સમયસાર ગાથા-૨૩૩ ] [ પ૧૧
‘કારણ કે સમ્યગ્દ્રષ્ટિ, ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવમયપણાને લીધે...’ શું કહે છે? કે જેને પૂર્ણાનંદસ્વરૂપ શુદ્ધ ચૈતન્યમૂર્તિ પ્રભુ આત્માનો અનુભવ થયો છે, અંદર અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવ્યો છે તે સમ્યગ્દ્રષ્ટિ છે. તેની દ્રષ્ટિમાં સદા એક જ્ઞાયકસ્વભાવમય આત્મા છે. અહા! નિમિત્ત, રાગ કે પર્યાય ઉપરથી જેની દ્રષ્ટિ ઉડી ગઈ છે ને એક જ્ઞાયકસ્વભાવમય આત્મા પર સ્થાપિત થઈ છે તે ધર્મી સમ્યગ્દ્રષ્ટિ છે. સમજાણું કાંઈ...?
હવે કહે છે-‘એક જ્ઞાયકભાવમયપણાને લીધે સમસ્ત આત્મશક્તિઓની વૃદ્ધિ કરતો હોવાથી...’
અહા! કોણ? કે સમ્યગ્દ્રષ્ટિ; સમ્યગ્દ્રષ્ટિ, દ્રષ્ટિમાં એક જ્ઞાયકભાવ હોવાથી, સમસ્ત આત્મશક્તિઓની વૃદ્ધિ કરે છે. અહો! આચાર્યદેવે ગજબ વાત કરી છે! ‘सिद्धभत्तिजुतो’ - એમ છે ને પાઠમાં? સિદ્ધભક્તિ એટલે? એટલે કે સદા સિદ્ધસ્વરૂપ એવા આત્માની અંતર-એકાગ્રતા. શુદ્ધ આત્માની એકાગ્રતારૂપ સિદ્ધભક્તિ છે. શું કહ્યું? કે ભગવાન આત્મા પૂરણ જ્ઞાન, પૂરણ આનંદ, પૂરણ શાંતિ, પૂરણ સ્વચ્છતા એમ અનંત પૂરણ સ્વભાવોથી ભરેલો એવો શુદ્ધ સિદ્ધ પરમેશ્વર છે. આવા પોતાના સિદ્ધ પરમેશ્વરની-સિદ્ધ ભગવાન નહિ હોં-અંતર-એકાગ્રતા તે સિદ્ધભક્તિ છે. અહા! આ તો ભાષા જ જુદી જાતની છે ભાઈ!
અહા! સમકિતી સિદ્ધભક્તિ કરે છે. કેવી છે તે સિદ્ધભક્તિ? તો કહે છે- પોતે અંદર શુદ્ધ ચૈતન્યમય સિદ્ધસ્વરૂપ પરમાત્મા છે તેનું ભજન કરે છે, તેનું અનુભવન કરે છે અને તે પરમાર્થે સિદ્ધભક્તિ છે. આ (પર) સિદ્ધ ભગવાનની ભક્તિ તે સિદ્ધભક્તિ-એમ નહિ, કેમકે એ તો વિકલ્પ છે, વ્યવહાર છે.
જુઓ, બધે (અગાઉની ગાથાઓમાં) ‘चेदा’-‘ચેતયિતા’-એમ આવ્યું હતું. જ્યારે અહીં તો સીધું ‘सिद्धभत्तिजुत्तो’–એમ લીધું છે. ‘चेदा’–ચેતયિતા એક જ્ઞાયકભાવમય છે. અને સમકિતી પોતાનું સ્વરૂપ જે શુદ્ધ ચૈતન્યમય, એક જ્ઞાયકભાવમય છે તેમાં એકાગ્રતાયુક્ત છે અને તે સિદ્ધભક્તિ છે. આ પરદ્રવ્ય જે સિદ્ધ એની ભક્તિની વાત નથી. એ તો વ્યવહાર છે. આ તો પોતાની સ્વવસ્તુ જે એક જ્ઞાયકભાવમય પ્રભુ આત્મા છે તેમાં એકાગ્ર થઈને રહેવું-ઠરવું-લીન થઈ જવું એને અહીં સિદ્ધભક્તિ કહે છે. સમજાય છે કાંઈ...? અહો! આ તો શુદ્ધિની વૃદ્ધિનું અદ્ભુત માંગલિક કીધું છે!
કહે છે-ભગવાન! તું સિદ્ધ સમાન છો ને? આવે છે ને? કે-