ઓટ એમ વૃદ્ધિ અને હાનિના પ્રકારો સમુદ્રમાં થાય છે એ સત્ય છે. પૂનમના દિવસે સમુદ્રમાં ભરતી આવે છે. સમુદ્ર અને ચંદ્રને એવો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે. આમ- વર્તમાન ભેદદ્રષ્ટિથી જોતાં વૃદ્ધિ-હાનિ સત્યાર્થ છે, તોપણ નિત્યસ્થિર એવા સમુદ્રસ્વભાવની સમીપ જઈને અનુભવ કરતાં અનિયતપણું અભૂતાર્થ છે, અસત્યાર્થ છે. વૃદ્ધિ-હાનિને ગૌણ કરીને નિત્ય-સ્થિર સમુદ્રસ્વભાવને જોતાં અનિયતપણું જૂઠું છે. સમુદ્રનું મધ્યબિંદું જ્યાં છે ત્યાં એકરૂપ સ્થિર સ્વભાવે સમુદ્ર છે. એ નિત્ય-સ્થિર સ્વભાવમાં વૃદ્ધિ-હાનિ છે નહીં. આ દ્રષ્ટાંત થયું.
સિદ્ધાંતઃ– એવી રીતે આત્માને, વૃદ્ધિ-હાનિરૂપ પર્યાયભેદોથી જોવામાં આવે તો અનિયતપણું-ઓછું-અધિકપણું છે. જ્ઞાનની પર્યાયમાં ઓછું, અધિક જ્ઞાન થાય છે. કોઈવાર નવપૂર્વની લબ્ધિ પ્રગટે એવી જ્ઞાનની પર્યાય થાય છે તો વળી કોઈવાર અક્ષરના અનંતમા ભાગે પર્યાયમાં ઉઘાડ દેખાય છે. ડુંગળી, લસણ, મૂળા આદિ કંદમૂળમાં નિગોદના જીવો છે. એક રાઈ જેટલી કટકીમાં અસંખ્યાત શરીર છે. એક એક શરીરમાં આજ સુધી જેટલા સિદ્ધ થયા એના કરતાં અનંતગુણા જીવ છે. છ માસ અને આઠ સમયમાં ૬૦૮ જીવ મોક્ષે જાય છે. એમ આજસુધી અનંતકાળમાં અનંત જીવો સિદ્ધ થયા છે. એ અનંત સિદ્ધોથી અનંતગુણા નિગોદ જીવ છે. નિગોદના જીવોની પર્યાયમાં અક્ષરના અનંતમા ભાગનો વિકાસ છે. તેમાંથી કોઈ જીવ બહાર નીકળી મનુષ્ય થઈ દ્રવ્યલિંગી સાધુ થાય અને પર્યાયમાં નવપૂર્વની લબ્ધિ પ્રગટ પણ કરે. આમ આત્માને વૃદ્ધિ-હાનિરૂપ પર્યાયભેદોથી જોતાં અનિયતપણું સત્યાર્થ છે. વ્યવહારનયથી પર્યાયમાં વૃદ્ધિ-હાનિ છે એ સત્ય છે.
તોપણ નિત્ય-સ્થિર (નિશ્ચલ), ઉત્પાદ-વ્યયરહિત ધ્રુવ આત્મસ્વભાવની સમીપ જઈને અનુભવ કરતાં અનિયતપણું અભૂતાર્થ છે. આત્મસ્વભાવમાં વૃદ્ધિ-હાનિ નથી, ઉત્પાદ-વ્યયમાં વૃદ્ધિ-હાનિ ભલે હો. પર્યાયમાં કેવલજ્ઞાન થાય તોપણ ધ્રુવસ્વભાવમાં કાંઈ ઓછપ ન આવે અને નિગોદમાં અક્ષરના અનંતમા ભાગે ક્ષયોપશમ થઈ જાય એટલે નિત્ય-સ્વભાવ, ધ્રુવસ્વભાવમાં કાંઈ વધી જાય એમ નથી. પર્યાયમાં હીનાધિકતા હો, વસ્તુ તો જેવી છે તેવી ધ્રુવ ધ્રુવ ધ્રુવસ્વભાવ જ રહે છે.
અહાહા...! વિષય તો એ ચાલે છે કે આત્માની જ્ઞાન, દર્શન, વીર્ય આદિની પર્યાયમાં એકપણું નથી, વૃદ્ધિ-હાનિ થાય છે. પર્યાયના લક્ષે જોતાં એ વૃદ્ધિ-હાનિ સત્યાર્થ છે. સત્યાર્થનો અર્થ ‘છે.’ હવે પર્યાયના લક્ષે ત્રિકાળી આત્મા અનુભવમાં આવતો નથી, દૂર રહે છે. તથા આત્માનાં સમ્યક્ શ્રદ્ધાન-જ્ઞાન તો ત્રિકાળી શુદ્ધ જ્ઞાયકભાવનો અનુભવ કરતાં થાય છે. તેથી ધ્રુવ, નિશ્ચલ નિત્યાનંદસ્વભાવ ભગવાન આત્માની સમીપ જઈને-