સમયસાર ગાથા-૨૩૦ ] [ ૪૯૩ ઇન્દ્રના ભોગ આદિ બધું આપદા છે, દુઃખ છે એમ એને ભાસે છે. ઇન્દ્રાસનનાં સુખ પણ દુઃખ છે ભાઈ! તો ધર્મી દુઃખની ભાવના કેમ કરે? અહા! આવું જૈનપણું પ્રગટવું કોઈ અપૂર્વ ચીજ છે બાપા! લોકો તો સાધારણ એમ માની લે કે-અમે જૈન છીએ પણ બાપુ! જૈનપણું તો સ્વરૂપના આશ્રયે જે પરની વાંછાને જીતે છે તેને છે. સમજાણું કાંઈ...?
પ્રશ્નઃ– હા; પણ બીજા આ માનતા નથી, અને અમે તો આ માનીએ છીએ; માટે બીજાઓ કરતાં તો અમે સારા છીએ કે નહિ?
ઉત્તરઃ– અરે ભાઈ! બીજાની સાથે તારે શું સંબંધ છે? બીજા ગમે તે માને અને ગમે તે કરે; એની સાથે તને શું કામ છે? અહીં તો હું એક જ્ઞાયકસ્વભાવમય આત્મા છું- એમ અંતર્મુખાકાર થઈ અનુભવ કરે એનાથી કામ છે. આવો અનુભવ કરે એની બલિહારી છે. બાકી તારામાં અને બીજામાં કોઈ ફરક નથી.
અહીં જ્ઞાયકસ્વભાવની મુખ્યતા કેમ લીધી? કારણ કે પર્યાયમાં જ્ઞાનનો અંશ પ્રગટ છે તો (તે અંશ દ્વારા) આખો જ્ઞાયકભાવ આત્મા છે એમ દ્રષ્ટિ કરાવવા અહીં એક જ્ઞાયકભાવની મુખ્યતા લીધી છે. જ્યારે આનંદ તો જ્ઞાયકભાવની દ્રષ્ટિ થાય છે ત્યારે પ્રગટ થાય છે. (વર્તમાન નથી).
અહીં કહે છે-જેને આત્માનુભવ થયો છે તેને વસ્તુધર્મોની અર્થાત્ પુદ્ગલસ્વભાવોની વાંછા નથી-તેમના પ્રત્યે સમભાવ છે. કનક-પાષાણ પ્રતિ, કે નિંદા- પ્રશંસાના વચનો પ્રતિ કે જશ-અપજશ પ્રતિ જ્ઞાનીને સમભાવ છે. અહા! પુણ્ય-પાપ ને પુણ્ય-પાપના ફળો પ્રતિ જ્ઞાનીને સમભાવ છે, કેમકે એ સર્વને તે પુદ્ગલસ્વભાવો જાણે છે. જ્ઞાની તો એ સર્વ પ્રસંગમાં એક જ્ઞાતાભાવે રહે છે, પણ તેના પ્રતિ વાંછાભાવ કરતો નથી. લ્યો આવો મારગ બહુ ઝીણો બાપા! અરે ભાઈ! અનંતકાળથી તું ચારગતિના પરિભ્રમણથી હેરાન હેરાન થઈ રહ્યો છો તો આચાર્યદેવ અહીં કરુણા કરીને તારાં દુઃખ ટાળવાનો ઉપાય બતાવે છે. (માટે સાવધાન થા).
વળી વિશેષ કહે છે કે-‘અથવા તો અન્યમતીઓએ માનેલા અનેક પ્રકારના સર્વથા એકાંતપક્ષી વ્યવહારધર્મોની તેને વાંછા નથી-તે ધર્મોનો આદર નથી.
શું કહ્યું? કે અનેક પ્રકારે અજ્ઞાનીઓએ પુણ્યકર્મ આદિ વ્યવહારકાર્યોમાં ધર્મ માન્યો છે. કોઈ ઇશ્વરની ભક્તિ વડે ધર્મ માને છે તો કોઈ દયા, દાન આદિ ક્રિયાઓમાં ધર્મ માને છે. અહીં કહે છે-એવા એકાંતધર્મી અજ્ઞાનીઓના વ્યવહારધર્મોની જ્ઞાનીને વાંછા નથી. અહા! ઇશ્વરની ભક્તિ કરનારા કોઈ મોટા રાજા-મહારાજા હોય કે અબજો દ્રવ્યના સ્વામી હોય તો, આવા મોટા લોકો ઇશ્વરના ભક્ત છે માટે એમાં કાંઈ માલ હશે-એમ જ્ઞાનીને એમાં વાંછા નથી; કેમ? કેમકે તે સ્વરૂપમાં નિઃશંક છે.