પ૦૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭
‘કારણ કે સમ્યગ્દ્રષ્ટિ, ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવમયપણાને લીધે.......’ અહા! છઠ્ઠી ગાથામાં આવ્યું ને? કે ‘હું એક જ્ઞાયકભાવ છું.’ તો ધર્મીની દ્રષ્ટિ એક જ્ઞાયકભાવ ઉપર છે; પ્રમત્ત-અપ્રમત્તની દ્રષ્ટિ-પર્યાયદ્રષ્ટિ તેને ઉડી ગઈ છે. અહા! મારગ બહુ ઝીણો બાપા! ઓલા રૂપિયા મળી ગયા એવું આ નથી. રૂપિયા તો પુણ્યનો ઉદય હોય તો મહાપાપીને પણ મળે છે.
પ્રશ્નઃ– આપ વારંવાર તો એમ કહો છો કે રૂપિયા કોઈને (આત્માને) મળતા નથી?
સમાધાનઃ– હા, નિશ્ચયથી એમ જ છે; કોઈને મળતા નથી. પણ પૈસા તેની પાસે (ક્ષેત્રે નિકટ) આવે છે ત્યારે (અજ્ઞાનીને) તેની મમતા મળે છે ને? તેથી, પૈસા મળ્યા એમ કથનમાત્ર કહેવાય છે. બાકી એમ છે નહિ. તે કયાં એના દ્રવ્ય-ગુણ-પર્યાયમાં આવે છે?
અહા! અમેરિકામાં એક જણને દોઢ માઈલમાં જનાવરોને કાપવાનું કારખાનું છે, અને છતાં તે મોટો ધનાઢય છે. જ્યારે બીજી બાજુ કોઈ ધર્માત્મા મહામુનિ સંત હોય તેને ઘાણીમાં પીલે. અહા! આ જગતના ખેલ-તમાશા તો જુઓ! અરે! જગત હણાઈ રહ્યું છે. અહા! આવા પ્રસંગમાં આમ કેમ?-એમ ધર્મીને મુંઝવણ નામ મૂઢતા નથી; એને તો સમભાવ છે, અમૂઢદ્રષ્ટિ છે-એમ કહે છે. જુઓ છે અંદર? કે-‘બધાય ભાવોમાં મોહનો (તેને) અભાવ હોવાથી અમૂઢદ્રષ્ટિ છે.’ અહા! તે મુંઝાતો નથી કે આ શું? અમને- આત્માના આરાધકોને-અહા! આ લોકો શું કરે છે?-એમ મુંઝાતો નથી.
અહા! મિથ્યાદ્રષ્ટિઓના મોટા હાથીએ સત્કાર થતા હોય, સ્વાગત થતાં હોય જ્યારે કોઈ ધર્માત્માનો લોકો અનાદર કરતા હોય તો તેવે પ્રસંગે-આ શું?-એમ જ્ઞાની મુંઝાતો નથી. કેમ? કેમકે એ તો બધી જે તે કાળે થવાયોગ્ય જડની સ્થિતિ છે-એમ જ્ઞાની જાણે છે. અહા! એવું બને કે ધર્મીને સગવડતાનો અભાવ હોય ને પાપીને સગવડતાનો પાર ન હોય તો, આમ કેમ?-એમ જ્ઞાની મુંઝાતો નથી; કેમકે પોતે સ્વસ્વરૂપમાં નિઃશંક છે. હું એક જ્ઞાયકભાવ જ છું અને આ તો બધી જડની સ્થિતિ એ એમ જ્ઞાની નિઃશંક છે.
શ્રી નિયમસારમાં (ગાથા ૧૮૬ માં) આચાર્ય કુંદકુંદ ભગવાને ન કહ્યું? કે હે ભાઈ! તું વીતરાગસ્વરૂપની દ્રષ્ટિવાળો ધર્માત્મા છો; અને તારી કોઈ નિંદા કરે તો માર્ગ પ્રતિ અભક્તિ ન કરીશ. અરે! આવી ચીજમાં હું છું અને આ લોકો શું કહે છે? -એમ મુંઝાઈશ નહિ. એ તો શીખામણનો અર્થ એમ છે કે જ્ઞાની મુંઝાતો નથી, મુઢપણે પરિણમતો નથી. સમજાણું કાંઈ...?