પ૧૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭
અહાહા...! ભગવાન! તું સિદ્ધ સમાન છો. પર્યાયે સિદ્ધપણું નથી પણ દ્રવ્યસ્વભાવે તું સિદ્ધ સમાન છો, સિદ્ધસ્વરૂપ જ છો. જો ન હોય તો પર્યાયમાં સિદ્ધત્વ આવે કયાંથી? છે એમાંથી આવે છે; માટે તું સિદ્ધસ્વરૂપ જ છો. આવા પોતાના સ્વરૂપમાં એકાગ્રતા- લીનતા-સ્થિરતા કરતો થકો સમકિતી ક્ષણે ક્ષણે પોતાની જે અનંત શક્તિઓ છે તેની શુદ્ધિની વૃદ્ધિ કરે છે અને તે નિર્જરા છે. સંવરમાં શક્તિની અંશે નિર્મળતા પ્રગટ થઈ હતી ને હવે અંતર્લીનતા-અંતર-રમણતા વડે શક્તિની શુદ્ધિની વૃદ્ધિ કરે છે. આવો મારગ છે! લોકોને આકરો પડે છે પણ શું થાય?
અહા! ‘સમસ્ત આત્મશક્તિઓની...’ અહા! શું ભાષા છે? આચાર્યની વાણી ખૂબ ગંભીર બાપા! અહા! દિગંબર સંતો! ને તેમાંય વળી કુંદકુંદાચાર્ય ને અમૃતચંદ્રાચાર્ય! અહા! કહે છે-એક જ્ઞાયકભાવમયપણાને લીધે સમસ્ત આત્મશક્તિઓની વૃદ્ધિ કરતો હોવાથી...’
એટલે સર્વગુણાંશ તે સમ્યક્ત્વ એમ ને? એ તો સમકિતની વાત છે, જ્યારે અહીં તો વૃદ્ધિની વાત છે. નિર્જરા અધિકાર છે ને? તેને સમકિત તો થયું છે. એ તો અહીં કહ્યું ને? કે ‘સમ્યગ્દ્રષ્ટિ, એક જ્ઞાયકભાવમયપણાને લીધે...’; મતલબ સમ્યગ્દ્રષ્ટિ થયો છે ને એટલી શુદ્ધતા તો છે, પણ હવે શક્તિઓની શુદ્ધતાની પર્યાયમાં વૃદ્ધિ કરે છે એમ કહેવું છે. અહા! સ્વ-આત્માની અનંત શક્તિઓ છે. તો જેટલી અનંત ગુણરૂપ શક્તિઓ છે તેની પ્રગટ શુદ્ધતાની વૃદ્ધિ કરે છે એમ વાત છે. વસ્તુ સાથે એકપણાની દ્રષ્ટિ તો થઈ છે, હવે તેમાં જ રમવારૂપ- ચરવારૂપ-લીનતારૂપ-સ્થિરતારૂપ એકાગ્રતા કરીને પ્રગટ શુદ્ધતામાં વૃદ્ધિ કરે છે એમ કહે છે. બાપુ! આ તો કુંદકુંદની વાણી! ઓલું કવિ વૃન્દાવનજીનું આવે છે ને? કે-‘હુએ ન હૈ ન હોંહિંગે...’ -અહા! શ્રી કુંદકુંદાચાર્ય જેવા કોઈ છે થયા નથી, અને થશે નહિ. અહા! તેની આ વાણી છે. જુઓ તો ખરા! કેટલું ભર્યું છે!
ભગવાન! સમ્યગ્દ્રષ્ટિ એટલે? જે એક જ્ઞાયકભાવનો સ્વામી થયો છે અને જેની અનંત શક્તિઓ નિર્મળપણે પ્રગટી છે તે સમ્યગ્દ્રષ્ટિ છે. ‘સર્વગુણાંશ તે સમ્યક્ત્વ’ એમ શ્રીમદે કહ્યું છે ને? તો સર્વગુણાંશ એટલે શું? એટલે કે જે અનંત શક્તિઓ છે તેની અંશે વ્યક્તતા સમ્યગ્દર્શન થતાં થઈ જાય છે. પણ અહીં તો તે શક્તિઓની અંતર-એકાગ્રતા વડે વૃદ્ધિ થવાની વાત છે. અહા! ધર્મની આવી વાત બીજે કયાંય છે નહિ. અજ્ઞાનીને બિચારાને ઝીણું પડે એટલે બીજે (-દયા, દાન, ભક્તિ આદિમાં) ધર્મ માની લે છે.
અહા! ‘સમ્યગ્દ્રષ્ટિ, એક જ્ઞાયકભાવપણાને લીધે સમસ્ત આત્મશક્તિઓની વૃદ્ધિ કરતો હોવાથી, ઉપબૃંહક અર્થાત્ આત્મશક્તિનો વધારનાર છે.’