Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 18 of 4199

 

ભાગ-૧ ] ૧૧

પોતાનો ભગવાન શુદ્ધ ચૈતન્ય વસ્તુ-એનો પર્યાયમાં આદર કર્યો ત્યારે પર્યાયમાં જે અનુભૂતિ થઈ તે પર્યાયે સિદ્ધ કર્યું કે સ્વાનુભૂતિની પર્યાયમાં તે પ્રકાશે છે. દ્રવ્ય દ્રવ્યથી પ્રકાશતું નથી, દ્રવ્યગુણથી પ્રકાશતું નથી કારણકે બન્ને ધ્રુવ છે. તે સ્વાનુભૂતિની પર્યાય દ્વારા પ્રકાશે છે. આવો માર્ગ છે, ભાઈ! ભગવાનનું આમ કહેવું છે. ત્રિલોકનાથ પરમાત્માનાં આ વચનો છે, એનાં આ કહેણ છે જેમ કોઈ કરોડપતિ અને મોટા ઘરની કન્યાનાં કહેણ આવે તો તરત પોતે સ્વીકારી લે છે, તેમ આ તો ત્રિલોકનાથનાં કહેણ છે, તેને ઝટ સ્વીકારી લે; ના ન પાડ. ત્રિલોકનાથ તારી પર્યાયનાં લગ્ન ધ્રુવ સાથે કરાવે છે. તારે લગની લગાડવી હોય તો દ્રવ્ય સાથે લગાડ. આ સિવાય બીજે ક્યાંય સુખ કે શાંતિ છે નહિ. પૈસામાં રાગમાં, બૈરાં-છોકરાંમાં, મોટા હજીરા વગેરેમાં ક્યાંય સુખ નથી. તો કોઈ એમ કહે કે તે સુખનાં નિમિત્તો તો છે ને? શાનાં નિમિત્ત? એ તો બધાં દુઃખનાં નિમિત્ત છે.

અહા! આ બધા જૈનકુળમાં જન્મ્યા તેમને પણ ખબર નથી કે જૈન શું કહેવાય? જૈન કોઈ સંપ્રદાય નથી. ગુણસ્વરૂપ જે શુદ્ધ ચૈતન્યઘન તેને જે પર્યાયમાં ઉપાદેય કરી અનુભવે તેણે રાગ અને અજ્ઞાનને જીત્યા, તેને જૈન કહેવાય છે.

હવે (જેને નમસ્કાર કરું છું) તે કેવો છે? ‘ભાવાય’ કહેતાં શુદ્ધ સત્તાસ્વરૂપ વસ્તુ છે. ભગવાન આત્મામાં જે અનંત ગુણો વસ્યા છે તે શુદ્ધ છે. આ રીતે તેને શુદ્ધ હોવાપણું ઘટે છે. આ વિશેષણથી સર્વથા અભાવવાદી નાસ્તિકોનો મત ખંડિત થયો.

કથંચિત્ અભાવ કહેતા આત્મા સ્વસત્તાથી છે અને પરસત્તાથી નથી એ વાત તો સાચી છે. સ્વપણે ભાવરૂપ અને પરપણે અભાવરૂપ છે એમ સ્વથી અસ્તિ અને પરથી નાસ્તિ એ તો બરાબર છે. સર્વથા અભાવની સામે ‘ભાવાય’ કહીને ભગવાન આત્મા શુદ્ધ હોવાપણે બિરાજે છે એમ કહ્યું છે.

વળી તે કેવો છે? ‘ચિત્સ્વભાવાય.’ પોતે શુદ્ધાત્મા-તેનો સ્વભાવ ચેતના ગુણ- સ્વરૂપ-જાણવું-દેખવું એવા ગુણસ્વરૂપ ભગવાન આત્મા છે.

આ વિશેષણથી સર્વથા ગુણ-ગુણીનો ભેદ માનનાર નૈયાયિકોના મતનું ખંડન થયું.

પ્રદેશભેદ ન હોવા છતાં નામભેદ, લક્ષણભેદ, સંખ્યાભેદથી ગુણ-ગુણી વચ્ચે ભેદ છે. ગુણીને ગુણી કહેવો, ગુણને ગુણ કહેવો એમ નામભેદ છે. દ્રવ્યનું લક્ષણ-કે ગુણને ધારી રાખે તે દ્રવ્ય. એમ દ્રવ્યનું લક્ષણ દ્રવ્યના આશ્રયે અને ગુણનું લક્ષણ ગુણના આશ્રયે એમ લક્ષણભેદ છે તથા ગુણી એક અને ગુણો અનેક એમ સંખ્યા-ભેદ છે. એમ હોવા છતાં પણ પ્રદેશથી અભેદ છે એમ ન માનનાર-સર્વથા ભેદ માનનારનો મત જૂઠો છે એમ કહે છે.