જોયો અને જાણ્યો તેને લક્ષમાં લેતાં-ઉપાદેય કરતાં પર્યાયમાં જ્ઞાન સમ્યક્ થાય અને સાથે આનંદ પ્રકટ થાય. એને શુદ્ધ આત્મા જાણ્યો અને માન્યો કહેવાય.
પોતાનો ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યઘન દ્રવ્યસ્વભાવ તે ઉપાદેય છે. પરનો શુદ્ધ આત્મા ભલે હો, સિદ્ધાદિ ભલે હો, પણ તે પરદ્રવ્ય હોવાથી ઉપાદેય નથી. અને અહીં તો નિશ્ચયથી સ્વાનુભૂતિની પર્યાય, સંવર-નિર્જરાની પર્યાય અને મોક્ષની પર્યાય પણ પર્યાય હોવાથી હેય છે. અહાહા-! આવી અંતરની વાત છે, ત્યાં એને (પર) ભગવાન ઉપાદેય કેમ હોય? માટે આમાંથી સાર કાઢવાનો કે પોતાનો શુદ્ધ આત્મા એક જ ઉપાદેય છે.
પર્યાયમાં રાગ હોવા છતાં ભગવાન આત્મા તો પૂર્ણાનંદનો નાથ છે. પર્યાય તરફના વલણને-લક્ષને છોડીને એક સમયની પર્યાયથી પણ અધિક અને રાગની પર્યાયથી પણ અધિક (ભિન્ન) એવા આત્મ-ભગવાનનો આશ્રય કરવો એને ઉપાદેય કરવો એ એને નમસ્કાર છે. (પર) ભગવાનને નમસ્કાર કરવા એ તો વિકલ્પ છે- રાગ છે, એ કાંઈ ધર્મ નથી. પંચ પરમેષ્ઠીને નમસ્કાર કરવા ત્યાં પંચ પરમેષ્ઠી એ તો પરદ્રવ્ય છે. આકરી વાત છે. ભાઈ! ‘પરદવ્વાઓ દુગ્ગઈ.’ પરદ્રવ્યને નમસ્કાર કરવા તે ચૈતન્યની ગતિ નહિ; તે શુભ પરિણામ છે, વિભાવ છે. અરે! આવો વીતરાગનો માર્ગ લોકોએ સાંભળ્યો નથી.
અહીં કોઈ પ્રશ્ન કરે કે પહેલાં સ્વરૂપને મેળવવું પડે ને? એ પણ નહિ, એ પણ વિકલ્પ છે. વ્યવહારથી એ વાત આવે ખરી, પણ એ ખરી વસ્તુ નહિ. પર્યાય સીધો જ શુદ્ધ ચૈતન્યનો આધાર લે (પર્યાય દ્રવ્ય તરફ ઢળે) એ જ વસ્તુ છે.
અહીં જે શુદ્ધદ્રવ્ય ઉપાદેય કહ્યું તે પર્યાય સહિત ન માનવું. શુદ્ધજીવ જે ઉપાદેય છે તેની સાથે શુદ્ધ પર્યાયને ભેળવીને જે ઉપાદેય માને તે અશુદ્ધનય થયો. પ્રવચનસારમાં ૪૬ માં નયમાં લીધું છે કે માટીને પર્યાય સહિત જાણવી. તે માટીની ઉપાધિ છે, વ્યવહાર છે, મેચકપણું છે, મલિનતા છે. અને માટીને માટીરૂપ એકલી જાણવી તે શુદ્ધ છે, નિશ્ચય છે, નિરુપાધિ છે. તેમ ભગવાન આત્માને પર્યાયના ભેદ સહિત જાણવો તે ઉપાધિ છે, અશુદ્ધતા છે, મલિનતા છે; તે વ્યવહારનયનો વિષય છે અને આત્માને પર્યાયથી ભિન્ન એક શુદ્ધાત્મસ્વરૂપે જાણવો એ શુદ્ધ છે, નિશ્ચય છે, નિરુપાધિ છે.
સંસારી જીવ શુદ્ધ જીવનું (પરઅર્હંતાદિનું) લક્ષ કરે છે માટે સમ્યગ્જ્ઞાન છે એમ નથી. શુદ્ધ પોતે ત્રિકાળધ્રુવ છે તેને પર્યાયમાં સ્વીકારે ત્યારે સાચું જ્ઞાન અને સુખ થાય; ત્યારે તેને સમ્યક્દર્શન, સમ્યગ્જ્ઞાન અને શાંતિ થાય.