સમયસાર ગાથા-૨૩૩ ] [ પ૧પ પણ તે કાંઈ ધર્મ નથી, વા ધર્મનું કારણ પણ નથી. ધર્મનું કારણ તો એક જ્ઞાયકભાવમયપણું છે. જુઓને! દરેકમાં લીધું છે કે નહિ? કે ‘એક જ્ઞાયકભાવમયપણાને લીધે...’; બાપુ! આ તો સર્વજ્ઞના દરબારની વાતુ! એક જ્ઞાયકભાવની એકાગ્રતા જ ધર્મ ને ધર્મનું કારણ છે.
હવે કહે છે-‘અને જ્યાં ઉપયોગ સિદ્ધભક્તિમાં જોડયો ત્યાં અન્ય ધર્મો પર દ્રષ્ટિ જ ન રહી તેથી તે સર્વ અન્ય ધર્મોનો ગોપવનાર છે અને આત્મશક્તિનો વધારનાર છે.’
જુઓ, આ શું કહ્યું? કે ઉપયોગ જ્યાં સિદ્ધભક્તિમાં એટલે કે શુદ્ધ ચૈતન્યસ્વરૂપ નિજ પરમાત્માની ભક્તિમાં જોડયો ત્યાં અન્યધર્મો પર દ્રષ્ટિ જ ન રહી. અહાહા...! કહે છે-સમકિતીને અંતર-એકાગ્ર થતાં નિમિત્ત ને રાગ ને પર્યાય ઇત્યાદિ અન્ય ધર્મો પર દ્રષ્ટિ જ ન રહી. જુઓ આ વાણી! અહા! દેવાધિદેવ અરિહંત પરમાત્મા કે જેની સભામાં ગણધરો, મહામુનિવરો ને એકભવતારી ઇન્દ્રો આવી વિનમ્ર થઈ વાણી સાંભળવા બેઠા હોય તે સભામાં ભગવાનની વાણીમાં કેવી વાતુ આવે! શું દયા પાળો, ને વ્રત કરો ને ભક્તિ કરો ઇત્યાદિ રાગ કરવાની વાતુ આવે? અરે ભાઈ! એવી વાત તો કુંભારેય (અજ્ઞાનીય) કરે છે. બાપુ! વીતરાગની વાણીમાં તો અંતર-પુરુષાર્થની વાત છે કે- ત્રણલોકનો નાથ વીતરાગસ્વરૂપી અંદર તું પોતે જ પરમાત્મા છો; તો ત્યાં દ્રષ્ટિ કર ને ઉપયોગને તેમાં જોડી દે; અહા! તેથી તારા પાપનો-અશુદ્ધતાનો નાશ થઈ જશે. લ્યો, આવી વાત! આ નિર્જરાની વાત છે ને?
અહા! ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ અંદર અનંતગુણનો ઢગલો છે. શું કહ્યું? જ્ઞાન, દર્શન, સુખ, પ્રભુતા, સ્વચ્છતા આદિ અનંતગુણનો ઢગલો પ્રભુ આત્મા છે. તે શરીરપ્રમાણ (અવગાહના) છે માટે નાનો છે એમ માપ ન કર. ભાઈ! તે તો અનંતગુણના માપવાળું મહાન્ ચૈતન્યતત્ત્વ છે. હવે આવા મહાન્ નિજ તત્ત્વને જાણવા રોકાય નહિ ને આખો દિ’ વેપાર-ધંધામાં રોકાયેલો રહે ને વળી એમાં જો પાંચ-પચાસ કરોડ ધૂળ થઈ જાય તો માને કે અમે વધી ગયા. અરે! ધૂળમાંય વધ્યા નથી સાંભળને. એ બધું કયાં તારામાં છે? અહીં તો સમકિતી જેને અનંતગુણ અંશે પ્રગટ થયા છે તે ઉપયોગને પોતાના શુદ્ધ ચૈતન્યતત્ત્વમાં જોડે છે તો અનંત ગુણની વૃદ્ધિ થાય છે અને તે વૃદ્ધિ છે એમ કહે છે.
અહાહા...! કહે છે-ઉપયોગને જ્યાં સિદ્ધભક્તિમાં જોડયો ત્યાં અન્ય ધર્મો ઉપર દ્રષ્ટિ જ ન રહી. ભારે વાત ભાઈ! ઉપયોગ જ્યાં અંદર વસ્તુમાં જોડાયો ત્યાં દ્રષ્ટિ અન્ય ધર્મો કહેતાં વ્રત, તપ આદિ રાગ ઉપર કે દેવ-ગુરુ આદિ નિમિત્ત ઉપર કે વર્તમાન પર્યાય ઉપર ન રહી. તેથી તે અન્ય ધર્મોનો ગોપવનાર છે એમ કહે છે. ભાઈ! ભગવાન જિનેશ્વરદેવના મારગ બહુ જુદા છે.