એટલે પર્યાયગત હીનાધિકપણાનું લક્ષ છોડીને અને ધ્રુવ જ્ઞાયકભાવ એકનું લક્ષ કરીને-અનુભવ કરતાં અનિયતપણું જૂઠું છે, હીનાધિકપણું કાંઈ નથી; માત્ર ધ્રુવ, ધ્રુવ વસ્તુનો અનુભવ છે. એ સમ્યગ્દર્શન છે, ધર્મ છે. સ્વભાવની સમીપ જઈને અનુભવ કરવો કહો, મુખ્યનો અનુભવ કરવો કહો કે અધિક સ્વભાવનો અનુભવ કરવો કહો- એ બધું એકાર્થવાચક છે. સમયસાર ગાથા ૩૧ માં ઇન્દ્રિયોથી અધિક (ભિન્ન) આત્મસ્વભાવનો અનુભવ કરવાનું કહ્યું, ગાથા ૧૧ માં ત્રિકાળ સ્વભાવને મુખ્ય કરીને એનો અનુભવ કરવાનું કહ્યું અને અહીં સ્વભાવની સમીપ જઈને અનુભવ કરવાનું કહ્યું. એ ત્રણેય એકાર્થવાચી છે.
ત્રિકાળી જ્ઞાયકભાવ પર્યાયથી અધિક છે. એટલે પર્યાયથી ભિન્ન છે. એવા જ્ઞાયકભાવની સમીપ જઈને તેમાં જ દ્રષ્ટિ કરતાં પર્યાય લક્ષમાં રહી નહીં અર્થાત્ અનુભવમાં આવી નહીં માટે અનિયતપણું અસત્યાર્થ થઈ ગયું. પર્યાયમાં હીનાધિકતા થાય છે એ અપેક્ષાએ અવસ્થાવિશેષ આત્માની અંદર છે, બીજા પદાર્થમાં-જડમાં નથી. પણ તે અંતર્મુખ વસ્તુમાં દ્રષ્ટિ કરવાથી હીનાધિકપણું અસત્યાર્થ થઈ જાય છે. આમ મુખ્ય-ગૌણની વાત છે.
ભાઈ! લક્ષ્મી-પૈસો એ તો પૂર્વનાં પુણ્ય હોય તો ઢગલા થઈ જાય છે, એમાં કોઈ પુરુષાર્થ કરવો પડતો નથી. તથા મહેનતથી એ મળે છે એમ નથી. જ્યારે ધર્મ તો પુરુષાર્થથી પ્રાપ્ત થાય છે. ધર્મ પ્રાપ્ત કરવા માટે પોતે પુરુષાર્થ કરવો જોઈએ.
ચોથો બોલઃ– જેમ સુવર્ણનો, ચીકણાપણું, પીળાપણું, ભારેપણું આદિ ગુણરૂપ ભેદોથી અનુભવ કરતાં વિશેષપણું ભૂતાર્થ છે-સત્યાર્થ છે. સોનામાં પીળાશ, ચીકાશ, વજન આદિ છે ને? ભેદદ્રષ્ટિથી જોતાં સુવર્ણમાં એ પીળાશ, ચીકાશ, વજન આદિ છે એ સત્યાર્થ છે, તોપણ જેમાં સર્વ વિશેષો વિલય થઈ ગયા છે એવા સુવર્ણસ્વભાવની સમીપ જઈને અનુભવ કરતાં વિશેષપણું અભૂતાર્થ છે, અસત્યાર્થ છે. સુવર્ણ, સુવર્ણ, સુવર્ણ એમ એકલા સુવર્ણની જ દ્રષ્ટિ કરતાં શું ચીકાશ, પીળાશ, આદિ દેખાય છે? એકરૂપ સામાન્ય સુવર્ણની દ્રષ્ટિમાં ચીકાશાદિ સર્વ વિશેષો વિલય થઈ જાય છે. દ્રષ્ટિમાં એકલું સામાન્ય સુવર્ણ આવ્યું ત્યાં પીળાશાદિ ભેદો અસ્ત થઈ જાય છે, એ ભેદો દ્રષ્ટિમાંથી છૂટી જાય છે. આ દ્રષ્ટાંત થયું.
સિદ્ધાંતઃ– એવી રીતે આત્માનો, જ્ઞાન, દર્શન આદિ ગુણરૂપ ભેદોથી અનુભવ કરતાં વિશેષપણું ભૂતાર્થ છે.-સત્યાર્થ છે. શું કહે છે? જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિ ગુણરૂપ ભેદોથી જોતાં આવું વિશેષપણું આત્મામાં છે. પુદ્ગલાદિ બીજા કોઈ દ્રવ્યમાં એવા ભેદો નથી એ અપેક્ષાએ સત્યાર્થ છે. (પરમાણુ આદિમાં જ્ઞાન, દર્શન નથી) તોપણ જેમાં