પોતે સ્વાનુભવ પ્રત્યક્ષ છે. સમ્યક્દર્શનમાં આત્મા જ્ઞાનની અપેક્ષાએ પ્રત્યક્ષ છે. (પરના આશ્રય વિના સીધો જ્ઞાનમાં જણાય છે) સમ્યક્દર્શન તો પ્રતીતિરૂપ છે, પણ તે કાળે મતિ શ્રુતજ્ઞાનથી સ્વને પકડતાં પોતે પ્રત્યક્ષ થઈ જાય છે (વેદનની અપેક્ષાએ વાત છે). પરમાર્થ વસ્તુ જ આવી છે, પોતે પોતાથી જણાય એવી ચીજ છે.
વળી જ્ઞાન અન્ય જ્ઞાનથી જાણી શકાય છે અને પોતાથી પોતાને ન જાણે એ વાત ખોટી છે. જ્ઞાન જ્ઞાનથી જ જાણે છે અને જ્ઞાન જ્ઞાનથી જ જણાય છે. આ રીતે જ્ઞાન અન્ય જ્ઞાનથી જાણી શકાય છે, પોતે પોતાને નથી જાણતું એવું માનનાર નૈયાયિકોનો નિષેધ થયો. જ્ઞાન પોતે પોતાને ન જાણે અને પરને જાણે એમ કેમ બની શકે? કદી ય ન બની શકે.
ખરેખર તો જ્ઞાનની પર્યાય સ્વ તરફ ઢળી એટલે જ્ઞાન પ્રત્યક્ષ થયું. પ્રત્યક્ષ સ્વાનુભૂતિની દશા પ્રગટ થઈ ગઈ. તે સ્વાનુભૂતિની દશામાં જે જ્ઞાન થયું તે જ્ઞાન- જ્ઞાનને (જ્ઞાયકને) જાણે, સાથે અન્યને પણ જાણે. દ્રવ્યમાં સ્વ-પરને જાણવાની શક્તિ છે, તે જાણવાનું કાર્ય તો પ્રગટ પર્યાયમાં જ થાય છે.
ક્રિયાકાંડવાળાઓને આ આકરું લાગે છે. બાહ્યત્યાગરૂપ સંયમ એ આત્મા પ્રાપ્ત કરવાનું સાધન છે એમ તેઓ માને છે. અહીં તો સ્પષ્ટ કહે છે કે ‘સ્વાનુભૂત્યા ચકાસતે’ એટલે કે અનુભૂતિ એ એક જ ઉપાય-સાધન છે.
કળશમાં ત્રણ અસ્તિથી વાત લીધી છે. ‘ભાવાય’ કહેતાં સત્ સ્વરૂપ શુદ્ધ ચૈતન્ય પ્રભુ તે દ્રવ્ય અસ્તિ, ‘ચિત્સ્વભાવાય’ કહેતાં તેનો જ્ઞાન સ્વભાવ તે ગુણ અસ્તિ અને ‘સ્વાનુભૂત્યા ચકાસતે’ કહેતાં ત્રિકાળી જ્ઞાયકભાવ-તેનો જે ચિત્સ્વભાવ ભાવ તેને સ્વાનુભૂતિથી પ્રકાશે છે તે સ્વાનુભૂતિ, તે પર્યાય અસ્તિ. કેવી અદ્ભૂત શૈલી! આમાં બાર અંગનો સાર છે. અમૃતચંદ્રાચાર્યે ગજબનું કામ કર્યું છે. એકલાં અમૃત રેડયાં છે. કહે છે કે ચૈતન્ય જેનો સ્વભાવ છે એવી સ્વભાવવાન ભાવ-સ્વરૂપ વસ્તુ-આત્મા, તે સ્વાનુભૂતિથી જણાય છે.
અહીં અસ્તિથી વાત કરી છે. અસ્તિ એટલે એકલું સત્ સત્ સત્; તેમાં બધું આવી જાય છે. જ્યારે વિસ્તારથી સમજાવે ત્યારે કહે કે અજીવ, પુણ્ય, પાપ, આસ્રવ, બંધ તેમાં નથી. જ્યાં અસ્તિથી જાણ્યું ત્યાં ભેગું નાસ્તિનું જ્ઞાન આવી જાય છે. આસ્રવ હેય છે, સંવર ઉપાદેય છે તે બધું આમાં આવી જાય છે. વસ્તુ શુદ્ધ છે ત્રિકાળ, તેનો જ્ઞાનસ્વભાવ ત્રિકાળ, તેની પરિણતિ શુદ્ધ નિર્મળ, ત્રણેય નિર્મળ. તે નિર્મળમાં મલિનતા નથી. શું નથી તે કહેવાની જરૂર નથી. તે ત્રણે જાણતાં તેમાં શું નથી તેનું જ્ઞાન આવી ગયું. આવો ગંભીર અર્થ છે