વળી તે કેવો છે? ‘સ્વાનુભૂત્યા ચકાસતે’ -ચૈતન્યસ્વરૂપ ભગવાન આત્મા પોતાની અનુભવનરૂપ ક્રિયાથી -સ્વને અનુસરીને થતી પરિણતિથી- શુદ્ધચૈતન્યની નિર્મળ અનુભૂતિથી જણાય એવો છે. રાગથી પ્રકાશે એવો આત્મા નથી. તેને રાગની કે નિમિત્તની અપેક્ષા છે જ નહિ. અહીં અનુભવનરૂપ ક્રિયા તે વ્યવહાર છે, તેમાં નિશ્ચય ધ્રુવ આત્મા જણાય છે. અનુભૂતિ-તે અનિત્ય પર્યાય, નિત્યને જાણે છે. નિત્ય નિત્યને શું જાણે? (નિત્ય અક્રિય હોવાથી તેમાં ક્રિયારૂપ જાણવું કેમ થાય?)પર્યાયને દ્રવ્ય જે ધ્યેય છે તે પર્યાયમાં જણાય છે. આવી સુંદર વાત માંગળિકમાં પ્રથમ કહી છે. અહાહા...! શૈલી તો જુઓ! વ્યવહાર સમકિત હોય તો નિશ્ચય સમકિત થાય એમ નથી. વ્યવહાર સમકિત એ સમકિત જ નથી. વ્યવહાર સમકિત એ તો રાગની પર્યાય છે. નિશ્ચય સમ્યક્સ્વરૂપના અનુભવસહિત પ્રતીતિ થવી તે નિશ્ચય સમકિત છે. એની સાથે દેવ-શાસ્ત્ર-ગુરુની શ્રદ્ધાનો જે રાગ આવે તેને વ્યવહાર સમકિત કહેવામાં આવે છે. પણ એ છે તો રાગ; કાંઈ સમકિતની પર્યાય નથી. ભાઈ! ઝીણી વાત છે. નિયમસારની બીજી ગાથામાં (ટીકામાં) કહ્યું છે કે ભગવાન આત્માની સમ્યક્દર્શનની પર્યાય સ્વ-દ્રવ્યના આશ્રયે ઉત્પન્ન થાય છે, તેને વ્યવહારની અપેક્ષા નથી. નિરપેક્ષપણે સ્વના આશ્રયે થાય છે. સમ્યક્દર્શનની પર્યાયને, વસ્તુ જે ઉપાદેય છે એનો આશ્રય છે એમ કહેવું એ તો એની તરફ પર્યાય ઢળી છે એ અપેક્ષાએ કહેવામાં આવે છે; નહીંતર એ સમ્યક્દર્શનની પર્યાયના ષટ્કારકના પરિણમનમાં પરની તો અપેક્ષા નથી પણ દ્રવ્ય-ગુણની પણ અપેક્ષા નથી. એક સમયની વિકારી પર્યાય પણ પોતાના ષટ્કારકથી પરિણમીને વિકારપણે થાય છે. તેને પણ દ્રવ્ય કે ગુણના કારણની અપેક્ષા નથી; કારણ કે દ્રવ્ય-ગુણમાં વિકાર છે જે નહિ. વિકારી પર્યાયને પર કારકોની પણ અપેક્ષા નથી. તે એક સમયની સ્વતંત્ર પર્યાય પોતાના કર્તા-કર્મઆદિથી થાય છે. તે પર્યાયનો કર્તા પર્યાય પોતે, કરણ પોતે વગેરે છયે કારકો પોતે છે. લોકોને લાગે છે કે આ શું? નવું નથી, ભાઈ? અનાદિથી સત્ વસ્તુ જ આવી છે. ભગવાન! માનવું કઠણ પડે પણ માનવું પડશે. વસ્તુની સ્થિતિ જ આવી છે. (સમયસારના) બંધ અધિકારમાં આવે છે કે દ્રવ્ય અહેતુક, ગુણ અહેતુક, પર્યાય અહેતુક. પર્યાય જે સત્સ્વભાવ છે તે સ્વતંત્ર અને નિરપેક્ષ છે. અપેક્ષાથી કથન કરવામાં આવે છે કે પર્યાયને દ્રવ્ય ઉપાદેય છે. ફક્ત પર્યાય દ્રવ્ય બાજુ ઢળી એટલે આશ્રય લીધો, અભેદ થઈ એમ કહેવામાં આવે છે. આવું સ્વતંત્ર સ્વરૂપ છે, ભગવાન! એને ઓછું, અધિક કે વિપરીત કરવા જશે તો મિથ્યાત્વનું શલ્ય થશે. જગતને બેસે, ન બેસે એમાં જગત સ્વતંત્ર છે.