Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 20 of 4199

 

ભાગ-૧ ] ૧૩

અનુભૂતિની પર્યાયમાં ત્રિકાળી આત્મા જણાય છે. અનિત્ય એવી અનુભૂતિની પર્યાય નિત્યને જાણે છે. જાણનાર જ્ઞાનની પર્યાય છે, પણ જાણે છે દ્રવ્યને. અનુભૂતિની પર્યાયને આશ્રય દ્રવ્યનો છે. (અનુભૂતિની પર્યાયનું વલણ દ્રવ્ય તરફ છે). પર્યાયને પર્યાયનો આશ્રય નથી. કાર્ય પર્યાયમાં થાય છે, પણ તે કાર્યમાં કારણ ત્રિકાળી વસ્તુ છે. કાર્યમાં કારણનું જ્ઞાન થાય છે. ભાઈ! આ તો બધા મંત્રો છે.

‘ભાવાય’ એટલે સત્તાસ્વરૂપ પદાર્થ-વસ્તુ, અને ‘ચિત્સ્વભાવાય’ કહેતાં ગુણ એટલે જ્ઞાન જેનો સ્વભાવ છે તે, અને ‘સ્વાનુભૂત્યા ચકાસતે’ એટલે અનુભૂતિથી પ્રકાશે છે તે. અનુભૂતિ તે પર્યાય. એમ દ્રવ્ય, ગુણ, પર્યાય ત્રણે સિદ્ધ થયાં. અહીં અનુભૂતિથી પ્રકાશે છે એમાં રાગથી નહિ, પુણ્યથી નહિ, નિમિત્તથી નહિ એમ સિદ્ધ થયું. પોતાની અનુભવનરૂપ ક્રિયાથી પ્રકાશે છે અર્થાત્ પોતાને પોતાથી જાણે છે, એટલે જ્ઞાનની પર્યાયથી ત્રિકાળ જ્ઞાન (જ્ઞાયક) જણાય છે, જ્ઞાનની પર્યાયથી ત્રિકાળ ધ્રુવ જણાય છે. પોતાને પોતાથી પ્રગટ કરે છે એટલે અનુભૂતિ જ્ઞાયકને પ્રગટ કરે છે. સંવર અધિકારમાં આવે છે કે -‘ઉપયોગમાં ઉપયોગ છે’-ત્યાં ‘ઉપયોગમાં’ કહેતાં જાણનક્રિયામાં, ‘ઉપયોગ છે’ કહેતાં ધ્રુવ ત્રિકાળી આત્મા છે. જાણનક્રિયા તે આધાર અને ધ્રુવ વસ્તુ તે આધેય કહી છે. ઉપયોગરૂપ જાણનક્રિયામાં ત્રિકાળી આત્મા જણાયો તેથી અહીં જાણનક્રિયાને આધાર કહી અને તેમાં જે ધ્રુવ આત્મા જણાયો તે વસ્તુને આધેય કહી છે.

ખરેખર ધ્રુવ તો અક્રિય છે. તેમાં જાણવાની ક્રિયા ક્યાં છે? ધ્રુવને પર્યાય જાણે છે, પર્યાય દ્રવ્યનો આશ્રય લે છે. દ્રવ્ય, દ્રવ્યનો તો આશ્રય લઈ શકે નહીં, દ્રવ્ય પર્યાયનો પણ આશ્રય લેતું નથી; પણ પર્યાય દ્રવ્યનો આશ્રય લે છે. એટલે કે પર્યાય દ્રવ્યને જાણે છે તેથી પોતે પોતાને જાણે છે-સ્વાનુભૂતિથી પ્રકાશે છે એમ કહે છે.

‘સ્વાનુભૂત્યા ચકાસતે’ એમ કહેતાં આત્માને તથા જ્ઞાનને સર્વથા પરોક્ષ જ માનનારા જૈમિનીય પ્રભાકર ભેદવાળા મીમાંસકોના મતનો વ્યવચ્છેદ થયો.

જેઓ આત્માને અને જ્ઞાનને સર્વથા પરોક્ષ જ માને છે, પ્રત્યક્ષ થઈ શકે જ નહીં એમ માને છે તેઓનો અભિપ્રાય જૂઠો છે. સ્વાનુભૂતિથી પ્રત્યક્ષ થઈ શકે છે એમ કહે છે. વસ્તુ જે છે તે જ્ઞાનમાં પ્રત્યક્ષ જ છે. શાસ્ત્રમાં આત્માને સ્વરૂપ-પ્રત્યક્ષ કહ્યો છે. સ્વરૂપ પ્રત્યક્ષ જ વસ્તુ છે તેથી જ તે પર્યાયમાં પ્રત્યક્ષ થાય છે. વસ્તુ સ્વરૂપ પ્રત્યક્ષ જ જ્ઞાનમાં છે તેથી પ્રત્યક્ષ પર્યાયથી જણાય છે.

સમયસારમાં ૪૭ શક્તિઓ કહી છે, ત્યાં આત્મામાં એક ‘પ્રકાશ’ નામની શક્તિ કહી છે. તે વડે તે સ્વસંવેદન પ્રત્યક્ષ થઈ શકે છે, પોતે પોતાથી પ્રત્યક્ષ વેદાય એવો છે.