પ૧૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭
પ્રશ્નઃ– તો આ બધાં મંદિર, સ્વાધ્યાય ભવન આદિ શા સારું બનાવ્યાં છે? ઉત્તરઃ– ભાઈ! એ મંદિરાદિને કોણ બનાવે? એ તો બધાં જડ પરદ્રવ્ય છે. એની રચના તો એના કારણે એના કાળે થઈ છે; તેમાં આ જીવનું કાંઈ કર્તવ્ય નથી. જડની પર્યાય જડ પરમાણુઓથી થઈ એમાં જીવનું કાંઈ કર્તવ્ય નથી. તથાપિ ધર્મી જીવને મંદિર આદિ બનાવવાનો ને ભક્તિ-પૂજા કરવાનો રાગ આવે છે. તે પુણ્યભાવ છે પણ ધર્મ નથી. એવો પુણ્યભાવ ધર્મીને જરૂર આવે છે; તેનો કોઈ ઈન્કાર કરે કે-આ મંદિર, જિનપ્રતિમા, ભક્તિ-પૂજા આદિ કાંઈ છે નહિ તો તે જૂઠો છે, અને તે વડે કોઈ ધર્મ માની લે તો તે પણ જૂઠો, મિથ્યાવાદી છે. સમજાણું કાંઈ...? ણભાઈ! લાખ મંદિર બનાવે ને કોઈ લાખ કરોડો રૂપિયા ખર્ચ કરે તોય ધર્મ થઈ જાય એમ છે નહિ. આવું જ વસ્તુસ્વરૂપ છે.
હા, પણ પ્રભાવના તો કરવી જોઈએ ને? સમાધાનઃ– અરે ભાઈ! પ્રભાવના તો બહારમાં હોય કે અંદર આત્મામાં? ‘પ્ર’ નામ પ્રકૃષ્ટ ને ભાવના નામ આત્મભાવના. આત્મભાવના પ્રકૃષ્ટ થવી-વધવી એનું નામ પ્રભાવના છે. અહા! અંદર અનંતગુણનો ખજાનો પ્રભુ આત્મા છે. તેનો પ્રગટ અંશ પૂર્ણતા ભણી વૃદ્ધિ પામે તે પ્રભાવના છે. બાકી બહારમાં તો પ્રભાવનાનો શુભભાવ હોય છે ને તે પુણ્યબંધનું કારણ છે. ધર્મીના તે ભાવને વ્યવહાર પ્રભાવના કહે છે બાકી અજ્ઞાનીને તો નિશ્ચયેય નથી ને વ્યવહારેય નથી, -સમજાણું કાંઈ...?
અહાહા...! કહે છે-ધર્મીને અન્ય ધર્મો પર દ્રષ્ટિ જ ન રહી. ‘અન્ય ધર્મો’ એટલે કે વ્રત, તપ, ભક્તિ, પૂજાનો રાગ હો કે દેવ-ગુરુ-શાસ્ત્ર આદિ સંયોગી ચીજ હો-એ સર્વ અન્ય પદાર્થો પરથી ધર્મીની દ્રષ્ટિ જ ઊઠી ગઈ છે અને તેથી અન્ય ધર્મોનો ગોપવનાર છે. અહા! અન્ય ધર્મો ભણી દ્રષ્ટિ જ નહિ હોવાથી તે અશુદ્ધતાને ગોપવી દે છે અને શુદ્ધિને વધારે છે.
ત્યારે કોઈને વળી થાય કે આ તો નિશ્ચય-નિશ્ચય બસ એટલું નિશ્ચય છે, એકાંત છે. અરે ભાઈ! તને ખબર નથી બાપુ! સમકિતીને વ્યવહારધર્મ તો છે પણ એ તો બધો રાગ છે, પુણ્યભાવ છે. વાસ્તવમાં તે વ્યવહારને ઘટાડતો જાય છે અને અંતઃશુદ્ધિને વધારતો જાય છે કેમકે તેને એક જ્ઞાયકભાવપણું છે. પણ અજ્ઞાનીએ તો જ્ઞાયકને ભાળ્યો જ નથી. તોપછી નિશ્ચયધર્મ વિના તેને વ્યવહાર પણ કયાંથી હોય? છે જ નહિ. ભાઈ! આ કાંઈ વાદવિવાદે પાર પડે એવું નથી. બાપા! અહીં તો આચાર્ય એમ કહે છે કે જેણે પોતાના શુદ્ધ ચૈતન્યઘનસ્વરૂપ પ્રભુ આત્માની ભક્તિમાં ઉપયોગને જોડયો છે તેને અન્ય ધર્મો પર દ્રષ્ટિ જ રહી નથી અને તેથી તે અશુદ્ધતાનો ગોપવનાર છે અને આત્મશક્તિનો વધારનાર છે. નિર્જરાની આવી વ્યાખ્યા છે.