૪૯૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭
અહા! જૈનમાં પણ દયા, દાન, વ્રત, તપ, ભક્તિ, પૂજા ઇત્યાદિ બાહ્ય ક્રિયાકાંડ વડે ધર્મ માનનાર એકાંત વ્યવહારી અજ્ઞાની છે. વ્રત, તપ, ઉપવાસ આદિ કરતાં કરતાં ધર્મ પ્રગટી જશે એમ માનવાવાળા પણ એકાંત વ્યવહારી મિથ્યાદ્રષ્ટિ છે કેમકે તેઓ કદીય રાગથી ભિન્ન પડી આત્મદ્રષ્ટિ પામતા નથી. આવા એકાંત વ્યવહારધર્મોને અનુસરનારા બહારમાં ભલે ગમે તેવા મહાન (મહા મુનિરાજ) હો, મિથ્યાદ્રષ્ટિ દેવો પણ તેમની સેવા કરતા હોય તેવા મહાન હો, તોપણ એમાં પણ કાંઈક છે-એમ જ્ઞાનીને એમાં વાંછા થતી નથી કેમકે જ્ઞાની સ્વરૂપમાં નિઃશંક છે. આ પ્રમાણે જ્ઞાની નિઃકાંક્ષ છે; તેને સમસ્ત કર્મફળોની કે સર્વધર્મોની-વ્યવહારધર્મો સહિત સર્વધર્મોની-વાંછા હોતી નથી.
હવે કહે છે-‘આ રીતે સમ્યગ્દ્રષ્ટિ વાંછારહિત હોવાથી તેને વાંછાથી થતો બંધ નથી.’
અહા! ધર્મીને અંદરમાં એક જ્ઞાયકભાવમય નિજ આત્માનો સત્કાર થયો છે. અતીન્દ્રિય આનંદનો અનુભવ કર્યો છે ને? તેથી અંદરમાં તેને એક ચૈતન્યભાવનું જ સ્વાગત છે. શું કહ્યું? અનાદિથી રાગનું ને પર્યાયનું સ્વાગત હતું, પણ હવે જ્યાં પૂર્ણાનંદનો નાથ એક જ્ઞાયકભાવમય પ્રભુ આત્માનો અનુભવ થયો ત્યાં તેનું સ્વાગત થયું છે. હવે તે અતીન્દ્રિય આનંદની ભાવના છોડીને પરનું ને રાગનું સ્વાગત કેમ કરે? ન કરે. આચાર્ય કહે છે-આ રીતે ધર્મી વાંછારહિત થયો છે. માટે તેને વાંછાથી થતો બંધ નથી. લ્યો, આ અરિહંતદેવ શ્રી સીમંધરનાથની દિવ્યધ્વનિમાં પ્રગટ થયેલો ઢંઢેરો આચાર્ય શ્રી કુંદકુંદ જાહેર કરે છે. કહે છે-જ્ઞાની સમસ્ત કર્મફળો ને સર્વધર્મોની વાંછારહિત હોવાથી વાંછાથી થતો બંધ તેને નથી, તેને નિર્જરા જ છે.
પ્રશ્નઃ– આમાં બહાર તો કાંઈ કરવાનું આવ્યું નહિ?
સમાધાનઃ– અરે ભાઈ! બહારનું એ શું કરે? બહારમાં કયાં કોઈ ચીજ એની છે? આ શરીર, મન, વાણી ઇત્યાદિ જડ માટી-ધૂળ છે; તથા આ કરોડોના મકાન-મહેલ પણ જડ માટી-ધૂળ છે. એ બધાં અજીવ તત્ત્વ છે. વળી કુટુંબ-કબીલા પણ પરદ્રવ્ય છે. આમ છે તો પછી તેનું તે શું કરે? શું પરરૂપે-જડરૂપે એ થાય છે કે તે પરનું કરે? બાપુ! પરનું એ કાંઈ કરી શકતો જ નથી. માત્ર ‘કરું છું’-એમ અભિમાન કરે પણ એ તો મિથ્યાત્વ છે ભાઈ! અહીં કહે છે-રાગનું કરવું પણ સમકિતીને નથી. શું કહ્યું? કે રાગના કર્તાપણાની ભાવના-વાંછા જ્ઞાનીને નથી; વ્યવહારરત્નત્રયને કરવાની વાંછા જ્ઞાનીને નથી. ભાઈ! રાગ છે એ તો દુઃખ છે, વિભાવ છે. જેને નિર્મળ સ્વભાવની દ્રષ્ટિ થઈ છે તે વિભાવની ભાવના કેમ કરે? તે વિભાવનો કર્તા કેમ થાય? ન થાય. અરેરે! અનંતકાળથી તે જિનેશ્વર ભગવાનના કહેલા માર્ગે આવ્યો નથી અને રખડયા જ કરે છે!