Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2427 of 4199

 

પ૧૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭ -આનંદ-આનંદ-આનંદ-અનાકુળ આનંદ વધી જવાને કારણે સમકિતીને દુર્બળતાથી થતો બંધ થતો નથી પણ જે દુર્બળતા છે તે નાશ પામી જાય છે. અહા! જ્યાં સબળતા પ્રગટી ત્યાં દુર્બળતા નામ અશુદ્ધતા નાશ પામી જાય છે અને તેથી તેને બંધ થતો નથી, પણ નિર્જરા જ થાય છે. અહા! આવો અલૌકિક મારગ! બાપુ! જેના ફળમાં અનંત આનંદ આવે, અહાહા...! સાદિ અનંત અનંત સમાધિ-સુખમય મોક્ષદશા પ્રગટે તે ઉપાય પણ અલૌકિક જ હોય ને! આવે છે ને કે-

“સાદિ અનંત અનંત સમાધિ સુખમાં,
અનંત દર્શન જ્ઞાન અનંત સહિત જો...”

અહો! મારગ ને મારગનું ફળ પરમ અલૌકિક છે! ભગવાન! તને તારા અંતઃતત્ત્વના મહિમાની ખબર નથી. અહા! જેમ સુવર્ણને કાટ લાગે નહિ તેમ કર્મ તો શું અશુદ્ધતાય જેને અડતી નથી એવો ચૈતન્યમૂર્તિ એક જ્ઞાયકભાવરૂપ પ્રભુ અંદર આત્મા છે. તેની જેને અંતર્દ્રષ્ટિ થઈ તેને સમકિત ને અતીન્દ્રિય આનંદ પ્રગટ થાય છે. વળી તેમાં જ અંતર-એકાગ્રતાનો અભ્યાસ કરતાં એવી સિદ્ધભક્તિ વા આત્મભક્તિ પ્રગટ થાય છે. અહા! આત્મશક્તિ એવી વૃદ્ધિગત થાય છે કે તેમાં દુર્બળતા વા અશુદ્ધતા ક્રમે કરીને નાશ પામી જાય છે અને તેથી તેને દુર્બળતાકૃત બંધ થતો નથી પણ નિર્જરા જ થાય છે. લ્યો, આનું નામ નિર્જરા ને ધર્મ છે અને આ સિદ્ધભક્તિ છે. કોણ સિદ્ધ? પોતે અંદર સ્વભગવાન છે તે.

* ગાથા ૨૩૩ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

‘સમ્યગ્દ્રષ્ટિ ઉપગૂહનગુણ સહિત છે. ઉપગૂહન એટલે ગોપવવું તે અહીં નિશ્ચયનયને પ્રધાન કરીને કહ્યું છે કે સમ્યગ્દ્રષ્ટિએ પોતાનો ઉપયોગ સિદ્ધભક્તિમાં જોડેલો છે,...’

જુઓ, પાઠમાં ઉપગૂહન છે ને? તો પાછું અહીં ‘ઉપગૂહન’ લીધું છે. ટીકામાં ઉપબૃંહક લીધું’તું, અહીં ઉપગૂહન કહે છે. તો કહે છે-સમ્યગ્દ્રષ્ટિ ઉપગૂહનગુણ સહિત છે. ઉપગૂહન એટલે ગોપવવું તે.

વળી કહે છે-સમ્યગ્દ્રષ્ટિએ પોતાનો ઉપયોગ સિદ્ધભક્તિમાં જોડયો છે. એટલે શું? એટલે કે પોતે અંદર, ભગવાન સિદ્ધની જેમ સ્વભાવે ત્રિકાળ સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન છે તેમાં જ્ઞાનીએ પોતાના ઉપયોગને જોડયો છે. અહા! ધર્મીએ પોતાની પરિણતિનો વેપાર અંદર ભગવાન ચૈતન્યદેવ સાથે જોડયો છે. આનું નામ ધર્મ છે અને નિશ્ચયથી આનું નામ ભક્તિ છે. અજ્ઞાનીએ તો બે-પાંચ મંદિરો બંધાવવાં, જિનબિંબની પ્રતિષ્ઠા કરવી-કરાવવી અને તેની પૂજા-ભક્તિ-જાત્રા આદિ કરવાં-એમાં ધર્મ માન્યો છે. પણ એમાં તો ધૂળેય ધર્મ નથી સાંભળને એ તો ધર્મીને અશુભથી બચવા એવો શુભભાવ આવે છે,