે અને જાણે છે- માટે સર્વજ્ઞ અને સર્વદર્શી એક જ સમયે છે)

અ હા હા...! આત્માની જ્ઞાનપર્યાયની એક સમયમાં જાણવાની તાકાત કેટલી! પોતાના બધા ભાવ અને પરના બધા ભાવને એક સમયમાં જાણે તેવી તેની યોગ્યતા છે. આને મોક્ષતત્ત્વ અથવા કેવળજ્ઞાનતત્ત્વ કહીએ. એ પર્યાયનું સામર્થ્ય પણ અદ્ભૂત છે; તો પછી દ્રવ્યના સામર્થ્યનું તો શું કહેવું? આમ એક સમયની કેવળજ્ઞાન પર્યાયનું અલૌકિક સામર્થ્ય બતાવી સર્વજ્ઞનો અભાવ માનનાર મીમાંસકોનું નિરાકરણ કર્યું.

આ તો દિગંબર સંતો-મુનિઓના સિદ્ધાંત એનું શું કહેવું? શ્રીમદ્ રાજચંદ્રે કહ્યું છે ને કે તેમના એકેક શબ્દમાં, એકેક વાક્યમાં આગમ ભર્યા છે. આ પ્રથમ માંગળિકના શ્લોકમાં ચાર બોલ કહીને અસ્તિ સિદ્ધ કરી છે. ભગવાન આત્મા વસ્તુ છે, તેનો ગુણ છે ચિત્સ્વભાવ. ચિત્સ્વભાવ તે ગુણ છે કેમકે અહીં ભેદ પાડીને સમજાવવું છે. એટલે ચિત્સ્વભાવ સ્વભાવવાનનો છે એમ સમજાવ્યું. ચિત્સ્વભાવ જે છે તે અભેદથી જોઈએ તો દ્રવ્ય છે, ભેદથી જોઈએ તો ગુણ છે. ‘ચિત્સ્વભાવાય ભાવાય’ અહીં ભાવ છે તે ચિત્સ્વભાવ છે એમ અભેદથી લીધું. ચિત્સ્વભાવ ગુણ છે તે ભેદથી કહ્યું.

આનંદઘનજીમાં લીધું છે ને? કે અનેકાંત એટલે શું? સત્તા જે ગુણ છે તેને અભેદપણે કહેવું તે દ્રવ્ય-સત્તા, અભેદપણે દ્રવ્યરૂપ કહેવાય, તે જ સત્તા ભેદ અપેક્ષાએ ગુણરૂપ કહેવાય. સત્તાને વસ્તુરૂપ કહેવી, અભેદરૂપ કહેવી એ દ્રવ્યરૂપ છે, તેને ભેદથી કહેવી તે ગુણરૂપ છે. ભેદાભેદ તે અનેકાંત છે. આ ભગવાન આત્મા-જીવદ્રવ્ય સુખસ્વરૂપ છે એમ અભેદથી લીધું. ભેદથી કહેવું હોય તો સુખગુણવાળો તે આત્મા; એ ભેદનું કથન છે.